બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / ભૂજની ધરતી પર ખેલાયું હતું યાદગાર યુદ્ધ, જેમાં ખુદ 9000 નાગાબાવા નિસ્વાર્થ લડ્યા, લોકોએ યાદ રાખ્યું પણ તંત્ર ભૂલ્યું!
Last Updated: 09:11 AM, 29 July 2025
આમ તો ગુજરાતમાં માત્ર એક જ હિલ સ્ટેશન છે, સાપુતારા. પણ ગુજરાત પાસે બીજા કેટલાક પર્વતો છે, જે ચોમાસામાં સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. આવો જ એક પર્વત આવેલો છે કચ્છની ધરતી પર. કચ્છનું નામ પડે એટલે સૂકું ભઠ રણ, ક્યાંક છૂટા છવાયા થોર અને પાણીની અછતના દ્રશ્યો આંખ સામે મંડાય. પણ હવે ગ્લોબલ વોર્મિંગ કહો કે કંઈક બીજું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં વરસાદ સારો એવો વધ્યો છે. જેને કારણે કચ્છમાં લીલોતરી પણ વધી રહી છે. ભૂજિયો ડુંગર પણ ચોમાસામાં વરસાદને કારણે જાણે લીલી ચાદર ઓઢી લે છે. ચોમાસામાં જો તમે ભૂજિયા ડુંગરને જુઓ તો આંખો ઠરી જાય.
ADVERTISEMENT
મંદિરે બનાવ્યો ભૂજિયો ડુંગર
ભૂજિયો ડુંગર હવે વિશ્વ વિખ્યાત છે, કારણ કે એની તળેટીમાં સ્મૃતિ વન નિર્માણ પામ્યું છે, જેની ચર્ચા વિશ્વભરમાં છે. તો બીજી તરફ ભૂજિયો ડુંગર એક અનોખી પરંપરા, એક ઈતિહાસ, એક આખો યુગ સાચવીને બેઠો છે. ભૂજિયા ડુંગરની બીજી બાજુ ભૂજંગ દેવનું મંદિર છે, જેના પરથી આ ડુંગરને ભૂજિયો નામ મળ્યું.
ADVERTISEMENT
આવી છે દંતકથા
એક દંત કથા મુજબ કચ્છ પર નાગલોકો રાજ કરતા હતા. શેષપટ્ટણની રાણી સાંગાઇએ ભેરિયા ગારુડી સાથે મળીને નાગલોકોના વડા ભુજંગનાગ સામે બળવો કર્યો. ભુજંગનાગ એક ડુંગરમાં છુપાઈ ગયો અને તેનું લશ્કર ભેરિયા ગારુડી સામે લડ્યું. એ લડાઈમાં ભેરિયાની હાર થઈ. સાંગાઈ રાણી સતી થઈ. ત્યારથી ભુજંગ નાગ જે ડુંગર પર રહેતો હતો, તે ભુજીયા તરીકે ઓળખાતો થયો. આજે પણ ભુજિયા ડુંગર પર ભુજંગનાગનું મંદિર છે જેની પૂજા માતંગદેવના વંશજો કરે છે.
ADVERTISEMENT

ઈતિહાસનો સાક્ષી ભૂજિયો ડુંગર
ADVERTISEMENT
જો કે, આ કથા માત્ર આટલી જ નથી. ભૂજિયો ડુંગર યુદ્ધ, બલિદાનનો પણ સાક્ષી છે. કચ્છની સુરક્ષા કરવા માટે મહારાઓ ગોડજીએ ભુજીયા ડુંગર ઉપર તેમજ ભુજ ફરતે કિલ્લો બનાવવાનું શરૂ કર્યું, આ કિલ્લાનું કામ મહારાઓ દેશળજી (પહેલા) એ પૂર્ણ કરાવ્યું, ઈ.સ.1729માં. બરાબર તે જ સમયે અમદાવાદ પર તે સમયે રાજ કરતા શેર બુલંદખાને પચાસ હજારના સૈનિકોના લશ્કર સાથે ભુજ ઉપર ચડાઈ કરી. કચ્છના મહારાઓ દેશળજીના કુંવર લખપતજી અને રોહા જાગીરના ઠાકોર જીયાજીની આગેવાનીમાં ભુજીયા ડુંગર ઉપર શેર બુલંદખાનના લશ્કર સાથે ધમાસાણ યુદ્ધ થયું, તે વખતે 9 હજાર નાગાબાવાની જમાત હિંગળાજ માતાજીની યાત્રાએ જઇ રહી હતી અને ભુજમાં વિસામો લીધો હતો. તેમને આ વિદેશી આક્રમણની ખબર મળતા, તેઓ પણ આ યુદ્ધમાં ભુજના રક્ષણ માટે લડયા, રોહા જાગીરના ઠાકોર જીયાજીએ હાથો હાથની લડાઈ કરતા- કરતા શેર બુલંદખાનની તલવાર છીનવી લીધી અને તેને મારીને હરાવ્યો. આમ આ ધમાસાણ યુદ્ધમાં કચ્છનો વિજય થયો. તે શુભ દિવસ શ્રાવણ સુદ પંચમીનો હતો. યુદ્ધ વિજય પ્રતીકના ભાગરૂપે શ્રાવણ સુદ પાંચમની ઉજવણી ભૂજિયા ડુંગર પર અને ડુંગરની તળેટીમાં થાય છે.

