બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જામનગર મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, 1 હજારથી વધુ લોકોને બહાર કઢાયા
Last Updated: 12:10 PM, 17 June 2026
જામનગર મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની કચેરીને એક ધમકીભર્યો મેઈલ મળ્યો હતો, જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. આ મેઈલ મળ્યા બાદ તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી અને સમગ્ર ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધમકીભર્યો મેઈલ મળતાની સાથે જ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકાની કચેરીને તાત્કાલિક ખાલી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન મનપાના કર્મચારીઓ તેમજ વિવિધ કામગીરી માટે કચેરીમાં આવેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અચાનક કચેરી ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ થતાં થોડા સમય માટે નાસભાગ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર અંદાજે એક હજારથી વધુ લોકોને કચેરી પરિસરમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા. તેમાં મનપાના સ્ટાફ ઉપરાંત વિવિધ કામકાજ માટે આવેલા નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. સુરક્ષા કારણોસર સમગ્ર વિસ્તારને નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યો હતો અને કચેરીની આસપાસ સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડની ટીમો સ્થળ પર પહોંચી હતી. સુરક્ષા નિષ્ણાતો દ્વારા મહાનગરપાલિકાની કચેરીના દરેક વિભાગ, રૂમ, પાર્કિંગ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તેની તપાસ માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ધમકીભર્યો મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો, તેની પાછળ કોણ જવાબદાર છે અને તેનો હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓ પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ અને અન્ય સંબંધિત વિભાગો પણ આ મામલે માહિતી એકત્રિત કરવામાં જોડાયા છે.
ADVERTISEMENT
જામનગર મહાનગરપાલિકાની કચેરીને મળેલી આ ધમકી બાદ શહેરમાં ચિંતા અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે તંત્ર દ્વારા સમયસર લેવામાં આવેલા પગલાંના કારણે સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવામાં સફળતા મળી હતી. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે અને ધમકીભર્યા મેઈલ પાછળના તત્વોને શોધી કાઢવા માટે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.