બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:40 AM, 12 April 2026
બિહારના કટિહારમાં NH-31 પર બસગડા ચોક પાસે બસ અને પિકઅપ વાન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 10 લોકોના કરુણ મોત થયા છે. આ અકસ્માતમાં બે બાઇક સવારો પણ ભોગ બન્યા છે. નશાની હાલતમાં બસ ચલાવી રહેલા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં 25 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી અનેકની હાલત નાજુક છે. સ્થાનિક લોકો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ઘટનાની વિગતો મુજબ, હરદાથી પૂર્ણિયા તરફ જઈ રહેલી એક મુસાફર બસના ડ્રાઈવરે દારૂનો નશો કર્યો હોવાનું કહેવાય છે. મુસાફરો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ બસ ડ્રાઈવર રસ્તામાં અગાઉ પણ એક-બે જગ્યાએ નાની ટક્કરો મારી ચૂક્યો હતો, તેમ છતાં તેણે ગતિ પર કાબૂ મેળવ્યો નહોતો. જેવી બસ દાતપુર મુસહરી ચોક પાસે પહોંચી, ત્યારે સામેથી આવતી પિકઅપ વાન સાથે તેની સીધી અને જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

ADVERTISEMENT
અકસ્માત સમયે બસ અને પિકઅપ વાનની બાજુમાંથી પસાર થઈ રહેલી બે મોટરસાઈકલ પણ આ ભીષણ ટક્કરની લપેટમાં આવી ગઈ હતી. બાઇક પર સવાર ચાર લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બસ અને પિકઅપ વાનમાં સવાર મુસાફરોની પણ ચીસાચીસ ગુંજી ઉઠી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ગ્રામજનોએ માનવતા બતાવીને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને બસના કાચ તોડીને ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
પોલીસને જાણ થતા જ કોઢા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, 25 થી વધુ ઘાયલોમાંથી ઘણાની સ્થિતિ અત્યંત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ડ્રાઈવર સામે નશાની હાલતમાં વાહન ચલાવી અનેક લોકોના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'શાંતિથી બેસો, અને 15 હજાર...'', ડિવોર્સની માંગ કરનાર પતિને સુપ્રીમ કોર્ટની સલાહ
ADVERTISEMENT
કટિહારમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. આ અકસ્માતે ફરી એકવાર બિહારમાં નશાબંધી વચ્ચે પણ નશાની હાલતમાં વાહન ચલાવતા ડ્રાઈવરો અને હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. મૃતકોના પરિવારોમાં કરુણ કલ્પાંત જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારોને સહાય આપવાની ખાતરી આપી છે, પરંતુ નશાખોર ડ્રાઈવરની એક ભૂલે અનેક નિર્દોષ લોકોના શ્વાસ છીનવી લીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.