બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Girls from Sampa village have won 15 to 16 medals in different competitions in 10 years

ગુજરાત / ગુજરાતનું એક એવું ગામ, જ્યાં દીકરા-દીકરીઓ જ નહીં માતા-પિતા પણ છે ગોલ્ડ મેડાલિસ્ટ, છતાંય નોકરીના ફાંફા

Vishal Khamar

Last Updated: 01:54 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દહેગામમાં આવેલું સાંપા ગામ ટેલેન્ટેડ ખેલાડીઓની ખાણ છે. અહીં દરેક પરિવારમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ખેલાડી છે. પરંતુ, નેશનલ કક્ષાએ રમવા છતાંય આ ગામના છોકરાઓ નોકરી માટે વલખાં મારી રહ્યાં છે.

સવારના લગભગ સાત વાગ્યા છે. ખેતરોમાં કુમળો તડકો ફેલાઈ રહ્યો છે. ગામના લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત છે. કોઈ ખેતરમાં જઈ રહ્યું છે, તો કોઈ છાણ-વાસીદું કરી રહ્યું છે. પરંતુ એક પર ઘરમાં બાળકો દેખાઈ નથી રહ્યા. એટલે આશ્ચર્ય સાથે અમે ગામમાં એક વ્યક્તિને પૂછ્યું કે બાળકો ક્યાં? તો તેઓ અમને ગામમાં એક મેદાન તરફ લઈ ગયા. અહીંયા જ્યારે અમારી નજર પડી તો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રમતા દેખાયા. કોઈ અદ્યતન સ્પોર્ટ્સ એકેડમી જેવું વાતાવરણ નહોતું, પરંતુ બાળકો પોતાના શિક્ષકો અને કોચ સાથે એકદમ શિસ્તમાં ખોખો, કબડ્ડી, હેન્ડબોલની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. 

બાળકો જ નહીં માતા-પિતા પણ મેડાલિસ્ટ
વાત છે, ગુજરાતના સાપા ગામની. આ ગામની ઓળખ ખેલાડીઓની ખાણ તરીકેની છે. આ ઓળખ કેમ છે, તે જ જાણવા અમે અહીં પહોંચ્યા છીએ અને ગામના મેદાનમાં પહોંચતા જ અમે તેનો જવાબ જાતે જોયો છે. ગામના યુવાનોની સાતે છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પણ કોઈ સવાલ જવાબ વગર, ઉત્સાહ સાથે પોતાને ગમતી ગેમની પ્રેક્ટિસ કરવામાં વ્યસ્ત છે.     આ કુમળી વયના બાળકોની આંખમાં પણ દેશ માટે ઓલોમ્પિકમાં મેડલ જીતવાનો જુસ્સો જોવા મળી રહ્યો છે.     એટલે જ સાંપા ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ એવો છે, જે નેશનલ કે સ્ટેટ લેવલે મેડલ જીતી ચૂક્યો હોય. કેટલાક પરિવારો તો એવા છે કે બાળકોની સાથે તેમના માતા-પિતા પણ જુદી જુદી સ્પોર્ટ્સમાં મેડલ જીતી ચૂક્યા છે.

વળી, આ ગામની બીજી એક રસપ્રદ અને પ્રેરણાદાયક વાત એ છે કે છોકરાઓ કરતા વધારે સંખ્યામાં ગામની છોકરીઓ સ્પોર્ટ્સમાં રસ લઈ રહી છે. અત્યાર સુધી આ ગામમાંથી છેલ્લા 10 વર્ષમાં યુવતીઓ 15થી 16 મેડલ જુદી જુદી સ્પર્ધાઓમાં જીતી ચૂકી છે. 

