બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આજે ગુજરાતનો સ્થાપના દિવસ, સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ હાજરી આપશે, શહેરને દૂલ્હનની જેમ શણગારાયું
Last Updated: 10:15 PM, 30 April 2026
Gujarat Foundation Day 2026: સુરત શહેરમાં આજે 1લી મેના રોજ ‘ગુજરાત સ્થાપના દિવસ’ નિમિત્તે રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી થનાર છે. આ ખાસ અવસરે સુરતીઓ માટે એક અનોખું આકર્ષણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હીના રાજપથ પર જોવા મળતી પોલીસ જવાનોની દિલધડક બાઈક સ્ટંટ પરેડનો નજારો પ્રથમવાર શહેરમાં જોવા મળશે. વાય જંકશન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં શૌર્ય, શિસ્ત અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય જોવા મળશે. સુરત પોલીસના જવાનો આ માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ અંતિમ રિહર્સલ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીનો માર્ગ આ ભવ્ય પરેડ માટે પસંદ કરવામાં આવ્યો છે. જ્યાં લોકો લાઈવ આ રોમાંચક દ્રશ્યો નિહાળી શકશે.
ADVERTISEMENT
આ પરેડમાં ખાસ આકર્ષણ રહેશે મહિલા પોલીસ જવાનોના સાહસિક સ્ટંટ, જેમાં તેઓ સાડી પહેરીને બાઈક પર જોખમી કરતબો કરતી નજરે પડશે. સામાન્ય રીતે સાડીમાં વાહન ચલાવવું મુશ્કેલ માનવામાં આવે છે. પરંતુ સુરતની મહિલા પોલીસ આ માન્યતાને પડકારતી નજરે પડશે. આ પ્રદર્શન નારી શક્તિ અને મહિલા સશક્તિકરણનો મજબૂત સંદેશ આપશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ સુરતીઓને 1લી મેના રોજ સાંજે 5 વાગ્યે વાય જંકશન ખાતે ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહી જવાનોનો ઉત્સાહ વધારવા અને ગુજરાતના સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આજે એટલે કે 1 મે ના રોજ ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે કારણ કે આજના દિવસે જ કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ-અલગ રાજ્યો જાહેર કર્યા હતા. 1 મે 1960ના રોજ બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં હતા. 1 મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હોવાથી આ દિવસને ગુજરાત દિન, ગુજરાત સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે. ત્યારે આજના આ લેખમાં અમે આપને જણાવીશું કે કેવી રીતે બૃહદમુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યું...
ADVERTISEMENT
વાત છે 1956ની...આ સમયે આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા ગુજરાતી ભાષી લોકોને અલગ ગુજરાતની આશા બંધાઈ હતી. એ આશાનું પરિણામ આવ્યું પહેલી મે, 1960ના દિવસે જ્યારે બૃહદમુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ થયાં. જોકે, ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટે 'મહાગુજરાત આંદોલનની' મહત્વની ભૂમિકા રહી છે. આઝાદી પછી 'મહાગુજરાત આંદોલન' એ ગુજરાતીઓનું સૌથી મોટું આંદોલન હતું. જેમાં સરઘસો, હડતાળો, વિરોધ પ્રદર્શનો, ગોળીબાર થયા હતા.
ADVERTISEMENT
ગુજરાતી ભાષા બોલતા પ્રદેશોને મહાગુજરાત રાજ્ય તરીકે જાહેર કરવા માટે જ મહાગુજરાતની ચળવળ શરુ થઈ હતી. આ ચળવળ હકીકતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ 'મહાગુજરાત આંદોલન'માં ફેરવાઈ હતી. મહાગુજરાત ચળવળના મુખ્ય હીરો હતા ઈન્દુલાલ યાજ્ઞિક. તેમણે વર્ષ 1956માં અગલ ગુજરાતની ચળવળને વેગ આપ્યો હતો. દેશ આખામાંથી ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ થઈ રહી હતી. જોકે, મુંબઈ રાજ્યનું વિભાજન કરાયું નહોતું. તેની પાછળ ગુજરાત અને મુંબઈના આર્થિક હિત છુપાયેલું હતું. તે સમયે ઘણા રાષ્ટ્રીય નેતાઓ મુંબઈના બે ભાગલા પડે તેવું ઈચ્છતા હતા. જોકે, તે માટે પ્રજા તૈયાર નહોતી અને પછી મહાગુજરાતની ચળવળ શરુ થઈ.
ADVERTISEMENT
6 ઓગસ્ટ, 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઇ, ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતા ગુજરાતીઓને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ 7 ઓગસ્ટના રોજ કોંગ્રેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા પહોંચ્યું હતું. વિદ્યાર્થીઓએ અલગ રાજ્યની માંગ કરી હતી. જોકે, તેમને સંતોષકારક જવાબ ન મળતા હડતાળનું એલાન કરાયું હતું.
8મી ઓગસ્ટ 1956ના રોજ હજારો છાત્રો ભદ્ર સ્થિત કોંગ્રેસ હાઉસ ખાતે એકઠાં થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. આ વચ્ચે કોંગ્રેસ હાઉસ ખાતે ગોળીબાર કરાયો હતો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. જ્યારે અનેકને ઇજાઓ પહોંચી હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ બંન્ને કોમના વિદ્યાર્થીઓ હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો હતો. આ હિંસા બાદ શહેરભરમાં દ્વિભાષી મુંબઇ રાજ્યનો વિરોધ શરૂ થઇ ગયો. 8 અને 9 ઓગસ્ટે જોરદાર રમખાણો થયા તથા સરકારી સંપત્તિઓમાં તોડફોડ કરવામાં આવી હતી. હરીપ્રસાદ વ્યાસ તથા પ્રબોધ રાવલે ખુલ્લી જીપમાં શહેરનો પ્રવાસ કર્યો હતો અને છાત્રોને શાંતિ રાખવા અપીલ કરી હતો.

સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.