બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગોદરેજ ગાર્ડન સિટીના Celeste પ્રોજેક્ટમાં હોબાળો, 3 વર્ષ વીત્યા, હપતા ચાલુ, 1100+ પરિવારોને નથી મળ્યું ઘર
Last Updated: 01:22 PM, 4 October 2025
અમદાવાદની ખૂબ જાણીતી ટાઉનશિપ ગોદરેજ ગાર્ડન સિટી મોટા વિવાદમાં સપડાઈ છે. ગોદરેજ ગાર્ડન સિટીની લેટેસ્ટ સ્કીમ સેલેસ્ટેમાં બુકિંગના 3-3 વર્ષ થઈ જવા છતાંય કોઈ કંસ્ટ્રક્શન કરવામાં નથી આવ્યું, જેને કારણે 1100થી વધુ પરિવારોના કરોડો રૂપિયા ફસાયા છે. જેને કારણે શુક્રવારે સાંજે મોટી સંખ્યામાં ઘર બૂક કરાવનાર લોકોએ ગોદરેજ ગાર્ડન સિટીની સેલ્સ ઓફિસમાં હોબાળો કર્યો હતો, જો કે આ મામલે ગોદરેજના કોઈ પણ રિપ્રેઝન્ટેટિવ કંઈ જ બોલવા માટે તૈયાર નથી.
ADVERTISEMENT
વડીલો કહે છે કે પોતાનું ઘર એક જ વખત થાય, કારણ કે ઘર બનાવવા પાછળ આખી જિંદગીની મૂડી લાગતી હોય છે. લોકો આખી જિંદગી મૂડી ભેગી કરીને, લોહી-પસીનાની કમાણીથી પોતાના સપનાનું ઘર લેવા માટે પૈસા રોકતા હોય છે, તો કેટલાક જરૂરિયાતમંદ લોકો લોન લઈને, ભારેખમ વ્યાજ ચૂકવીને પોતાનું ઘર કરતા હોય છે. પરંતુ ગોદરેજ માટે આ બધી જ કદાચ નાની બાબતો છે. કારણ કે જે સ્કીમ તેમણે ડિસેમ્બર 2022માં શરૂ કરી હતી, તે સેલેસ્ટે સ્કીમમાં હજી સુધી એક ઈંટનું પણ બાંધકામ થયું નથી. ત્રણ ત્રણ વર્ષ વીતી જવા છતાંય ગોદરેજ ગાર્ડન સિટીના સેલેસ્ટેમાં કોઈ જ બાંધકામ થયું નથી.
એટલું જ નહીં જ્યારે આ 1100 જેટલા પરિવારો ગોદરેજ ગાર્ડન સિટીની ઓથોરિટીઝ સામે રજૂઆત કરી રહ્યા છે, ત્યારે તેમને દર મહિને એવું જ કહેવામાં આવે છે કે આવતા મહિને શરૂ કરીશું, દિવાળીએ શરૂ કરીશું. પરંતુ ત્રણ વર્ષ બાદ પણ હજીય માત્ર ખુલ્લી જમીન છે. કદાચ ગોદરેજ ગાર્ડન સિટીને આ હજારો પરિવારોની વેદના નથી દેખાઈ રહી, ના તો એસી ઓફિસમાં બેઠેલા તેમના પદાધિકારીઓના પેટનું પાણી હલી રહ્યું છે. એવા અનેક પરિવારો છે, જે લોકો હાલ ભાડું પણ ભરે છે અને પોતાના નહીં બનેલા ઘરના હપતા પણ ભરે છે. આવા પરિવારનું ઘર કેવી રીતે ચાલતું હશે, તેનો બિલ્ડર્સને કોઈ જ અંદાજ નથી.
ADVERTISEMENT

પીડિત પરિવારોનું કહેવું છે કે ડિસેમ્બર 2022માં જ્યારે તેમની પાસેથી બુકિંગ અમાઉન્ટ લેવામાં આવી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ સ્કીમ ગોદરેજની છે અને ડિસેમ્બર 2025માં પઝેશન મળી જશે. પરંતુ જ્યારે બાનાખત થયો ત્યારે તેની અંદર 10 માર્ચ 2027ની તારીખ લખવામાં આવી, જેની કોઈ જાણ મકાન લેનાર લોકોને નહોતી કરવામાં આવી. ત્યાર બાદ પૈસા પણ ગોદરેજ સહિત અન્ય એક બિલ્ડર શ્રી સિધ્ધી ગ્રુપના ખાતામાં જમા કરાવવામાં આવ્યા. જ્યારે મકાન ધારકોએ પૂછ્યું ત્યારે ગોદરેજ તરફથી શ્રી સિદ્ધિ ગ્રુપ તેમના સબકોન્ટ્રાક્ટર હોવાની વાત કરવામાં આવી. આજે પણ ગોદરેજના અધિકારીઓ સત્તાવાર રીતે કંઈ જ બોલવા તૈયાર નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું, જાણો કયા જિલ્લાઓ અંગે અપાયું એલર્ટ, જાણો વિગતવાર
આ મામલે કેટલાક મકાન ધારકોએ RERAમાં પણ ફરિયાદ કરેલી છે, પરંતુ ત્યાંય મુદતો સિવાય અન્ય કોઈ ઉકેલ આવતો નથી. 1100થી વધુ પરિવારો રઝળી રહ્યા છે, પોતાનો હક માગી રહ્યા છે, પરંતુ બિલ્ડર્સને જરાક જેટલી ચૂંક પણ નથી આવી રહી. જાણે કાયદો મજાક હોય, લોકોની લાગણીઓ મજાક હોય, તેમ આ મામલે કંઈ જ થઈ રહ્યું નથી. વારંવાર પીડિત પરિવારો દ્વારા ગોદરેજ ગાર્ડન સિટીની ઓફિસે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તેમના ઉપરી અધિકારીો ન તો હાજર થાય છે, ન તો સત્તાવાર રીતે જવાબ આપે છે. ક્યારેક મેઈલ તો ક્યારેક કન્સેન્ટ ફોર્મના નામે માત્ર દિવસો ખેંચાઈ રહ્યા છે. હજીય આ પ્રોજેક્ટનું શું થશે, તે અંગે કોઈ જ સ્પષ્ટતા નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.