બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે આંબાવાડીમાં દીવાલ ધરાશાયી, ફાયર ટીમે 20 લોકોને બચાવ્યા; પોલીસે પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડ્યા
Last Updated: 02:46 PM, 24 July 2026
ભારે વરસાદ વચ્ચે આંબાવાડીની વિશ્વરૂપ સોસાયટી નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાં અચાનક દીવાલ ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. સમયસરની કામગીરીના કારણે જોખમી વિસ્તારમાં ફસાયેલા આશરે ર૦ લોકોને સહી-સલામત બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે સતત ભારે વરસાદના કારણે કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસની જમીન ધોવાઈ જતાં સી-૧ બ્લોકની દીવાલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. દીવાલ પડતાં સ્થળ પર હાજર મજૂરો અને અન્ય લોકોની સુરક્ષા જોખમમાં મુકાઈ હતી.
ફાયર વિભાગે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેથી કોઈ વ્યક્તિ કાટમાળ નીચે ફસાયેલ ન રહે તેની ખાતરી કરી શકાય. સદ્નસીબે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર રેસ્ક્યૂ કામગીરીનું સુપરવિઝન કર્યું હતું. બિલ્ડિંગની માળખાકીય સલામતીનું મૂલ્યાંકન કરવા તેમજ આગળની કાર્યવાહી માટે એસ્ટેટ વિભાગ અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે. સંબંધિત વિભાગો દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી સુરક્ષા પગલાં હાથ ધરવામાં આવશે.
ધોધમાર વરસાદમાં ખાખીની માનવતા ઝળકી, જરૂરિયાતમંદ સુધી પહોંચ્યાં ફૂડ પેકેટ
ADVERTISEMENT
ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. આવી વિકટ સ્થિતિમાં પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવવાની ફરજ સુધી સીમિત રહી નહીં, પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડ્યું. પાણીમાં ફસાયેલા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પોલીસ કર્મચારીઓએ જાતે પહોંચી ફૂડ પેકેટનું વિતરણ કર્યું.
વરસાદ વચ્ચે પોલીસના જવાનો કમર સુધીના પાણીમાં ચાલીને ઝૂંપડપટ્ટી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચ્યા હતા. વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને તૈયાર ભોજનનાં પેકેટ તેમજ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી. કેટલાંક સ્થળોએ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં પણ પોલીસે મદદ કરી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદના સેન્ટોસા પાર્કમાં વરસાનો કહેર, ઘરમાં ઘૂસ્યાં પાણી, ફાયર બ્રિગેડે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન
આપત્તિના સમયમાં પોલીસની આ કામગીરીએ ખાખીનો સંવેદનશીલ ચહેરો લોકો સમક્ષ ઉજાગર કર્યો. ભારે વરસાદ વચ્ચે પણ પોલીસ સતત મેદાનમાં રહી રાહત અને બચાવ કામગીરીમાં અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. પોલીસ અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ધોધમાર વરસાદથી સર્જાયેલી મુશ્કેલીઓ વચ્ચે પોલીસની આ માનવતાભરી કામગીરીથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને સમયસર ભોજન મળતાં તેમના ચહેરા પર રાહત જોવા મળી હતી. ગઈ કાલે સિનિયર સિટીઝનના ઘરે પોલીસ પણ પહોંચી હતી અને અનાજ આપ્યું હતું, જ્યારે કેટલાક સિનિયર સિટીઝનના ઘરે જ્યાં પાણી ભરાયાં હોય ત્યાં નિકાલ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.