બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 04:58 PM, 27 June 2026
1/6
દેશના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ અને અસહ્ય ગરમીથી તોબા પોકારી ગયેલા નાગરિકો માટે આખરે રાહતના અને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ સેટેલાઇટ રિપોર્ટ અનુસાર, દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવાની ગતિ એકદમ તીવ્ર બની છે અને વાતાવરણમાં સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન મુજબ, ચોમાસું હવે ઉત્તર અરબી સમુદ્રના ભાગોને આવરી લઈને સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢના બાકીના વિસ્તારો તેમજ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને પગલે પશ્ચિમ ભારત સહિત અનેક રાજ્યોમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે.
2/6
હવામાન વિભાગે પશ્ચિમ ભારતના વિસ્તારો માટે ખાસ 'હાઈ એલર્ટ' જાહેર કર્યું છે. 27 જૂનથી લઈને 2 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. પડોશી ક્ષેત્ર એવા મરાઠવાડા, કોંકણ અને ગોવામાં પણ વ્યાપક વરસાદનો દૌર ચાલુ રહેશે. 27 થી 29 જૂન દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને મરાઠવાડામાં અલગ-અલગ સ્થળોએ કલાકના 40 થી 50 કિમી અને મહત્તમ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આશંકા છે. આ વાવાઝોડા અને તેજ પવનના કારણે વહીવટી તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં 28 જૂનથી 2 જુલાઈ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ અનરાધાર વરસાદ વરસી શકે છે.
3/6
પૂર્વોત્તર રાજ્યોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી સ્થિતિ છે. 27 જૂનથી 2 જુલાઈના લાંબા ગાળા દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વ્યાપક સ્તરે વરસાદી માહોલ જામશે. ખાસ કરીને 27 થી 30 જૂન દરમિયાન આ રાજ્યોમાં વાવાઝોડા અને આકાશી વીજળી પડવાના બનાવો સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી વિસ્તારો અને સિક્કિમમાં પણ મુશળધાર વરસાદની કડક ચેતવણી આપવામાં આવી છે.
4/6
દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસું અત્યંત સક્રિય મોડમાં જોવા મળી રહ્યું છે. કોસ્ટલ કર્ણાટક, કેરળ, માહે અને લક્ષદ્વીપ જેવા ટાપુ વિસ્તારોમાં ૨૭ જૂનથી ૨ જુલાઈ દરમિયાન ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ભીતિ છે. આ સિવાય તેલંગાણા (27-30 જૂન), આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમાના વિસ્તારોમાં પણ વીજળીના ચમકારા અને તેજ પવન સાથે ચોમાસુ આગળ વધશે.
5/6
બીજી તરફ, ઉત્તર ભારતના લોકોને ગરમીના પ્રકોપમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે હજુ થોડા દિવસો સુધી પરસેવે રેબઝેબ થવું પડશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં દિલ્હી પહોંચે તેવી આશા છે. આઇએમડીના જણાવ્યા મુજબ, 27 અને 28 જૂને પશ્ચિમ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં હજુ પણ 'હીટવેવ' એટલે કે લૂ ચાલુ રહેવાની સંભાવના છે. પૂર્વીય ઉત્તરપ્રદેશમાં તીવ્ર ગરમી પડશે, જ્યારે ઓડિશામાં પણ 27 જૂને ગરમ અને અસહ્ય ભેજવાળું હવામાન લોકોને ભારે પરેશાન કરશે.
6/6
જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડાની સ્થાનિક અસર હેઠળ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પશ્ચિમ રાજસ્થાનમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાશે. દેશભરમાં બદલાતા આ હવામાનને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ સ્થાનિક તંત્રો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને હાઈ એલર્ટ પર રહેવા અને નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર રહેવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