બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'એણે સૂરજને પૂછ્યું' 'તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 36

વેવિશાળ / 'એણે સૂરજને પૂછ્યું' 'તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 36

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 06:19 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેજ દિવસે રત્રિએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણીધર નાગ ચારો કરવા નીકળ્યો હોય એવો ઝળહળાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઇને સામા બળદોને ભડકાવતી અને ગામપાદરના મોરલા ગહેકાવતી આવી પહોંચી ટેવાઈ. ગયેલા ગામલોકોએ હાટડેથી, ઓટેથી ને ચોર ઉપરથી સબ દેતાકને ઊભા થઇ સલામો કરી. ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું.

ઘરનાં તમામ માણસો ઉપર છકો બેસારી દેવાનો જ નિશ્ચય કરીને આવેલા ચંપક શેઠ કોઈની સાથે વાતચીતનો શબ્દ પણ બોલ્યાં વિના મહેમાનને લઇ મેડી ઉપર ચડી ગયા. તેમણે નીચેના ઓરડામાંથી ઉપર આવતો ઠંડો પહોરનો કંઇક કીચૂડાટ સાંભળ્યો; એ કીચૂડાટ ઘોડિયાનો હતો. જગતના કરોડો કાનોને મધુર લાગતા આ કિચૂડાટે ચંપક શેઠને કાનમાં કાંટા ભોક્યા. એણે તપ્ત અવાજે પોતાની સામે એક બાજુ ગરીબડા બની ઊભેલા નાના ભાઈને પૂછ્યું:

"ઘરમાં ઘોડિયું કોનું ચાલે છે ?"

ક્ષણ એક તો જવાબ દેવાની ઝાડી ફાટી નહિ. ખોંખારો ખાવો પડ્યો. ત્યાં તો મેડીના બાજુના ઓરડામાંથી ભાભુ બોલ્યાં : "એ તો નાની દીકરી છે મારા દીપચંદ મામાની - રૂપાવટીવાળાની."

"એના વહુ ગુજરી ગયા ને, તે છોકરાંને આંહી લાવેલ છે," ઘડીભર થોથરાયેલો દિયર હવે તાબડતોડ બોલી ઉઠ્યો, ભાભી ભેરે જ હતા, પાસે જ હતા, તેની એને ખબર નહોતી. કેમ કે એ તો અંદરના દાદરમાં થઇને ઉપર આવેલા.

"સવારે પાછાં મોકલી દેજે." ચંપક શેઠે સીધી નાના ભાઈને જ આજ્ઞા આપી. ઓરડાના દ્વારમાં ગોરા બેવડીયા દેહનું તેજસરોવર લહેરાવતી ઊભેલી પત્નીની સામે પણ એણે ન જોયું.

"સવારે વહેલો ઊઠજે ને બેઠક સાફ કરાવી નાખજે. પંદર જણ જમનાર છે. કહી દેજે જે રાંધનારા હોય તેને, મીઠાઈ નથી કરવાની, મીઠાઈ સવારે આવી પહોંચશે. ફક્ત દાળ, ભાત, શાક ને ફરસાણ કરવાનું છે."

નાના ભાઈને એટલી વરધી દઈને ચંપક શેઠે સોડ તાણી લીધી. તે પછી વિજયચંદ્રે પોતાનાં કોટ અને ટોપી ગડી પાડી સંકેલીને પોતાના ઓશિકા નીચે દબાવ્યાં, અને નાના શેઠને નરમાશથી પૂછ્યું : "અહી સંડાસ, પાણિયારું વગેર ક્યાં છે ? ચાલો, જરા જોઈ લઉં !"

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

નાના શેઠ નારાજ દિલે જયારે વિજયચંદ્રને લઇ નીચે ઊતર્યા ત્યારે, ત્યાં ઉભેલા ભાભુએ તરત જ નોકરને કહ્યું : "જાવ મહેમાનને સંડાસ બતાવી આવો. અને પાણી તો ઉપર મૂકેલ છે."

થનાર સસરા સાથે થોડો વાર્તાલાપ કરવાની વિજયચંદ્રની ઈચ્છા ભાભુએ આ રીતે ફળવા ન દીધી, છતાં અથાક પ્રયત્નોમાં અચલ આસ્થા ધરાવનાર વિજયચંદ્રે નીચેની પરસાળમાં ઊભા રહીને ભાભુને સંભળાવવા કહ્યું : "મકાન તો સરસ છે. કેટલી બધી સુંદર સોઈ છે ! જરા મીઠું મળશે ? કોગળો કરી લઉં."

ભાભુએ જ રસોડામાંથી લાવી મૂંગે મોંએ મીઠું આપ્યું. વિજયચંદ્રે તે રાતે કોગળા કરવામાં મોંની વિશેષ ચોક્સીપૂર્વક ને લંબાણથી સંભાળ લીધી.

