બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / IAS અધિકારીના પત્ની ટ્રાફિકનો નિયમ તોડતા પકડાયા, તો નાણા વિભાગની ડિનર પાર્ટીમાં અધિકારીઓ ફરક્યા જ નહીં
Last Updated: 09:00 AM, 14 April 2025
IAS અધિકારીના પત્ની ટ્રાફિકનો નિયમ તોડતા પકડાયા, પછી....
ADVERTISEMENT
ગાંધીનગરમાં ફરજ બજાવતા IAS અધિકારીના પત્નીને એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે રોક્યા હતા. ત્યાર બાદ શું થયુ તે જાણીને સૌ કોઈ હસી પડશે. વાત એવી છે કે, IASના પત્ની ખરીદી કરવા નીકળ્યા હતા, અને ટ્રાફિકના નિયમનો ભંગ કરતા પોલીસે તેમને રોક્યા. હવે આ તો IASના પત્ની, ગરમીમાં તેમને આવી ગયો ગુસ્સો. પહેલા તો મેડમે આ કોન્સ્ટેબલને ખખડાવી નાખ્યો, પોતે IASના પત્ની હોવાનો રોફ પણ ઝાડ્યો. આખરે બહેને ફોન હાથમાં લઈ પતિદેને જોડ્યો અને કોન્સ્ટેબલ ખોટી રીતે પરેશાન કરતો હોવાની ફરિયાદ કરી હતી. કોન્સેટબલે સાહેબને કહ્યું,સાહેબ તમારા પત્નીજીએ જીબ્રા ક્રોસીંગ વટાવીને નિયમોનો ભંગ કર્યો છે પરંતુ તેઓ માનતા જ નથી. આ સાંભળીને IAS અધિકારીએ કહ્યુ કે, ભાઈ હું તેમની સાથે 30 વર્ષથી રહું છું. પત્નીઓની દલીલને આપણે ખોટી પાડી શકતા નથી. કોઈપણ વ્યકિતની પત્ની પોતાની વાત સાચી ઠેરવીને જ જંપે છે. તને આની ખબર નથી લાગતી. મારી પત્ની હોવાથી મારે ફોન કરવો જ પડે. પરંતુ જો ખરેખર તેમણે ટ્રાફિકના નિયમોનુ ઉલ્લંઘન કર્યુ હોય તો તુ દંડ લઈને તેને જવા દેજે, કારણ કે સાંજે મારે પણ ઘરે જવાનુ છે. ઉચ્ચ અધિકારીની વાત સાંભળીને કોન્સ્ટેબલનો ગુસ્સો પણ શાંત થઈ ગયો અને રિસ્પેક્ટ જાળવીને કોઈપણ દંડ લીધા વગર માનભેર તેમના IAS પત્નીને જવા દીધા. આ વાત ખુદ IAS પોતાના મિત્રોને કહીને હસાવી રહ્યા છે.
નાણા ખાતાની ડિનર પાર્ટીમાં IAS અધિકારીઓ ગાયબ!
ADVERTISEMENT
નાણા ખાતા દ્રારા બજેટ સત્ર બાદ દર વખતની જેમ આ વર્ષે પણ સરકીટ હાઉસમાં IAS અધિકારીઓ માટે ડિનર પાર્ટી યોજાઈ હતી. જેનો સમય સાંજનો સાત વાગ્યાનો હતો પણ માત્ર ત્રણથી ચાર અધિકારીઓ જ હાજર રહ્યા હતા. કોઈને જાણે તેમાં રસ ન હોય તેવુ લાગતું હતું. કેટલાય IAS અધિકારીઓ તો સમયસર એટલે કે સાંજે સાત વાગ્યે જ પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં જઈને જોયું તો બીજા અધિકારીઓ દેખાતા નહોતા. આથી તેઓને બહુ ખરાબ લાગ્યું હતું. વહેલા આવી ગયેલા અધિકારીઓ આપસમાં ચર્ચા કરતા હતા કે, અન્ય અધિકારીઓ હવે આવશે કે નહીં, અને જો કોઈ આવવાના ન હોય તો પછી આપણે પણ અહીં રોકાવાનો કોઈ જ અર્થ નથી. તેઓએ લગભગ આઠેક વાગ્યા સુધી રોકાયા હતા. આ દરમિયાન અન્ય ગણ્યાગાંઠ્યા જ અધિકારીઓ ફરક્યા હતા. આખરે હાજર રહેલા અધિકારીઓમાંથી મોટાભાગના જમ્યા વગર જ નીકળી ગયા હતા. બીજા દિવસે સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ હતી કે હવે બજેટ બાદ યોજાતી ડિનર પાર્ટીમાંથી સનદી અધિકારીઓને રસ ઉડી ગયો છે.
