બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ચાંદીપુરા વાયરસનો કહેર! 4 બાળકોના મોત, જાણો જીવલેણ વાયરસથી બચવાના ઉપાય
Last Updated: 01:37 PM, 29 July 2026
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને હવે વધુ ત્રણ બાળકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જામનગર, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે. વિવિધ જિલ્લાઓમાં સારવાર લઈ રહેલા બાળકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જામનગરની જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના વધુ એક કેસમાં એક બાળકનું મોત થયું છે. મૃતક બાળક ધ્રોલ તાલુકાના રોજીયા ગામનો એક વર્ષનો હતો. હાલ મૃત બાળકનો લેબોરેટરી રિપોર્ટ આવવાનો બાકી છે, પરંતુ પ્રાથમિક રીતે ચાંદીપુરા વાયરસની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ નવા બનાવ સાથે જામનગરની જીજી હોસ્પિટલમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે પાંચ બાળકોના મોત નોંધાયા છે. હાલમાં હોસ્પિટલમાં વધુ બે બાળકો સારવાર હેઠળ હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેમની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કાંકરેજ તાલુકાના ચાંગા ગામના ત્રણ વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, ત્યારબાદ તેને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના વિસ્તારોમાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
મહેસાણા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રથમ જીવલેણ કેસ નોંધાયો છે. બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની એક બાળકીનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. બાળકીની સારવાર વડનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. ગઈકાલે બાળકીનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી આ પ્રથમ મોતનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે.
ADVERTISEMENT
જામનગર, બનાસકાંઠા અને મહેસાણામાં સામે આવેલા આ કેસો બાદ આરોગ્ય વિભાગે સંબંધિત વિસ્તારોમાં સર્વેલન્સ વધાર્યું છે. બાળકોમાં તાવ, બેભાન થવું, ખેંચ આવવી અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા તબીબો અપીલ કરી રહ્યા છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં મચ્છર અને અન્ય જીવાતોના નિયંત્રણ માટે પણ કામગીરી તેજ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ગાંધીનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો વધુ એક જીવલેણ કેસ સામે આવ્યો છે. માણસાના ચરાડા ગામના ચાર વર્ષના બાળકનું મોત થતાં જિલ્લામાં મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. ઘટનાના પગલે આરોગ્ય વિભાગે 364 ઘરોમાં સર્વે, ડસ્ટિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જામનગરની જીજી હોસ્પિટલમાં હજુ બે બાળકો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણને રોકવા માટે આરોગ્ય ટીમો દ્વારા દેખરેખ, તપાસ અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય તંત્રે લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને બાળકોના સ્વાસ્થ્ય અંગે કોઈપણ લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર સારવાર લેવા અપીલ કરી છે.
ચાંદીપુરા વાયરસ એક ગંભીર વાયરલ ચેપ છે, જે મુખ્યત્વે સેન્ડફ્લાય (રેતી માખી) દ્વારા ફેલાય છે અને ખાસ કરીને નાના બાળકો માટે વધુ જોખમી માનવામાં આવે છે. આ વાયરસના મુખ્ય લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, સતત ઉલ્ટી, ખેંચ (ફિટ્સ), બેભાન થવું, વધુ ઊંઘ આવવી, માથાનો તીવ્ર દુખાવો અને ગંભીર સ્થિતિમાં મગજમાં સોજો (એન્સેફેલાઇટિસ)નો સમાવેશ થાય છે. બચાવ માટે બાળકોને મચ્છર અને સેન્ડફ્લાયના કરડવાથી બચાવવા, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, મચ્છરદાની અથવા જાળીનો ઉપયોગ કરવા, સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા અને તાવ, ખેંચ અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની આરોગ્ય નિષ્ણાતો સલાહ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.