તોયે ક્યાંય સુશીલાનો પડછાયો ન દીઠો. ફક્ત કીચૂડાટ જ સંભળાતા હતા. ઘોડિયું કે ઘોડિયાને ખેંચનાર હાથ ન જ દેખાયાં.

'ભાવિમાં એક દિવસ આવા જ કિચૂડાટ...' વિજયચંદ્રની કલ્પના ત્યાં જ વિરમી ગઈ. ઉપર જઈને એ નીંદરમાં પડ્યો. એ નીંદરને સવાર સુધી સ્વપ્ના ચુથતા રહ્યા.

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

વહેલી પરોઢે ભાભુએ સુશીલાને જગાડી અને રસોડાનો આદર કરી દીધો. મેડી ઉપર શી વાત થઇ છે તે ભાભુએ સુશીલાને કહી નહોતી: ચુપચાપ અને ચીવટથી ભાભુ સસોઈની સજાવટ કરતા હતા : 'મીઠાઈ તો તેજપરથી આવવાની છે,' 'તું જો તો ખરી, ગગી, હું ભજીયાં ને ઢોકળાં કેવાં બનવું છું !' વગેરે ઉદગારો કાઢતાં કાઢતાં ભાભુ રસોઈના સમારંભમાં જે રસ બતાવતા હતા. તે પરથી સુશીલા ઊંડે ઊંડે મૂંઝાવા લાગી. 'જોઈ લેજે, વિજયચંદ્રને તારા કરેલા ભજિયાં વધુ ભાવતા કે મારાં કરેલાં આજ વધુ ભાવે છે ?' એવો પણ વિનોદ ભાભુ છાંટતાં ગયાં. ભાભુએ ભત્રીજીની દશા રેલવેમાં કરેલી તે પરોઢિયે ફરી વાર કરી. ઓછામાં પૂરું, આડે દિવસે કદાપિ ન ગાનાર ભાભુ અત્યારે તો ઊઠતાં ને બેસતાં, લેતાં ને મેલતાં, 'મારો વા'લો આવ્યાની વધામણી રે, આજની ઘડી રળિયામણી' જેવા ગીતોની પંક્તિઓ ગુંજતા હતા. સુશીલાની શંકા આ બધું સાંભળી સાંભળી એટલી દુષ્ટ બની કે તેણે રાતમાં ભાભુ મેડી ઉપર બાપુજી પાસે ગયાં હશે કે નહીં તેની ચોકસી માટે ભાભુને સીધા-આડકતરા કેટલાક પ્રશ્નો પૂછી જોયા, પણ ભાભુ પકડાયાં નહીં.

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

નવા પાટલા નવા ઢીંચણિયાં, કોકારનાં થાળીવાટકા વગેરે સામગ્રી પેટીપટારામાંથી બહાર નીકળતી ગઈ તેમ તેમ સુશીલા વધુ ગૂંગળાતી ગઈ.

મૂંઝાયેલી સુશીલા વચ્ચે વચ્ચે બાળકો પાસે જઈ આવતી હતી. ભાઈ-બહેનને સાચવતી બેઠેલી સૂરજે એક વાર એમ પણ પૂછ્યું :

"કેમ મોં પડી ગયું છે, ભાભી ?"

નાનો દિયર છાનોમાનો પૂછી જતો : "ભાભી, આજ બોલટાં કેમ નઠી ?"

"બોલું છું ને, ભાઈ !" સુશીલા જવાબ દઈને હસવા મથતી.

"હેં-હેઈ ! ભાભી ! ટમાલી આંઠમાં પાની-પાની-પાની ડેઠાય !" (તમારી આંખમાં પાણી દેખાય) જો પોટી !"

પોતાનાથી રોઈ પડાશે એ બીકે સુશીલા ત્યાંથી નાઠી.

ચંપક શેઠનું એ જ વખતે નીચું ઊતરવું થયુ. એ સૂરજ સામે ભ્રુકુટી ચઢાવી બોલ્યાં : "પછવાડે જઈને બેસો."

પોતાના બેઉ ભાંડરડાંને પાછલી પરસાળમાં લઈ જઈને સૂરજ લપાઈ ગઈ ને સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું : "અમે પાડોશીને ઘેર જઈને બેસીએ, ભાભી ?"

વધુ વાંચો : 'ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 29

"ના, શા માટે ?"

"આંહીં કોઈને હરકત તો નહીં ને ?"

"ના રે, કેમ કોઈએ કાંઈ કહ્યું ?"

"ના, એ તો અમસ્તું."

"નથી ગમતું ?"

"ગમે કેમ નહિ ? તમારી આગળ નહીં ગમે તો......"

"તો બીજું શુ ? તમારા ભાઈ પાસે ગમશે."

"ભાઈ તો પછી - પે'લાં તમે."

