સાયન્સ સિટી ખાતે આવેલા મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કાર્યવાહી
કોલ્ડ ડ્રિંક્સમાં મરેલી ગરોલી આવતા તંત્ર દ્વારા કાર્યવાહી
સાયન્સ સિટીના રેસ્ટોરન્ટને કરાયુ સીલ
અમદાવાદમાં આવેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને કડવો અનુભવ થયો હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ કોલ્ડ ડ્રિંક્સમાં મરેલી ગરોળી નીકળતા દેકારો બોલી ગયો હતો. આ મામલે ગ્રાહક દ્વારા મેનેજર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, આવી ઘટનાઓ અવાર નવાર બનતી હોવા છતાં તંત્ર દ્વારા ખાસ કોઈ પગલાં ન લેવાતાં લોકો ભોગ બની રહ્યા છે. જેથી ગ્રાહકોમાં રોષ જોવા મળી રહી છે.
કોલ્ડ ડ્રિંક્સ સ્ટ્રો વડે હલાવતા ગરોળી ઉપર આવી
અમદાવાદના સાયન્સ સિટી ખાતેની મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેનો મિત્ર મેહુલ નાસ્તો કરવા ગયા હતા. જ્યાં બર્ગર અને કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર આપ્યો હતો. આ દરમિયાન કોલ્ડ ડ્રિંક્સને સ્ટ્રો વડે હલાવતા જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી. આ મરેલી ગરોળી જોઇ બંને ગ્રાહકો ચૌકી ઉઠયા હતા. આ મામલે તાત્કાલિક મેનેજરને ફરિયાદ કરવા ગયા હતા. જોકે મેનેજરે ફરિયાદને ન ગણકારી યોગ્ય જવાબ આપ્યો ન હોવાની પણ બંનેએ રાવ ઉઠાવી હતી. લોકોના આરોગ્ય સાથે મોટી કંપનીઓ ચેડાં કરતી હોવા છતાં જવાબદારો કાર્યવાહી ન કરતાં હોવાના આક્ષેપો સાથે યુવકે ઉચ્ચકક્ષાએ ફરિયાદની તૈયારી દર્શાવી છે.
ફુડ અને ડ્ર્ગ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ કરાયુ સીલ
કોલ્ડ ડ્રિંકમાંથી નીકળેલ મરેલી ગરોળી મામલે ગ્રાહકે હોબાળો મચાવ્યાં બાદ અમદાવાદ પોલીસ, મીડિયા તથા ફૂડ અને ડ્રગ્સ વિભાગ સમક્ષ ફરિયાદ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાના ફૂડ વિભાગે દોડી જઈ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું હતું. ત્યારે સવાલએ છે કે મેકડોનાલ્ડની કોકોકોલામાં ગરોળી કેવી રીતે આવી ? આ ઘટનાને પગલે શુ ફુડ એન્ડ ડ્રગસ વિભાગ બીજા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરશે કે રેસ્ટોરન્ટને સીલ મારીને જ સંતોષ વ્યકત કરશે. તે જોવાનું રહ્યું.