ADVERTISEMENT
રંગેચંગે ઉજવણી
આ ઉજવણી ભૂજંગ દેવ સાથે પણ જોડાયેલી છે. ગુજરાતમાં હવે નાગપંચમી વદ અને સુદ બંને ઉજવાય છે. ત્યારે એક બાજુ વિજયની યાદગીરી રૂપે અને બીજી બાજુ ભૂજંગનાગને યાદ કરવાના પ્રતીક રૂપે ભૂજિયા ડુંગરની તળેટીમાં શાહી સવારી નીકળે છે, લોક મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી લોકો આવીને મેળાને માણે છે. આ તિથિનું મહત્વ એટલું છે કે શ્રાવણ સુદ પાંચમના દિવસે ખુદ રાજવી પરિવાર ભૂજિયા ડુંગર પર આવીને ભૂજંગ નાગની વિશેષ પૂજા કરે છે.
ADVERTISEMENT

વધુ વાંચોઃ કચ્છમાં ભૂકંપ અને સુનામીની શક્યતા બમણી થઈ, વર્ષોથી સુષુપ્ત રાક્ષસ ફરી જાગ્યો!
કચ્છમાં આવેલો વિનાશક ભૂકંપ તો સૌ કોઈને યાદ હશે. ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની યાદમાં ભુજમાં ભુજીયા ડુંગરની તળેટીમાં દેશનું સૌથી વિશાળ સ્મારક "સ્મૃતિવન " બનાવવામાં આવ્યું છે. અંદાજિત 200 થી 300 એકરમાં બનેલું સ્મૃતિવન માત્ર ક્ચ્છ કે ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક આગવું અને મુલાકાત યાદગાર બની રહે તેવું સ્થળ છે. પરંતુ દુઃખની વાત એ છે જે ડુંગરના નામ પરથી ભુજ શહેરનું નામ પડ્યું છે તે ભુજીયા ડુંગરની ટોચ પર આવેલા ભુજંગ દેવના ઐતિહાસિક મંદિરની યોગ્ય દેખભાળ નથી રખાઇ.ભૂજના જાણીતા ઈતિહાસવિદ્ પ્રમોદ જેથીના કહેવા પ્રમાણે,"સ્મૃતિ વન આખા ગુજરાત માટે ગૌરવની બાબત છે, કચ્છીઓની છાતી તેનાથી ગજ ગજ ફૂલે છે. પરંતુ બીજી તરફ ભૂજના ઈતિહાસનું એક આખું પ્રકરણ સાચવીને બેઠેલા ભૂજંગ દેવના મંદિર સુધી પહોંચવું પણ જોખમી બન્યું છે. અહીં જવાના પગઠિયા જર્જરિત હાલતમાં છે. સીડીમાં રહેલા જાજરમાન 15 કોઠા પણ રાહ જોઈ રહ્યા છે કે કોઈ આવે અને અમને સાચવે."

બીજી તરફ સ્થાનિકો પણ ભૂજંગ નાગ દેવના મંદિરની જાળવણી માટે તંત્રને અપીલ કરી રહ્યા છે. અંકિતા ગોર નામની ભૂજની યુવતીનું કહેવું છે કે,"સ્મૃતિ વનની જેમ ભૂજિયા ડુંગરની બીજી બાજુનો પણ વિકાસ થવો જરૂરી છે, જેથી આવનારી પેઢી આ ઈતિહાસને આ મૂલ્યોને જાણી શકે અને પ્રવાસીઓ માટે ભૂજિયો ડુંગર આખો આકર્ષણનું કેન્દ્ર બની શકે."

સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.