બદલાઈ જશે વાઈબ્રન્ટ સમિટ, 2027માં યોજાવાની શક્યતા
રોકાણકારો માટે લાલ જાજમ બીછાવતી વાઈબ્રન્ટ સમિટ દર બે વર્ષે યોજાતી આવી છે. છેલ્લે 2024માં સમિટ યોજાઈ હતી. એટલે કે હવે જાન્યુઆરી 2026માં સમિટ યોજવાની થાય છે. પરંતુ સચિવાલયના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે વાઈબ્રન્ટ સમિટનું સ્વરૂપ બદલવાનો નિર્ણય કરાયો છે. એટલે કે સમિટને પહેલા ચાર ભાગમાં વહેંચી દેવાશે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો સમાવેશ કરાયો છે. આ ચારેય ઝોનમાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે. કદાચ ઓક્ટોબરથી આ સમિટ યોજાવામાં આવે એવી શક્યાતઓ છે. ચારેય ઝોનમાં જે પ્રકારની ઈન્ડસ્ટ્રી છે, તે પ્રકારના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓને બોલાવીને એમઓયુ કરાશે. ચારેય ઝોનમાં સમિટ યોજાઈ ગયા બાદ સૌથી છેલ્લે મુખ્ય વાઈબ્રન્ટ સમિટ છેક 2027 જાન્યુઆરીમાં સમિટ યોજાશે.
CMOના ACS મનોજકુમાર દાસે BSF-એરફોર્સના અધિકારીઓને ખુશ કરી દીધા
ગત અઠવાડીયે BSF તથા એરફોર્સના ટોચના અધિકારીઓની એક બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ બેઠકનો એજન્ડા કચ્છ, જામનાગર, ગાંધીનગર જેવી કેટલાક વિસ્તારોમાં સૈનિકોના વિવિધ પ્રશ્નોને ઉકેલ લાવવાનો હતો. ખાસ કરીને જમીનોના પ્રશ્નો ઘણા મોટા છે. કેટલાક પ્રશ્નો તો 1960થી ચાલતા આવ્યા છે. જમીન ઉપરાંત સ્થાનિક પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પાણી વગેરેનો સમાવેશ થાય છે. હોમ સેક્રેટરી એમ. કે દાસની અધ્યક્ષતામાં યોજાયેલી આ મીટીંગ અગાઉ જ અધિકારીઓ પાસેથી વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ મેળવી લીધો હતો. ત્યાર બાદ મીટીંગમાં સીધા પોઈન્ટ પર જ આવીને કન્સ્ટ્રકટીવ ચર્ચા કરી હતી. પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થતા બીએસએફ તેમજ એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ ખુશ થઈ ગયા હતા. સૌથી મહત્વની વાત એ છે કે, વર્ષોથી જે પ્રશ્નોનો ઉકેલ આવતો નહતો તે પૈકીના મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ આ મીટીંગમાં આવી ગયો હતો. એમ. કે. દાસે અધિકારીઓની કેટલાક પ્રશ્નો તાત્કાલિક રીતે ઉકેલવાનો અને તે મુજબની કાર્યવાહી કરવાનો આદેશ પણ આપી દીધો છે. જેમ કે ટેન્કરથી જ્યાં પાણી પૂરુ પાડવામાં આવે છે ત્યાં નળથી પાણી પુરુ પડાશે. જુદા જુદા પ્રશ્નોનો ઉકેલ આવતા બીએસએફ એરફોર્સના અધિકારીઓ ખુશખુશાલ હતા તો બીજી બાજુ એમ. કે. દાસ મીટીંગ પછી ખૂબ જ ખુશ દેખાતા હતા. પોતાના મિત્રો સાથેની વાતચીતમાં પણ તેઓએ આ ખુશી જાહેર કરી હતી. તેઓનું કહેવું હતું કે સૈનિકોના પ્રશ્નોનો ઉકેલ લાવીને મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. સારુ કામ કરવાનો સંતોષ હોય છે.
