ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / VTV વિશેષ / 'ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 29

વેવિશાળ / 'ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 29

Last Updated: 10:00 AM, 24 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે બીના અહીં બની ગઇ તેના વાયરા સૅન્ડહર્સ્ટ રોડ બાજુના સુખી લત્તામાં રહેનાર આ શેઠ ભાઇઓના ઘરની એકલી પડેલી સ્ત્રીને તત્કાલ તો પહોંચ્યા નહોતા, એટલે નાના શેઠની નીંદર કરતી છાતી પર પત્નીની કશી ધડાપીટ એ રાત્રીએ વરસી નહીં. છતાં ફડક ફડક થાતે હૈયે એણે રાત વિતાવી. બોણી વિનાના ધણીનો એકડો કાઢી નાખનાર એ પત્નીની નજર સીધી ને સટ, સુશીલાને વારસાના શિખર બેસાડનાર જવાંમર્દ જેઠજી તરફ જ હતી.

ADVERTISEMENT

જેઠજી ગામતરે ગયા હતા ત્યારથી આ સ્ત્રીનો રસોઇ કરવામાંથી રસ ઊડી ગયો હતો. 'આ રસોઇ કરું કે તે કરું ?' એવા બેચાર અટપટા પ્રશ્નો પૂછીને પછી પોતે જ 'શાક ને રોટલી કરું છું.' અથવા 'ખાલી ઢોકળાં કરું છું.' એવો માર્ગ કાઢી લેતી. પતિને દસ વાગ્યામાં પતાવી લેતી, એટલે, 'તમારી મરજી પડે તે કરો - હા, તે કરો - ના, તે ન કરવું હોય તો ન કરો' - એવા જવાબ વાળીને ખાઇ લેનારા પતિને બપોરે રેસ્ટોરાંનું શરણ લેવું પડતું તેમાં નવાઇ નહોતી.

દસ વાગ્યે હજુ પોતે ઢોકળાં ને તેલ ખાઇને ઊઠ્યો છે, વરિયાળી ખાતો બેઠેલ છે, ત્યાં જ એણે મુસાફરીથી ઓચિંતા પાછા ફરેલ મોટાભાઇને પ્રવેશ કરતા જોયા. જોતાં જ એના પેટમાં પડેલાં થોડાંઘણાં ઢોકળાંનાં બટકાં કોણ જાણે ક્યાંયે ઓગળી ગયાં !

મોટાભાઇ પોતાના ખંડમાં ગયા કે તરત જ સુશીલાની બાએ એક સામટી ત્રણ સગડીઓ પેટાવવા ને દાળભાત ભીંજાવવા તેમ જ બે શાક સમારવા માંડ્યાં.

"કેવી કરી જોઇ ને !" એણે ઘાટીને કહેવા માંડ્યું : "તારા નાના શેઠને કાંઇ ખાવાબાવાની ભાનસાન નહીં ! એટલે જ હું આજ ઓચિંતાની ફસાઇ પડી ને !"

થોડી વારે નાના શેઠને મોટાભાઈના ખંડમાં જવાનું તેડું આવ્યું.

"તું શું ઓલ્યા ભિખારીની માનું સનાન કરવા ગયો'તો ?" ચંપક શેઠે પહેલો જ પ્રશ્ન એવો કર્યો કે એની બુધ્ધિશક્તિનો છાકો જ નાના ભાઇ પર બેસી જાય. સ્ટેશનેથી પોતે પરબારા પેઢી પર જઇ પ્રાણિયા પાસે બધી વાત જાણી લીધી હતી.

"હા, જઇ આવ્યા ! સું પછે -" વાતને રોળીટોળી નાખતો ટૂંકો જવાબ દેતા નાના શેઠ વરિયાળી ચાવતા રહ્યા.

"તને કોણે ડા'પણ કરવા કહ્યું 'તું ?"

"કાંઇ નહીં - ચાલ્યા કરે ઇ તો."

"ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?"

"પણ એવડું બધું શું થઇ ગયું છે?" નાના ભાઇનું મોં ગરીબડું બન્યું; ઘરમાંથી દૂર થવાના ખ્યાલમાત્રે પણ એને ચોંકાવી મૂક્યો.

"મારું મોત કરાવવા કેમ ઊભો થયો છો ? તું ભાઇ થઇને દુશ્મનનું કામ કાં કરી રહ્યો છો ?" બોલતે બોલત ચંપક શેઠના દેહનો ચરુ ઊકળતો ગયો.