ક્યાંથી શરૂ થઈ આ મેડલની મહાયાત્રા?
આજે સાંપા ગામ સેંકડોની સંખ્યામાં ટેલેન્ટેડ ખેલાડીઓને તૈયાર કરી રહ્યું છે. જો કે આનો સંપૂર્ણ શ્રેય અહીંના પૂર્વ શિક્ષક અને પૂર્વ સરપંચ રણજિતસિંહને જાય છે. ગામના પૂર્વ સરપંચ રણજિતસિંહ પોતે પણ ખેલાડી હતા, જેમણે 1972માં રાજ્ય કક્ષાએ મેડલ જીત્યા હતા. રણજીતસિંહે પોતે મેડલ જીતીને આરામ ન કર્યો, પરંતુ તેમણે ગામના અન્ય યુવાનોને સ્પોર્ટ્સમાં રસ લેતા કર્યા અને પ્રેક્ટિસ શરૂ કરાવી. આજે સાંપા ગામનું ખોખો-કબડ્ડી, બરછીફેંક, ગોળા ફેંક વગેરે સ્પર્ધામાં અવ્વલ નામ છે. રણજીતસિંહ બાદ તેમનો દિકરો પણ પિતાના આ યજ્ઞને આગળ ધપાવી રહ્યો છે. 

ટેલેન્ટ છે, પણ મુશ્કેલી નડે છે
સાંપા ગામમાંથી અત્યાર સુધી 500થી વધારે છોકરા- છોકરીઓએ જુદી જુદી રમતમાં નેશનલ કક્ષા સુધી પહોંચી ગયા છે. બરછી ફેક, ગોળા ફેંક, કબડ્ડી, ખોખો વગેરે ગેમ જીતી ચુક્યા છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે,રમત-ગમતના કારણે 150થી વધારે યુવાનો સરકારી નોકરી પણ મેળવી ચૂક્યા છે. જો કે, હજીય અહીં સંખ્યાબંધ એવા છોકરા-છોકરીઓ છે, જેમણે સ્પોર્ટ્સની સાથે સાથે અભ્યાસમાં પણ આગળ વધવું છે. પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિ તેમને ભણવાની પરમિશન નથી આપતી. જેમ કે સાંપાની જ બે બહેનો દિપીકા અને કુસુમ નેશનલ રમી ચૂકી છે. દિપકા 8 વાર નેશનલ રમી છે અને કુસુમ 10 વાર નેશનલ રમી છે. બંને પાસે ખોખોના મેડલ છે, સર્ટિફિકેટ છે, આ બંને બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, સાથે જ માતા-પિતાને ખેતીમાં પણ મદદરૂપ થાય છે. 

આર્થિક પરિસ્થિતિ બની મુસીબત
કુસુમબેન અને દિપીકાબેનના ઘરેથી આગળ વધીને અમે કિરણ ચોહાણના ઘરે પહોંચ્યા. નાનાકડા ઘરમાં રહેતી કિરણ છ વાર નેશનલ રમી ચુકી છે. કબડ્ડી, ખોખો અને હેંડબોલમાં કિંરણ ભારતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. કિરણ પણ આજે ખેતી કરે છે. કિરણ સવારથી સાંજ સુધી પોતાના ખેતરમાં ખેતી કરવા જાય છે અને પોતાની ગાય અને ભેંસને સાચવે છે. જો કે તેમના આ મેડલ અને સર્ટિફિકેટ માત્ર કાગળ અને ધાતુંના ટુકડા જ રહ્યા છે. અમે કિરણ બેનના પિતાને પણ મળ્યા તો તેમના પરિવારની સ્થિતિ એટલી ખરાબ છે કે, તેઓ આજે દીકરીને ભણાવી શકે તેવી સ્થિતિમાં પણ નથી. 

વધુ વાંચોઃ ગુજરાતની આ બે બેઠકો પર લડશે AAP: કોંગ્રેસ સાથે ગઠબંધનનું એલાન, જોકે પંજાબમાં બંને પાર્ટીઓ સામસામે

ગુજરાતનું આ ગામ ટેલેન્ટની ખાણ છે, જો અહીં પૂરતી સુવિધા, કોચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય, તો ભારતને ઓલોમ્પિક કક્ષાના ખેલાડીઓ મળી શકે તેમ છે. ત્યાં સુધી તો આશા રાખીએ કે ગુજરાતના બીજા ગામના યુવાનો પણ સાંપાના પગલે ચાલે અને ભારતને સ્પોર્ટ્સ ક્ષેત્રે નંબર વન બનાવે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