Odisha Train Accident News: ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો, મેડિકલ કોલેજમાં રક્તદાન કરવા આવેલ યુવાનોમાં કેટલાક 2 કલાક ઊભા રહ્યા તો કેટલાક 4 કલાક
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે ભયાનક ટ્રેન અકસ્માત
અકસ્માત બાદ હોસ્પિટલોમાં જોવા મળ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ
અકસ્માતમાં ઘાયલોને લોહીઓ આપવા લોકોની રીતસર પડાપડી
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે ત્રણ ટ્રેનોના ભયાનક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 280થી વધુ લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન ઘટનાસ્થળે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે. આ તમામની વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપતી કેટલીક ખાસ તસવીરો સામે આવી છે. વાત જાણે એમ છે કે, ટ્રેન દુર્ઘટનામાં ઘાયલોને રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો ઉભી છે. આ ઉપરાંત ટીમોની સાથે સ્થાનિક લોકો પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે.
ઓડિશા બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગે રક્તદાન માટે એક કેમ્પ ગોઠવ્યો છે જ્યાં લોકો રક્તદાન કરી રહ્યા છે. આ બચાવ કાર્યમાં સ્થાનિક લોકો ભારે મદદ કરી રહ્યા છે. તેઓ ઘાયલોને હોસ્પિટલ લઈ જવા સહિત અનેક કામોમાં મદદ કરી રહ્યા છે. એકાએક ઘાયલોની સારવાર માટે લોહીની માંગ વધી ગઈ અને ઘણા યુનિટ લોહીની જરૂર પડી. આ જોઈને લોકોએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. લોકો જાતે જ રક્તદાન કરવા હોસ્પિટલો પહોંચી રહ્યા છે.
રકતદાન કરવા લોકોની લાંબી લાઇન
આ દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે સ્થિતિ એવી છે કે, હોસ્પિટલોમાં રક્તદાતાઓની લાઈનો લાગી છે. કહેવામાં આવ્યું કે, બાલાસોરમાં રાતોરાત 500 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુવાનોની ભીડ ત્યાં એકઠી થઈ ગઈ છે અને ત્યાં લાંબી કતાર લાગી છે. યુવાનોના હાથમાં ફોર્મ દેખાય છે. કેટલાક 2 કલાક ઊભા રહ્યા તો કેટલાક 4 કલાક ઊભા રહ્યા. આ એવા યુવાનો છે જેઓ મેડિકલ કોલેજમાં રક્તદાન કરવા આવ્યા છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 3, 2023
નોંધનીય છે કે, દેશને હચમચાવી નાખનાર આ દુર્ઘટના શુક્રવારે સાંજે કોલકાતાથી 250 કિમી દક્ષિણમાં અને ભુવનેશ્વરથી 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહનાગા બજાર સ્ટેશન પાસે બની હતી. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના બાદ એક દિવસનો રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. રેલ્વેએ આ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. મામૂલી ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.