ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં 1000 વર્ષ જૂનુ હનુમાન દાદાની સ્વંયભૂ પ્રગટ થયેલી મૂર્તિવાળુ અતિપ્રાચીન મંદિર આવેલુ છે.
મુગલોના શાસન દરમિયાન પાટણ ઉપર અલ્લાઉદ્દીન ખિલજીએ ચઢાઇ કરતા પાટણના રાજાએ ડભોડાના ગાઢ જંગલના આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા ઉપર દેવગઢનુ ગાઢ જંગલ આવેલુ હતુ. રાજાની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડ દેવગઢના જંગલમાં આવતા હતા. તેમાંથી એક ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છૂટા પડીને એક નિશ્ચિત જગ્યાએ ઉભી રહી નમન કરતી અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી. આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાને જાતે તપાસ કરી અને કંઇક ચમત્કાર લાગતા રાજપુરોહિતની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યુ અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી.
હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને મૂર્તિની સ્થાપના કરવામાં આવી અને તે શ્રી ડભોડિયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઇ અને ત્યાં માનવ વસવાટ થયો ત્યારે ત્યાં જે ગામ બન્યુ તે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.
સમય જતા મંદિરના જિર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું, મંદિરના મહંતશ્રી સ્વ. જુગારદાસજીએ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતરા કે તીડ નહી પડે તેવા આશીર્વાદ આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કાતરા કે તીડ પાડતા નથી.

ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવેલા લગભગ 1000 વર્ષ જૂના ડાભોડીયા હનુમાનજી દાદાના મંદિરના કાળીચૌદશના લોકમેળા પ્રસંગે 350 ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે અને લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ડભોડીયા હનુમાનજીના બાઘા રાખે છે. આ મંદિરમાં યાત્રીઓ માટે રહેવા અને જમવા ઉપરાંત પરિવહનની સુવિધા પણ કરવામાં આવી છે.
અહીં પહોંચવા માટેનો તમામ વાહનવ્યવહાર, રેલ વ્યવહાર અને હવાઈ વ્યવહાર અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડાયેલ છે. અમદાવાદ અને ગાંધીનગરની 15-15 કિલોમીટરના અંતરે આવેલા આ ડભોડીયા હનુમાન પહોંચવા માટે સરળતાથી બસ વ્યવહાર અને પ્રાઇવેટ સાધનો ઉપલબ્ધ છે. આ પવિત્ર મંદિરમાં હનુમાન દાદાએ ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.