બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મણિનગર પોલીસની પ્રશંસનીય પહેલ, સિનિયર સિટિઝન માટે વોટ્સએપ ગ્રુપ શરુ કર્યું, મદદનો હાથ લંબાવ્યો
Last Updated: 12:53 PM, 17 June 2026
અમદાવાદ શહેરમાં વધતા સાયબર ગુનાઓ, એકલવાયા રહેતા વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ કરતા ઠગો અને ઘરફોડ ચોરી-લૂંટના બનાવો વચ્ચે મણિનગર પોલીસ દ્વારા એક એવી પહેલ કરવામાં આવી છે, જે માત્ર પોલીસિંગ પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમાજ પ્રત્યેની સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ બની છે. સંતાનો વિદેશમાં હોય, નોકરીના કારણે અન્ય શહેરોમાં સ્થાયી થયા હોય કે પછી જીવનસાથીના નિધન બાદ એકલવાયું જીવન જીવવું પડતું હોય, આવા અનેક વરિષ્ઠ નાગરિકો માટે આજના સમયમાં સૌથી મોટો પડકાર સુરક્ષા સાથે લાગણીનો અભાવ પણ છે. ઘરમાં કોઈની રાહ જોતાં વૃદ્ધ માતા-પિતા માટે ક્યારેક ફોનની એક રિંગ પણ આશ્વાસન બની જાય છે ત્યારે હવે મણિનગર પોલીસ તેમના માટે માત્ર કાયદાના રક્ષક નહીં, પરંતુ પરિવારના સભ્ય જેવી ભૂમિકા ભજવી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
થોડા સમય પહેલાં શહેરમાં લૂંટના ઈરાદે ઘરમાં ઘૂસીને વરિષ્ઠ નાગરિકોની કરપીણ હત્યાના બનાવોએ સમગ્ર સમાજને હચમચાવી દીધો હતો. આવા બનાવો ફરી ના બને અને એકલવાયું જીવન જીવતા સિનિયર સિટીઝન સુરક્ષિત અનુભવે તે માટે અમદાવાદ પોલીસની ‘શી’ ટીમ સતત તેમના સંપર્કમાં રહે છે. પોલીસ કર્મચારીઓ તેમના ઘરે જઈને ખબર-અંતર પૂછે છે, તેમની સમસ્યાઓ સાંભળે છે અને જરૂરી મદદ પણ પહોંચાડે છે.
ADVERTISEMENT
આ જ પહેલને વધુ અસરકારક બનાવવા માટે હવે મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા વોટ્સએપ આધારિત એક અનોખું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિકો સાથે સીધો અને ઝડપી સંપર્ક જળવાઈ રહે તે માટે વિશેષ વોટ્સએપ ગ્રૂપ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં આ ગ્રૂપમાં 81 વરિષ્ઠ નાગરિકો જોડાયેલા છે. આ સાથે મણિનગર પોલીસ સ્ટેશનના PI, PSI, ‘SHE’ ટીમ સહિત પોલીસ સ્ટાફના સભ્યો પણ આ ગ્રૂપમાં સક્રિય છે. દિવસ હોય કે રાત, 24 કલાક આ ગ્રૂપ કાર્યરત રહે છે અને કોઈ પણ જરૂરિયાતના સમયે મદદ માટે તૈયાર રહે છે.

ADVERTISEMENT
આ ગ્રૂપ માત્ર શુભેચ્છાઓની આપલે પૂરતું નથી. બદલાતા સમય સાથે વધતાં જોખમોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સાયબર જાગૃતિ અંગે સતત માહિતી આપવામાં આવે છે. ડિજિટલ અરેસ્ટ જેવા નવા પ્રકારના ફ્રોડથી કેવી રીતે બચવું, અજાણ્યા ફોન કોલ કે લિંક અંગે શું સાવચેતી રાખવી, બેન્કિંગ સંબંધિત માહિતી કોની સાથે શેર ન કરવી જેવી ઉપયોગી બાબતો સમજાવવામાં આવે છે.
ADVERTISEMENT
આ ઉપરાંત સિનિયર સિટીઝન કાર્ડ મેળવવાની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો, અરજી ક્યાં જમા કરાવવી અને તેની સંપૂર્ણ માર્ગદર્શિકા પણ ગ્રૂપ મારફતે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. શહેરના વાતાવરણની માહિતી, ભારે વરસાદની આગાહી, ટ્રાફિક ડાઈવર્ઝન, રોડ રસ્તાની સ્થિતિ જેવી વિગતો પણ નિયમિત રીતે શેર કરવામાં આવે છે, જેથી વરિષ્ઠ નાગરિકો આગોતરી તૈયારી કરી શકે. બીજી તરફ આ ગ્રૂપ વરિષ્ઠ નાગરિકો માટે પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવાનું પણ અસરકારક માધ્યમ બન્યું છે. કોઈને વ્યક્તિગત સમસ્યા હોય, મેડિકલ ઈમર્જન્સી સર્જાઈ હોય, દવાઓ અંગે મદદની જરૂર હોય કે પછી સાયબર ગુનાને લઈ માર્ગદર્શન લેવું હોય તો તેઓ સીધા જ ગ્રૂપમાં અથવા કોઈ પણ પોલીસ કર્મચારીને વ્યક્તિગત સંદેશ મોકલી શકે છે.
ADVERTISEMENT

