બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નદીમાં તણાતા ખેડૂતનું મોત, તો બીજી તરફ ગામ સંપર્કવિહોણું થતા MLA હીરા સોલંકી મેદાને
5 ફોટો ગેલેરી
Last Updated: 02:16 PM, 5 July 2026
1/5
અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જાઈ છે. ગીનીયા ગામમાં વરસાદ દરમિયાન એક દુર્ઘટના બની હતી, જેમાં દીવાલ ધરાશાયી થતાં કૈલાશબેન માંગુડા નામની 40 વર્ષીય મહિલા તેની નીચે દબાઈ ગઈ હતી. માહિતી અનુસાર, મહિલા પોતાના ઘરે રસોઈ બનાવી રહી હતી ત્યારે અચાનક દીવાલ તૂટી પડી હતી. ઘટનામાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેમને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિસ્તારમાં સતત વરસાદને કારણે કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને ખાસ સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે
2/5
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામમાં ચારેય તરફ પાણી ફરી વળતાં ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ધારાસભ્ય હીરા સોલંકી ધારાબંદર જવા રવાના થયા છે. બીજી તરફ રાજુલાના ખાખબાઈ જવાના માર્ગ પર પણ પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સુરક્ષાના ભાગરૂપે NDRFની ટીમને તાત્કાલિક બોલાવી છે, જેથી કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી બચાવ કામગીરી હાથ ધરી શકાય.
3/5
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદ વચ્ચે દુઃખદ ઘટના બની છે. કોંજળી ગામની રૂપાવો નદીમાં ખેડૂત ભીખાભાઈ બાવલીયાનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત થયું છે. માહિતી અનુસાર, ભીખાભાઈ પોતાની વાડીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ગામના કોઝવે પરથી પસાર થતા સમયે પાણીનો પ્રવાહ વધુ હોવાથી તેઓ તેમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી મહુવા પંથકમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જિલ્લાની અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે.
4/5
અમદાવાદમાં પણ સિઝનના પ્રથમ નોંધપાત્ર વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. માત્ર દોઢ ઈંચ જેટલા વરસાદમાં જ SGVP અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સૌથી ચિંતાજનક બાબત એ રહી કે વરસાદ બંધ થયાના લગભગ સાત કલાક બાદ પણ અંડરપાસમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નહોતો. પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા.
5/5
ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અમરેલી, જાફરાબાદ, ભાવનગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદના કારણે અકસ્માતો, જળબંબાકાર અને વાહનવ્યવહારમાં વિક્ષેપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી, કોઝવે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