ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:46 AM, 14 March 2026
ADVERTISEMENT
Kutch Crime : કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં પ્રેમ સંબંધને કારણે બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાવી છે. પ્રાથમિક વિગતો મુજબ ખાંભલા ગામની સીમમાં આવેલા એક ઊંડા કુવામાંથી 39 દિવસ બાદ એક યુવક અને યુવતીના મૃતદેહ મળી આવતા આ મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં આ કેસ ઓનર કિલિંગનો હોવાનું બહાર આવ્યું છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
મળતી માહિતી મુજબ ખાંભલા ગામની 19 વર્ષીય નાથીબેન ઉર્ફે સોનુ વંકા રબારી અને નાના અંગીયા ગામના 21 વર્ષીય નવીન જીવાભાઈ રબારી વચ્ચે પ્રેમ સંબંધ હતો. 3 ફેબ્રુઆરીના રોજ બંને પોતાના પરિવારથી દૂર ચાલી ગયા હતા. દીકરી ઘરે ન પરત ફરતાં યુવતીના પિતાએ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગુમ થયેલી યુવતી નાથી ઉર્ફે સોનુના પિતા વંકાભાઈ પન્નાભાઈ રબારી અને તેના ભાણેજ પબા ગાભાભાઈ રબારીને પોલીસ સ્ટેશન બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
શું કહ્યું નખત્રાણા PIએ ?
સમગ્ર મામલે VTV DIGITAL સાથે ચર્ચા કરતા નખત્રાણા પીઆઇ જે.ડી.સરવૈયાએ જણાવ્યું કે, પોલીસની આગવી પૂછપરછ અને વિશ્વાસમાં લઈ વાત કરતાં બન્ને આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી.કબૂલાત મુજબ, તા. ૩ ફેબ્રુઆરીની રાત્રે નાથી ઉર્ફે સોનુ ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરતા તે નવીન રબારી સાથે કોટડા (જ.) ગામે મળી આવી હતી.તેને ઘરે આવવા માટે સમજાવતાં પણ તે તૈયાર ન થતાં બન્નેએ ગુસ્સામાં આવી બંનેને મોટરસાયકલ પર બેસાડી ખાંભલા ગામ તરફ જતા રસ્તા પર લઈ જઈ ગળું દબાવી હત્યા કરી હતી.બાદમાં બંને મૃતદેહોને નજીકના એક કૂવામાં ફેંકી દીધા હતા.
ADVERTISEMENT

આ ઘટના કેસ સંદર્ભે સમગ્ર ઘટનાની જાણ પશ્વિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા સહિતના ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.ત્યારબાદ પોલીસ, ફાયર બ્રિગેડ,એફ.એસ.એલ. ટીમ,મેડિકલ સ્ટાફ, સરકારી પંચો અને વીડિયોગ્રાફરની હાજરીમાં હાઈડ્રોલિક ક્રેનની મદદથી બંને લાશોને શુક્રવારે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી.નાયબ કલેક્ટર નખત્રાણાની હાજરીમાં ઇન્ક્વેસ્ટ પંચનામું કરી લાશોને પોસ્ટમોર્ટમ માટે નખત્રાણા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવી હતી.આ બનાવ અંગે ફરીયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને બંને આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લેવામા આવ્યા છે.
ADVERTISEMENT
આ દરમ્યાન યુવકના પરિવારજનોએ 5 ફેબ્રુઆરીએ પોલીસમાં ગુમ થયાની નોંધ કરાવી હતી. બાદમાં યુવતીના પિતાએ પણ 7 ફેબ્રુઆરીએ પોતાની દીકરી ગુમ હોવાનું જણાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તપાસ દરમિયાન પોલીસને યુવતીના પિતા પર શંકા ગઈ. પોલીસે કડક પૂછપરછ કરતા આખી ઘટના બહાર આવી. ત્યારબાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમે અધિકારીઓની હાજરીમાં કુવામાં શોધખોળ કરી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલમાં પોલીસએ યુવતીના પિતા અને તેના ભાણેજને કસ્ટડીમાં લઈ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.