અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નંબર પ્લેટ વગરનું વાહન લઇને પહોંચી ગયા બાદ યુવકે ધમાલ મચાવતાં મામલો બીચક્યો છે. પોલીસ કર્મચારીએ યુવકને વાહનમાં નંબર પ્લેટ કેમ નથી લગાવી તેમ પૂછતાંની સાથે જ યુવકે પોલીસ સ્ટેશન માથે લીધું હતું. પોલીસ કર્મચારીઓને નોકરી પરથી ઉતારી દેવાની ધમકી આપી અને તેમને હડધૂત કરતાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ કર્મચારીને ધમકાવ્યો હોવાની રાવ
પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઇએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઇમરાન અનવર શેખ (રહે. સુલતાન મહોલ્લો, દિરયાપુર) વિરુદ્ધ ધમકી તેમજ ફરજ પર અડચણની ફરિયાદ કરી છે. રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તેમજ શહેરમાં ચેઇન સ્નેચિંગ, લૂંટ સહિતના ગુના રોકવા માટે પોલીસની ગઇ કાલે ડ્રાઇવ હતી. આ દરમિયાન એક યુવક નંબર પ્લેટ વગરનું વાહન લઇ દરિયાપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઓ યુવકનું ટુવ્હીલર જોઇ ત્યાં પહોંચી ગયા હતા. ટુવ્હીલરમાં નંબર પ્લેટ નહીં લગાવી હોવાના મામલે પોલીસ કર્મચારીએ યુવકને પૂછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો બોલીને આખું પોલીસ સ્ટેશન માથે લીધું હતું. હું મીડિયામાં છું, તમારા પોલીસની ઓકાત જ નથી મારી ગાડી ચેક કરવાની તેમ કહી યુવક પોલીસ કર્મચારીને ધમકાવવા લાગ્યો હતો.
ડેકીમાંથી નંબર પ્લેટ મળી આવી
આ ઘટના જોઇ બીજા પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને યુવક પાસેથી ટુવ્હીલરની ચાવી લઇને ડેકી ચેક કરી હતી. યુવકની ડેકીમાંથી નંબર પ્લેટ મળી આવી હતી, જેથી પોલીસ કર્મચારીઓએ નંબર પ્લેટ કેમ નહીં લગાવી હોવાનું પૂછ્યું હતું. પોલીસ કર્મચારીઓનો સવાલ સાંભળીને યુવક ઉશ્કેરાયો હતો અને જોરજોરથી બોલવા લાગ્યો હતો કે તમારી હેસિયત શું છે કે મારી પાસે લાઇસન્સ અને ગાડીના કાગળો માગો છો. યુવકે પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે તમે ગરીબ માણસોનાં વાહનો ખોટાં ખોટાં જમા લો છો અને પબ્લિકને હેરાન કરો છો. પોલીસ કર્મચારીઓએ યુવકની અટકાયત કરી લીધી હતી, જ્યાં તેણે નોકરી પરથી ઉતારી દેવાની ધમકી આપી હતી. યુવકનું નામ ઇમરાન શેખ છે અને દરિયાપુર પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.