મણિનગર પોલીસ સ્ટેશનના PI જે.પી. જાડેજાના જણાવ્યા મુજબ આ ગ્રૂપનો મુખ્ય હેતુ સેવા અને માહિતી બંને પહોંચાડવાનો છે. થોડા દિવસો અગાઉ એક વરિષ્ઠ નાગરિકે સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે મદદ માગી હતી. પોલીસ દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી તેમને કાર્ડ મેળવવામાં મદદ કરવામાં આવી હતી.

ઝોન-6ના DCP ભગીરથસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવે અને પોલીસ સુધી તેમની પહોંચ સરળ બને તે માટે આ ગ્રૂપ શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં 81 વરિષ્ઠ નાગરિકો આ પહેલ સાથે જોડાયેલા છે અને આગામી સમયમાં વધુ વરિષ્ઠ નાગરિકોને પણ આ સેવાનો લાભ મળે તે માટે નવા ગ્રૂપ બનાવવામાં આવશે. મણિનગર વિસ્તારમાં રહેતા વરિષ્ઠ નાગરિક કિરણભાઈ કંસારાએ જણાવ્યું છે કે પોલીસે બનાવેલું વોટ્સએપ ગ્રૂપ અમારા માટે ઘણું ઉપયોગી બની રહ્યું છે. સાયબર ક્રાઇમથી કેવી રીતે બચી શકાય તેની તમામ માહિતી પોલીસ દ્વારા મળી રહી છે.
આજના ટેક્નોલોજીના યુગમાં વોટ્સએપનો ઉપયોગ માત્ર મેસેજ મોકલવા પૂરતો નથી રહ્યો. મણિનગર પોલીસ માટે તે સુરક્ષા, વિશ્વાસ અને સંવેદનાનું માધ્યમ બન્યું છે. પોલીસ અને પ્રજાના સંબંધો માત્ર ફરિયાદ અને કાર્યવાહી સુધી સીમિત ના રહે, પરંતુ તેમાં લાગણી અને જવાબદારીનો સ્પર્શ પણ ઉમેરાય ત્યારે જ સાચા અર્થમાં ‘જનમૈત્રી પોલીસ’નું સ્વપ્ન સાકાર થઈ શકે. કોઈ વ્યક્તિનાં સંતાનો હજારો કિલોમીટર દૂર હશે, પરંતુ હવે મણિનગરના આ વરિષ્ઠ નાગરિકો માટે એક સંદેશ જરૂર છે કે તમે એકલા નથી, પોલીસ તમારી સાથે છે.
આ પણ વાંચો : જ્યોતિષીઓની ચોંકાવનારી આગાહી,2026-27 વચ્ચે દુનિયા પર મંડરાઈ રહ્યું છે મોટું સંકટ
એક સમય હતો જ્યારે પોલીસનું નામ પડતાં લોકોમાં ભય જોવા મળતો હતો, પરંતુ હવે પોલીસનો ચહેરો બદલાઈ રહ્યો છે. એકલવાયા વૃદ્ધોને ફોન કરી તેમનાં ખબર-અંતર પૂછતી ‘શી’ ટીમ, ઘરે જઈને મદદ કરતી મહિલા પોલીસ અને વોટ્સએપ પર સતત સંપર્કમાં રહેતી મણિનગર પોલીસ એ સાબિત કરી રહી છે કે પોલીસ માત્ર કાયદાની અમલવારી કરતી સંસ્થા નથી, પરંતુ સમાજની સંવેદનાઓ સાથે જોડાયેલી એક જવાબદાર વ્યવસ્થા પણ છે. વરિષ્ઠ નાગરિકો માટે આ પહેલ સુરક્ષા કરતાં વધુ વિશ્વાસનું પ્રતીક બની રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.