બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સાવરકુંડલાના લીખાળા ગામે હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો, વૃદ્ધ ખેડૂત પાસેથી રૂપિયા પડાવ્યા બાદ બદનામીના ડરે આપઘાત
Last Updated: 02:57 PM, 19 June 2026
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે એક વૃદ્ધ ખેડૂતના આપઘાત પાછળ હનીટ્રેપ અને પૈસાની માંગણીનો મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ લીખાળા ગામના હિંમતભાઈ સુહાગિયા નામના વૃદ્ધ ખેડૂતે પોતાની વાડીએ આવેલા લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય આપઘાતનો બનાવ લાગતો હતો, પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સમગ્ર મામલામાં કાવતરું અને હનીટ્રેપનો એંગલ સામે આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક હિંમતભાઈ સુહાગિયા છેલ્લા લગભગ એક મહિનાથી જૂનાગઢની હીના નામની મહિલા સાથે ફોન પર વાતચીત કરતા હતા. આ વાતચીતનો લાભ લઈને હીના અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોએ નાણાં પડાવવાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
માહિતી મુજબ ગત મહિનાની 22મી તારીખની રાત્રે હીના નામની યુવતી બે અજાણ્યા વ્યક્તિઓ તેમજ લીખાળા ગામના રોહિત કડવાભાઈ વેકરિયા અને ભોળાભાઈ રામભાઈ સિંધવ સાથે હિંમતભાઈની વાડીએ પહોંચી હતી. ત્યાં હિંમતભાઈને ધમકાવી અને બદનામ કરવાની વાત કરીને તેમની પાસેથી રૂપિયા ત્રણ લાખની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન હિંમતભાઈની બાજુમાં જ ખેતર ધરાવતા રોહિત વેકરિયાએ મધ્યસ્થી કરી હતી અને રૂપિયા દોઢ લાખ આપીને મામલો પતાવવાની વાત નક્કી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
પોલીસ તપાસ મુજબ તે જ રાત્રે રોહિત વેકરિયા હિંમતભાઈ સાથે તેમના ઘરે ગયો હતો અને ત્યાંથી રૂપિયા 80 હજાર લાવી આરોપીઓને આપવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનાથી હિંમતભાઈ ભારે ગભરાઈ ગયા હતા. તેમને લોકોમાં બદનામી થવાનો ડર સતાવી રહ્યો હતો. આ જ ડરના કારણે તેમણે રાત્રિના સમયે પોતાની વાડીએ જઈ લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાની રાત્રે હિંમતભાઈ અને તેમના પાડોશી ખેડૂત રોહિત વચ્ચે અનેક વખત ફોન પર વાતચીત થઈ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પરિવારજનોએ હિંમતભાઈના મોબાઇલની કોલ હિસ્ટ્રી તપાસતા બનાવની રાત્રે રોહિત સાથે અનેક વખત વાતચીત થઈ હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત છેલ્લા એક મહિનાથી તેઓ હીના નામની મહિલા સાથે પણ સતત સંપર્કમાં હતા તેવી વિગતો મળી હતી.

ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને રોહિત કડવાભાઈ વેકરિયાની ધરપકડ કરવામાં સફળતા મળી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં 9 જૂન, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 30 અને 61 હેઠળ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : 'માત્ર ખેડૂતો માટે આગાહી કરૂં છું', જયંત પંડ્યાના આક્ષેપ પર અંબાલાલ પટેલનો વળતો પ્રહાર
પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર કેસમાં કુલ પાંચ આરોપીઓ સામેલ છે. જેમાં રોહિત કડવાભાઈ વેકરિયા, ભોળાભાઈ રામભાઈ સિંધવ, હીના નામની મહિલા અને બે અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે. હાલમાં રોહિત કડવાભાઈ વેકરિયાની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓને શોધવા માટે પોલીસની તપાસ ચાલુ છે. સમગ્ર મામલામાં વધુ વિગતો મેળવવા માટે પોલીસ વિવિધ પુરાવાઓ અને ટેકનિકલ માહિતીના આધારે તપાસ આગળ વધારી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.