બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:19 PM, 3 July 2026
કેતન અગ્રવાલ હત્યાકેસની ચાલી રહેલી તપાસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ ચકચારી કેસમાં પોલીસે કોર્ટ પાસે મુખ્ય આરોપી સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી વધુ 3 દિવસ લંબાવવાની માંગ કરી હતી. જો કે, અદાલતે આ માંગણી ફગાવી દઈને બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પરસ્પર વાતચીત કરવા માટે ખાસ કોડવર્ડનો ઉપયોગ કરતા હતા, જેનો અર્થ અને હેતુ શોધવા પોલીસ મથામણ કરી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ હાઈ-પ્રોફાઈલ કેસની વિગતો આપતાં તપાસ અધિકારી મનોજ પવારે જણાવ્યું કે, કસ્ટડી દરમિયાન ચેતનની સગામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે સિયાના પાસપોર્ટ અને અન્ય પાસાઓ અંગે પણ ઝીણવટભરી તપાસ કરાઈ હતી. આ દરમિયાન, સિયાના ઘરેથી તેનો બીજો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ પૂર્વે પોલીસ બંને આરોપીઓનો 1-1 મોબાઇલ ફોન પહેલાથી જ પોતાના કબજામાં લઈ ચૂકી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ડિજિટલ ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે સિયા અને ચેતન વાતચીત દરમિયાન કોડવર્ડ્સ વાપરતા હતા. હવે આ બીજા મોબાઈલની ઊંડી ફોરેન્સિક તપાસ દ્વારા આ કોડવર્ડ્સનો અર્થ, તેનો વાસ્તવિક હેતુ અને હત્યાના ષડયંત્ર સાથે તેનો શું સંબંધ છે તે શોધી કઢાશે. આ જ કારણોસર પોલીસ બંનેની કસ્ટડી વધુ 3 દિવસ મેળવવા માંગતી હતી. સરકારી પક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે નવો મોબાઈલ મળ્યા બાદ બંને આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે આ કોડવર્ડ્સનો અસલી અર્થ માત્ર સિયા અને ચેતન જ સ્પષ્ટ કરી શકે તેમ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પૂર્વે મંગળવારના રોજ સવારે પોલીસ સિયા ગોયલને પુણેના લુલ્લાનગર સ્થિત એ જગ્યા પર લઈ ગઈ હતી, જ્યાં તેણે અને ચેતને કથિત રીતે લોહગઢ કિલ્લા પરથી કેતન અગ્રવાલને ધક્કો મારીને પાડી દેવાની 'રિહર્સલ' કરી હતી. પોલીસનો દાવો છે કે મે મહિનામાં જ બંનેએ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપવા માટે આ જગ્યાએ પ્લાનિંગ મુજબ પ્રેક્ટિસ કરી હતી. સિયાએ પોલીસ સમક્ષ ઘટનાસ્થળે એ ચોક્કસ જગ્યાની ઓળખ પણ કરી બતાવી છે.
ADVERTISEMENT
તપાસ દરમિયાન પોલીસે સિયાના ઘરેથી ઘટનાના દિવસે તેણે પહેરેલા કથિત કપડાં પણ રિકવર કર્યા છે. આ ઉપરાંત, બંને આરોપીઓ સતત જૂઠું બોલતા હોવાની શંકાના આધારે તેમનો પોલીગ્રાફ ટેસ્ટ (Polygraph Test) કરાવવા માટે કોર્ટ પાસે કાનૂની મંજૂરી માંગવામાં આવી છે. પોલીસના મતે, પ્રેમ સંબંધમાં અવરોધ બનતો હોવાના કારણે કેતન અગ્રવાલની પ્લાનિંગ કરીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.