અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી શકે છે. હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે. તો અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે.
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા વિવાદ
અંબાજીમાં ભક્તો દ્વારા શરૂ કરાયો છે મોહનથાળ પ્રસાદ
હાઈકોર્ટમાં પહોંચી શકે પ્રસાદીનો મામલો
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મોહનથાળ પ્રસાદના મામલાને 7 દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો, આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. તો સાથે-સાથે ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબળ માંગ છે કે અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલું થાય. પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદનું વેચાણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ત્યારે હવે એવું કહેવાઈ રહ્યું છે કે, અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હાઈકોર્ટમાં પહોંચી શકે છે. તો અંબાજીમાં આજે ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે.
હાઈકોર્ટમાં દાખલ થઈ શકે છે PIL
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને બદલે ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા ભક્તો અને સંગઠનોમાં વિરોધનો મધપૂડો છંછેડાયો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનો મામલો હાઈકોર્ટમાં
પહોંચી શકે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળી વેકેશન બાદ હાઈકોર્ટમાં PIL દાખલ થઈ શકે છે.
ભક્તોએ શરૂ કર્યો મોહનથાળ
અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા હવે અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે. પીતાંબર સાથે ભૂદેવો અને ભક્તો મોહનથાળના પ્રસાદ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. માં અંબાને ધરાવેલો મોહનથાળનો પ્રસાદ ભક્તો જિલ્લા કલેકટરને આપશે.
ધાર્મિક સંગઠનોએ આપેલા અલ્ટીમેટમનો સમય પૂર્ણ
અંબાજી પ્રસાદનો મામલો દેશભરમાં ગાજી રહ્યો છે. જેનો હજુ સુધી અંત ન આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ બંધ કરવા મામલે વિવિધ ધાર્મિક સંગઠનોએ અંબાજી ટ્રસ્ટને જે અલ્ટીમેટમ આપ્યું હતું, તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી 2 દિવસમાં ધાર્મિક સંગઠનોના આંદોલન શરૂ થશે. હાલ અંબાજીમાં ભક્તોને ચિક્કીનો પ્રસાદ અપાઇ રહ્યો છે.
8 તારીખ સુધીનું આપવામાં આવ્યું હતું અલ્ટીમેટમ
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા અંબાજી હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાને લઈ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અંબાજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને 8 તારીખ સુધીમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી હતી. તેમજ જો 8 તારીખ સુધીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. વધુમા ગ્રામજનો સાથે મિટિંગ યોજી ગામ બંધ કરવાની તૈયારી દર્શાવી અને વહેલી તકે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા જણાવ્યું હતું.
પરંપરા ન તોડવા અપીલ
બીજી તરફ આ મામલે કરણી સેનાએ પણ રોષ ઠાલવ્યો હતો. રાજકોટમાં કરણી સેનાના અગ્રણીએ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું. પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો અમને આપો. તેમ કહી પ્રસાદ વિતરણની જવાબદારી કરણી સેના સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણીએ અપીલ કરી હતી.