દિવ્યાંગ કોટા ન ભરાતા સરકાર ચિંતિત
છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી ભરતી પ્રક્રિયામાં દિવ્યાંગોની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. દિવ્યાંગ ક્વોટામાં પણ ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. તે ક્વોટા પણ ભરી શકાતો નથી. ગુજરાત સરકારે દિવ્યાંગોની ચિંતા કરીને શા માટે દિવ્યાંગોનો ક્વોટા નથી ભરી શકાતો તેના કારણો શોધવાનું શરૂ કર્યુ છે. ગત અઠવાડિયે જ મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એક મીટીંગ મળી હતી. જેમાં સામાન્ય વહીવટી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દાયાની પણ ખાસ હાજર રહ્યા હતા. દિવ્યાંગોને પરીક્ષા આપવામાં થઈ રહેલી તકલીફોને કઈ રીતે દૂર કરી શકાય તેની પણ આ મીટીંગમાં ચર્ચા કરી હતી. એટલું જ નહી સરકારી ભરતી પ્રક્રિયામાં વધુને વધુ દિવ્યાંગો કઈ રીતે ભાગ લઈ શકે અને તેના માટે શું કરવું જોઈએ તે અંગેના મુદ્દાઓ ચર્ચાયા હતા. જેમાં અમુક અધિકારીઓએ કેટલાક સૂચનો પણ કર્યા હતા. આગામી સમયમાં સરકારી ભરતીમાં દિવ્યાંગોના ક્વોટામાં દિવ્યાંગોને વધુ સુવિધા આપી શકે તેમ છે. સરકાર તેમની ભરતીમાં થોડી વધુ છૂટછાટ આપવાના મૂડમાં છે.
વિદ્યાર્થીઓમાં મોબાઈલનો ઉપયોગ ઘટાડવા સરકાર પગલાં લેશે
શાળા અને કોલેજોમાં પણ વિધાર્થીઓ દ્રારા મોબાઈલ ફોનનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. કેટલાક કિસ્સામાં તો પ્રાથમિક શાળાના વિધાર્થીઓ પાસેથી ફોન ઝડપાયા હતા. તેઓ છાનામાના ફોન લાવીને સ્કૂલમાં જ ગેમ રમતા હતા. ઘણી કોલેજોમાં પણ આવી જ હાલત છે. વિધાર્થીઓ ચાલુ ક્લાસે ફોનમાં ગેમ રમતા હોય છે અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. સરકારના ધ્યાન પર આ વાત આવી છે. આથી કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. જેમાં કોલેજોના આચાર્યો પ્રોફેસરોને પણ હાજર રખાયા હતા. ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વિધાર્થીઓ દ્રારા થઈ રહેલા મોબાઈલ ફોનના બેફામ ઉપયોગ અંગે સૌ કોઈએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ આગામી સમયમાં વિધાર્થીઓ મોબાઈલ ફોનનો ઓછો ઉપયોગ કરે અથવા તો સાવ બંધ જ કરી દે તે માટે શું કરી શકાય તેની ચર્ચા થઈ હતી. અંતે મોબાઈલ ફોનનો દૂરુપયોગ રોકવા માટે કેટલાક અંકુશો મુકવા જોઈએ એ અંગે સહમતિ સધાઈ હતી. આગામી સમયમાં આ સંદર્ભમાં એક માર્ગદર્શિકા જારી કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.