"એમ ? તો તો જોજો હો - હોઈ વઢે કરે ને, કાંઈ થાય ને, તો પણ ગભરાશો નહીં ને ? ન ગભરાવ તો તમને સાચાં માનું."

"અમને વઢે તો તો નહિ ગભરાઈએ, પણ તમને વઢે તો ગભરાઈ જવાય."

"મને વઢે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જઈશું."

"મારા ભાઈ આવશે ?"

"આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું."

એ બોલમાં થોડો રોષ ને થોડો વહેમ અવાજ કરતાં હતાં, કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાય ગયો ? બીને ત્યાંથી ફારગતી તો નહીં મોકલાવી દીધી હોય ? આવ્યા'તા મોટે ઘોડે ચડીને ને બુકાની બાંધીને ! પણ મારા સસરાજીએ એને મોળા પાડી દીધા હશે તો ? તો એનો શો વાંક ? વાંક - સો વાર એનો જ વાંક ! ભાભુની કસોટીથી ડરી ગયા હશે ?

એણે સૂરજને પૂછ્યું " "તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં ?"

"ઢેડગરોળીથી બહુ બીવે - બીજા કોઇથી નહીં."

સુશીલાનો શોકરસ હાસ્યરસમાં ફેરવાઈ ગયો. કોઈક દિવસ ખીજવવા હશે તો ઢેડગરોળી મદદગાર થઈ પડશે, એવા ટીખળી વિચારે એ અંદર ચાલી ગઈ.

તે વખતે મોટરગાડીએ ફરી પાછા ગામપાદરના મોરલા ચમકાવ્યા, ભેંસો ભડકાવી, લોકોને સડપ દેતા ઉભા કરી સલામો ભરવી ને ફકફકતા પેટ્રોલને ધુમાડે નાનકડું ગામ ગંધવી નાખ્યું.

સાતેક શેઠિયા મહેમાનો ખડકીમાં આવ્યા. તેમના એકનો સાદ સારી પેઠે નરવો હતો. ચંપક શેઠનું મકાન ગજવી મૂક્યું.

તેજપુર શાખાના મહેતાજી મીઠાઈના કરંડિયા ઉતરાવી અંદર આવ્યા. રસોડે પહોંચીને ભાભુની પાસે વધામણી ખાધી : "ખરું ડા'પણનું કામ કર્યું છે, હો ઘેલી'બેન ! બદલ્યા વગર છૂટકો જ નો'તો. રસ્તે દીપા શેઠનેય શેઠિયા મળતા આવ્યા. એણેય, બસ, એ જ કહ્યું કે દીકરીનું મન હોય તેમ જ કરી આપે નાત, મારે કન્યાની મરજી વિરૂધ્ધ કશોય દાવો કરવો નથી. સારું ! સારું ! ઘા ભેળો ઘસરકો ને વેશવાળ ભેળાં વિવા : પતાવી જ નાખો બે'નને કહું કે."

વધુ વાંચો : "આપનાં પત્નીને આ બધું ગમશે કે કેમ તે..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 33

"ભેળાભેળું જ ઉકેલી દેવું છે ને, ભાઈ ! આજ જ પતાવી લેવું છે. બધી જ સરખાઈ થઇ ગઈ છે આજ તો !"

એમ બોલતે બોલતે ભાભુ સુશીલાને વધુ ને વધુ ફફડાવતાં ગયાં. મીઠાઈના કરંડિયા ખોલીને એણે અક્કેક બટકું ચાખવા માંડ્યું. એના બચકારા સુશીલાને બરછીના ઘા સમા લાગ્યા. એ રસોઈની ધમાલ કરતી કરતી છણકાતી હોવાનો ભાભુને ભાસ આવ્યો. દાળમાં કડછી હલાવતી હલાવતી સુશીલા ખીજે બળતી બળતી કડછી પછાડતી હતી. ભજિયાંના લોટનો ડબો લેતા એણે લોટ ઢોળ્યો પણ ખરો.

"આ લે તો, ગગી ! આંહીં આવ તો ! " ભાભુએ મીઠાઈ ખાતા ખાતા સુશીલાને બોલાવી.

"આંહીં ચૂલો બળે છે. શું કામ છે ?"

"આ ચાખ તો ખરી ! આનો સ્વાદ તો જો, ગગી !" ભાભુના એ શબ્દો ભરપૂર ગલોફાંમાંથી માંડ માંડ નીકળીને સુશીલાના કાને કાનખાજુરા જેમ અફળાતા હતા.

"પછી વાત."

એવું કહેતી સુશીલાન ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોમાં એક મોટું બટકું હડસેલી દીધું ને 'નહીં - પણ નહીં' એવું કહેતી સુશીલાને કહ્યું : "ન ખાઈ જા તો તને વિજયચંદ્રની સોગંદ !"

