ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ પોલીસનો અનોખો એક્શન પ્લાન! દિવાળીમાં ચોરી રોકવા જેલમાં બંધ 12 ચોર-લૂંટારુઓની મદદ લેશે પોલીસ
Last Updated: 12:19 PM, 24 October 2026
ADVERTISEMENT
અમદાવાદમાં દિવાળીના તહેવારો દરમિયાન બંધ મકાનો અને વેપારી એકમોને ચોરીથી બચાવવા પોલીસે અનોખો માર્ગ અપનાવ્યો છે. જેલમાં સજા ભોગવી રહેલા ૧૨ દોષિત ચોર-લૂંટારુ, તાળાં તોડવામાં નિષ્ણાત ગુનેગારો અને વાહનચોરોની મદદથી પોલીસ તેમની ગુનાખોરીની તરકીબો સમજશે. જેલ સત્તાવાળાઓ અને શહેર પોલીસ વચ્ચેના આ પ્રથમ પ્રકારના સહયોગનો હેતુ તહેવારો દરમિયાન ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો અટકાવવાનો છે.
ADVERTISEMENT

દિવાળી દરમિયાન લોકો વતન કે ફરવા માટે બહાર જાય ત્યારે અનેક મકાનો બંધ રહે છે. આવી સ્થિતિનો લાભ લઈને તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ રહેણાક વિસ્તારો, વ્યાપારી કેન્દ્રો અને અન્ય સંભવિત સ્થળોએ વિશેષ પોલીસ ટુકડીઓ તહેનાત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસે પશ્ચિમ અમદાવાદમાં વિશેષ ટીમને તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. જે વિસ્તારોમાં ચોરીનું જોખમ વધારે છે ત્યાં સાદાં કપડાંમાં પોલીસ કર્મચારીઓ તહેનાત કરવા અને સ્થાનિક પોલીસને સક્રિય રહેવા સૂચના આપવામાં આવી છે. સેક્ટર-૧ના જેસીપી નીરજ બડગુજરે જણાવ્યું છે કે અમે ડીસીપી સાથે બેઠકો કરીને સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર, સિંધુ ભવન રોડ સહિતના વિસ્તારોમાં, વ્યાપારી સંસ્થાઓ, બેન્કો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ વિશેષ ટુકડીઓ તથા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને તહેનાત કરવા જણાવ્યું છે.
ADVERTISEMENT
શહેરના મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવાથી ગુનેગારો શહેરની સરહદો તરફ પોતાની પ્રવૃત્તિઓ ખસેડી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને શહેર બહારના વિસ્તારો અને એસપી રિંગ રોડ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. સેક્ટર-૨ના એડિશનલ પોલીસ કમિશનર જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે કે પરંપરાગત બજારોમાં પોલીસની હાજરી વધે ત્યારે ગુના આચરતી ટોળકીઓ ઘણી વાર પોતાની કાર્યપદ્ધતિ બદલી નાખે છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું છે કે મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જ્યારે કેટલાંક સ્થળોએ તે શરૂ પણ થઈ ગયો છે. ખાસ કરીને એકાંત વિસ્તારોમાં આવેલી જ્વેલરીની દુકાનો અને આંગડિયા પેઢીઓ તસ્કરોના નિશાન પર હોઈ શકે છે. એસપી રિંગ રોડ નજીકનાં સ્થળો પણ જોખમમાં આવી શકે છે. આથી આવા વિસ્તારોમાં વિશેષ ટુકડીઓ તહેનાત કરવામાં આવી રહી છે. ગુનેગારો શહેરમાંથી ઝડપથી બહાર નીકળી ન જાય તે માટે પણ તકેદારી રાખવામાં આવશે. શહેરની પોલીસ ટીમો લૂંટ, ઘરફોડ ચોરી અને વાહનચોરીના બનાવો અટકાવવા સક્રિય છે. દિવાળીની રજાઓમાં લોકો બહારગામ જતાં રહેણાક વિસ્તારો ખાલી થઈ જાય તે પહેલાં જ આવા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તાજેતરમાં રાજકોટમાં બનેલી લૂંટની ઘટનાને ચેતવણીરૂપ ગણી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આંગડિયા પેઢીઓ, ઝવેરીઓ અને બેન્કોની શાખાઓમાં સાવચેતી અંગેની સૂચનાઓ વહેંચવાનું શરૂ કર્યું છે. ક્રાઈમ બ્રાંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે અમે વેપારી સંગઠનો સાથે પ્રાથમિક બેઠકો કરી છે. તહેવારો દરમિયાન ગુનાઓ અટકાવવા માટેના ઉપાયો નક્કી કરવા ટૂંક સમયમાં ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાશે. બેન્કોમાં સુરક્ષા કર્મચારીઓ પૂરા પાડતી એજન્સીઓ સાથે પણ બેઠકો કરવામાં આવશે. આવા ગુનાઓ બનવાની શક્યતા ધરાવતા વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે અને ત્યાં સઘન સીસીટીવી દેખરેખ રાખવામાં આવી રહી છે.

રાજ્યના પોલીસવડા ડીજીપી જી.એસ. મલિકે જણાવ્યું છે કે ગુજરાતના દરેક જિલ્લામાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તહેવારો દરમિયાન ગુનાઓ અટકાવવા માટે આગોતરાં પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે રજાઓ દરમિયાન બહારગામ કે પ્રવાસે જતા લોકોએ પોતાના ઘરકામમાં મદદ કરતા કર્મચારીઓની ઓળખ અને તેમની વિગતોનો રેકોર્ડ રાખવો જોઈએ. બંધ મકાનની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવી જોઈએ. જરૂર જણાય તો તાળાં બદલવાં અને સીસીટીવી કેમેરા કાર્યરત છે તેની ખાતરી કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.