"પણ મેં શું કર્યું છે ?"

"તેં શું કર્યું છે તેની તને શી શાન હોય ? એ છોકરાના આખા ઘરના નામ ઉપર, એની સાથેના આખા સંબંધના નામ ઉપર સ્નાન કરી નાખ્યા પછી તું હજીય એ સંબંધ કાયદાની કોરટમાં પૂરવાર થાય એવું તો કરી રહ્યો છે."

"કાયદાની કોરટ શું ? શું વાત કરો છો તમે, મોટાભાઇ ?"

"તને તો ખાવાપીવા ને ઘોંટવા સિવાય બીજું ભાન શેનું છે ? કાયદાની કોરટે ઓલ્યો સુખલાલ ચડવાનો છે !"

"ચડે નહીં; એવો નાલાયક એ છોકરો નો'ય."

"ને તને ખબર છે ને, કે આપણે સુશીલાને માટે બીજે તજવીજ કરીએ છીએ. ત્યાં શી અસર થાય ?"

"કાંઇયે ન થાય - પણ બીજે તજવીજ શીદ કરવી પડે છે ? આમાં શું ખોટું છે ? છોકરો કમાતો થયો છે."

"અરે, તારી જાતનો ! ભાઇનેય ફસાવ્યો લાગે છે -" મોટા શેઠના દાંતમાં રેતીનો કચકચાટ થયો.

"ને મારાં ભાભી અને સુશીલા તો વેવાઇને ઘેર પણ જઇ આવ્યાં એવા ખબર છે. એમને ગમ્યું તો આપણને શું ?"

"ઓહો ! એટલી બધી વાત પણ થઇ ચૂકી !"

vtv app add

વધુ બોલ્યા વગર મોટા શેઠ નાહવા ગયા. ત્યાંથી પાછા આવીને કહ્યું : "આજની ગાડીમાં તું દેશમાં ઊપડ - તારી ભાભીને ને છોકરીને વળતા જ દીએ આંહીં તેડીને હાલ્યો આવ ! આમાં જો કાંઇ ફેરફાર થયો છે ને, તો...બસ, વધુ કહેવાની જરૂર નથી."

મોટાભાઇની સાથે વાતચીતનો ઓછામાં ઓછો પ્રસંગ લઇને દૂર નાસનાર આ નાના ભાઇએ આજે પોતાનો નવા પ્રકારનો તેજોવધ અનુભવ્યો. 'જો નહીં લાવ ને...તો...જોઇ લઇશ...' 'ઘરમાં રે'વું છે કે નથી રે'વું, હેં !' વગેરે પહેલી જ વાર સાંભળેલા શબ્દો એને ટાઢા થતા જખમની માફક વધુ ખટકતા હતા. એણે પોતાના ઓરડામાં જઇને કોટ બદલાવવા માંડ્યો.

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

ત્યાં તો દુકાનનો દાદો ગુમાસ્તો પ્રાણિયો ઉર્ફે પ્રાણજીવન, "લ્યો કાકી, આ ઘી," એમ કહેતો રસોડામાં આવ્યો. "ઠેઠ પારલા ગયો ત્યારે પત્તો લાગ્યો," એમ કહીને આવું સારું ઘી મેળવવાનાં કષ્ટોનું વર્ણન લહેકાદાર વાણીમાં કરીને પછી સુશીલાની બાને હળવેથી પૂછવા લાગ્યો : "કાં, કાકી, મોટાભાઇ આવ્યા પછી ઘરમાં કાંઇક ગાજવીજ કે કડાકા-ભડાકા નથી થયા ને ?"

"શેના કડાકા-ભડાકા ?"

"હવે અજાણ્યાં શીદ થાવ છો ? તમે ચતુર થઇને મારું પારખું કાં કરો ?"

"તારા સમ, મને ખબર નથી !"

"તમારાં વા'લાં સગાં ગુજરી ગયાં, ત્યાં નાના શેઠ સનાન કરી આવ્યા - ખબર નથી ?"

"ના ! કોણ સગાં ?"

"તમને કહ્યુંય નથી ?"

"ના, મને મારા જીવના સમ !"

"ખરા ત્યારે તો ! ત્યારે તો હવે તમારા માથાના થઇ ગયા નાના શેઠ ! હવે ફકર નહીં ! તમે ઘણા દી એમને માથે જમાદારી કરી; હવે એમનો વારો."

