બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવાબ પરિવાર સાથે ભાગ્યો, પાકિસ્તાનનું કાવતરું થયુ નિષ્ફળ, જાણો જૂનાગઢ ભારતમાં કેવી રીતે ભળ્યું
Last Updated: 09:21 AM, 9 November 2025
15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી. પરંતુ આ આઝાદી જૂનાગઢવાસીઓ માટે ન હતી. કારણ કે, જૂનાગઢ સ્ટેટે ભારતમાં ભળવાનો નનૈયો ભણ્યો હતો. ભારતમાં કુલ 3 સ્ટેટ હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢ એવા હતા જેમણે પાકિસ્તાનમાં પોતાનો સમાવેશ કરવાનો પક્ષ રાખ્યો હતો જો કે, ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી. આ આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ બહુ મોટેરી કિંમતની ચુકવવી પણ કરવી પડી હતી.
ADVERTISEMENT
જૂનાગઢ નવાબે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો
15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટનાં છેલ્લા નવાબ મહાબતખાનજી પ્રજા વત્સલ રાજવી હતા પરંતુ કોઇને કોઇ કારણોસર તેમણે ભારતમાં જોડાવાને બદલે પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. ભૌગોલિક રીતે આ શક્ય ન હોવાને કારણે ભારત સરકાર પણ ચિંતામાં હતી.
ADVERTISEMENT
આરઝી હકુમતની સ્થાપના
અંતે 24 સપ્ટેમ્બર 1947 ના રોજ મુંબઈ ખાતે માધવબાગમાં જૂનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી અને જૂનાગઢની મુક્તિ માટે એક જાહેરનામું પણ તૈયાર કરવામાં આવ્યું હતું. આરઝી હકૂમત દ્વારા "આઝાદ જૂનાગઢ રેડીયો" નામના ગુપ્ત સ્ટેશનેથી "ચલો જૂનાગઢ એકસાથ" અને "આરઝી હકૂમત ઝીંદાબાદ" રેકર્ડ વગાડવામાં આવતી. સમય પસાર થતો ગયો અને 8 નવેમ્બર 1947ની સાંજ સુધીતો આરજી હકુમતની સેનાએ જૂનાગઢ સ્ટેટના કુલ 106 ગામો કબ્જે કરી લીધા હતા. આ તમામ ઘટનાઓ બની ત્યાં સુધીમાં નવાબ પોતે તેમની બેગમો, બાળકો, ઝવેરાત અને તેમના પાળીતા કુતરાઓને લઇને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા.
ADVERTISEMENT
નવાબે તાર કરીને ભારતની શરણાગતિ સ્વીકારવા કહ્યું
અંતે જૂનાગઢના નવાબે પાકિસ્તાનથી પોતાના રાજના દિવાનને એક તાર મોકલ્યો અને ભારતનું શરણ સ્વીકારી લેવાની અપીલ કરી, નવાબે મોકલેલો એ તાર આજે પણ દિલ્હી ખાતે આવેલા અભિલેખાગાર કચેરીમાં સાચવી રાખવામાં આવ્યો છે. 8 નવેમ્બર 1947 ના રોજ જૂનાગઢના દિવાન દ્વારા આ શરણાગતિ સ્વીકારવામાં આવી અને 9 નવેમ્બર 1947 ની સાંજના મજેવડી દરવાજામાંથી ભારતનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને ઉપરકોટના કિલ્લા પર ઝંડો ફરકાવ્યો અને જૂનાગઢ આઝાદ થયું.
ADVERTISEMENT
પ્રથમ વખત થયું હતું મતદાન
જૂનાગઢની જનતાને ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં તેના માટે એક મતદાન યોજવામાં આવ્યું હતું. 20 ફેબ્રુઆરી 1948 ના રોજ મતદાન કરાયું. એ વખતે ભારતનાં મત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાનનાં મત માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો. જેમાં 190779 મત ભારતને મળ્યા અને માત્ર 91 મત પાકિસ્તાનને મળ્યા હતા, આ મતદાનની યુનોને પણ જાણ કરાઈ હતી. આઝાદ ભારતનું કદાચ આ પ્રથમ મતદાન હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 20 નવેમ્બરથી ગુજરાતનાં માર્ગ પર દોડશે 'સરકારી ટેક્સી', ચાર મહાનગરોમાં પ્રોજેક્ટ શરૂ
સરદાર પટેલે જૂનાગઢની જનતાનો માન્યો આભાર
ADVERTISEMENT
13 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢની જનતાનો આભાર માનવામાં માટે દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં જંગી જાહેર સભા યોજી હતી અને સભામાં તેમણે પાકિસ્તાન જવા માગતા લોકોને તેમની માલ-મિલકત ઉપરાંત પાંચ રૂપિયા દક્ષિણા આપવાની વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.