"આ લ્યો ત્યારે," એમ કહેતાંની સાથે જ સુશીલાએ બટકું મોમાંથી ચૂલાની આગોણની રાખમાં થૂકી નાખ્યું, ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા, તેથી તો 'માડી રે.... મારી નાખ્યા રે.... ભવાની મા કાળકા રે લોલ !' એવું ગાતા ગાતા ભાભુ તાળોટા પાડીને ગીત સાથે તાલ દેતાં રસોડા બહાર ચાલ્યાં આવ્યાં, ને ફરી વાર મીઠાઈ બટકાવતાં બરાબર સુશીલાની સામે બેઠાં. જાણીબૂજીને ઠાંસોઠાંસ ભરેલા એના ગલોફાંમાં એક ગામઠી ગીતોના ગૂંગળાતા હતા કે -

vtv app promotion

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો,

કે પાંદડું પરદેશી.

એનો પરણ્યો આણે આવ્યો,

કે પાંદડું પરદેશી.

એણે સોટા સાત સબોડ્યા,

કે પાંદડું પરદેશી.

ઈ તો ઝટપટ ગાડે બેઠી,

કે પાંદડું પરદેશી.

"જવાન માણસના પેટની ખબર શી પડે !" ભાભુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચુપકીદીને ભેદવા માટે બોલવા માંડ્યું : "રાતની રાતમાં તો વિચાર ફરીયે ગયા !"

"કોના ફરી ગયા ?" કરતી સુશીલા ઉઠીને ઓરડામાં આવી : "તમારા કે મારા ? મને એક ઔસ આયોડિન લાવી દ્યો ને, એટલે પીને સૂઈ જાઉં !"

"આહીં કાંઈ આયોડિન ન મળે, બાઈ મોટી !" ભાભુએ ટાઢે ટાઢે કહ્યે રાખ્યું : "આંહી ગામડામાં તો અરધો તોલો કે પાવલીભર અફીણથી જ રસ્તો નીકળે."

"તો એ લાવી દ્યો."

"મંગાવ્યું છે." જરાક થંભીને ધીમે સ્વરે - "રૂપવટીથી"- પાછું થોડી વારે -"નાલાયક ! આવે જ શેનો ? રફુચક જ થઇ ગિયો. છાતી કોની લાવે - મારા બાપની ?"

"કાં ભાભી, કેટલી વાર છે જમવાને ?" એમ પૂછતા નાના શેઠ અંદર પ્રવેશ્યા.

"બસ ભાઈ, ભજિયા તળવા બેસું એટલી જ વાર. લ્યો લ્યો મીઠાઈ તો ચાખો !"

"મીઠાઈ ! - ભાભી, ક્યા સ્વાદે ? અત્યારે મીઠાઈ ઝેર જેવી લાગે છે. મેડી ઉપર મારા ભાઈએ તો મહાજનના શેઠિયાઓ પાસે અણછાજતી પારાયણ માંડી છે. મને તો, ભાભી, ગાજરમૂળા જેવો કરી આખી વાતમાંથી કાઢી નાખ્યો છે. હું તો હવે સહી શકીશ નહીં. ભાભી! પાદર આંટો દઈ આવ્યો. બેય જણા આવી ગયા છે ગાડું લઈને."

'અરેરે, બચારા જીવ !" ભાભુમાં મોમાં મીઠાઈનું બીજું બટકું ઓરાયું, "અબધડી જ તો એને ફિટકાર દેતી'તી. એ તો આવી ગયા !! પણ આ તમારી લાડકી તો જુઓ !"

વધુ વાંચો: 'આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 34

"કાં?"

"રાતોરાત કોણ જાણે કેમ મત ફેરવી બેઠી છે !"

"મેં ક્યારે કહ્યું ? મને શા સારું સંતાપો છો ? મારો ટુકડા કરી નાખશો તોયે હું મત બદલાવાની નથી, કહો તો ચાલી નીકળું." સુશીલા બોલી.

"મત ન બદલ્યો હોય તો લે, આ બટકું ખાઈ જા."

"ચુલામાં જાય બટકું ! ભાભુ ચક્રમ કેમ બન્યાં છો ?"

"ચક્રમ કે ફક્રમ, મત ન બદલ્યો હોય તો ખાવું જ પડશે આ. ને જો મોમાંથી કાઢ્યું છે ને તો જાણીશ કે મત કાચો છે."

એમ બોલીને ઊભાં થઇ ભાભુએ સુશીલાના મોમાં બટકું હડસેલી ફૂલેણ ગલોફાં પર એક ચૂમી લીધી; માથે હાથ ફેરવીને કહ્યું "

"મારી લાડકી ! ભાભુને હજુય ન ઓળખ્યાં ? હા-હા-હા-હા સાચું છે આજ હું ચક્રમ બની છું."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