"પણ પીટ્યા, સીધો ભસી મર ને - શું થયું ? કોણ કોણ ગુજરી ગયું ને કોનું સનાન ?"

"તમારાં વેવાણ રૂપાવટીવાળાં."

"વેવાણ જેની હોય એની - મારે તો સનાને નહીં ને સૂતકે નહીં."

"ત્યારે નાના શેઠ તો સનાનમાં ગયા'તા !"

"એમ ! ઠીક, એનો તો હું બરાબર હિસાબ લઇશ."

"પણ તમારું, બીજું કોઇ ઠેઠ રૂપાવટી જઇને અવસર ઉકેલી આવ્યું હોય તો તેનું કેમ ?"

"બીજું કોણ વળી ?"

"ભાભુ અને સુશીલાબે'ન."

"હવે ઉડાડ મા ને મને ઠાલો !"

"મારી આંખ્યુંના સમ."

"તારે ઘેર તાર આવ્યો હશે, કાં ને રોયા ?"

"મારે એકલાને ઘેર નહીં, ને ટૂંકો ટચ તારેય નહીં."

"ત્યારે ?"

"વિગતવાર ચાર પાનાં ભરીને કાગળ. તમારી દીકરીએ એની સાસુનું મોત સુધાર્યું ને જીવતર ઉજાળ્યું. તેનાં મોંફાટ વખાણ સો સનાનિયાંની વચ્ચે વંચાણાં; ને સુશીલાબે'નની તો વાહવાહ બોલી ગઇ. વળી એ બધા સુશીલપણાનો જશ કોને ચડયો ખબર છે ? નવ મહિના જેણે પેટમાં વેઠીને આટલાં મોટા કર્યાં તેને નહીં !"

"આ બધું તું શું બકબક કરી રિયો છો, મૂવા ? મને ઠેકડીએ કાં ઉડાડય ?"

"ઠેકડીએ નથી ઉડાડતો. બન્યું ઇ તલેતલ કહું છું. આ જશ ચડ્યો તમારાં જેઠાણીને. જેઠાણીએ વેવાણની છેલ્લી ઘડીએ ધરમનાં વેણ સંભળાવ્યાં, તે ઉપરાંત મા વગરનાં ત્રણ છોકરાંને લઇને જેઠાણી થોરવાડ ગ્યાં. લ્યો, આમાં એક પણ વિગત ખોટી હોય તો તમારું ખાસડું ને મારું મોઢું."

પ્રાણિયાની વાતે સુશીલાની બાને તો ચિત્રમાં આલેખ્યાં હોય તેવાં કરી મૂક્યાં. રોજ ઘરની જરૂરિયાતની વસ્તુઓ લાવી આપનાર અને વ્યાવહારિક કાર્યોમાં દોડાદોડ-ટાંગાતોડ કરી પોતાનું એકલાનું જ વ્યક્તિત્વ સૌની આંખોમાં પાથરી દેનાર આ પ્રાણિયાનો પરિચય વાર્તાના પ્રારંભના ભાગમાં આપણને થઇ ચૂકલે છે.

આવા પ્રાણિયાનો પગ પ્રત્યેક શેઠ-કુટુંબમાં જડબેસલાખ હોય છે, તે વિશે તમને કોઇન શંકા નહીં હોય. આવા પ્રાણજીવનોને શેઠિયાનાં ઘરોનાં બૈરાંઓ સાથે ભારી મેળ હોય છે, કેમ કે શેઠાણીઓ સ્વામીઓ પાસે જે ચીજો નથી મગાવી શકતી તે પ્રાણિયાઓ દોડીને લાવી આપે છે. શેઠિયાઓ ઘરકામની જે ભલામણો પેઢી પર પહોંચતાં જ ભૂલી જાય છે, તે આ પ્રાણિયાઓ જ પાર કરી આપે છે. ધેરથી પાંચ-દસ વાર આવતો જે ટેલિફોન લેવા શેઠિયાઓને ફુરસદ નથી હોતી, તેનો અમલ પ્રાણિયાઓ જ કરતા હોય છે. નાટકો અને સિનેમાની ટિકિટો પ્રાણિયાઓ જ લાગવગથી મેળવી આપે છે. ગામમાં સાડીની કે પોલકાની છેલ્લામાં છેલ્લી ડિઝાઇન કઇ આવી છે તેના ખબર પ્રાણિયાઓ જ પૂરા પાડે છે, ઘરમાં માંદગી વેળા પ્રાણિયાઓ જ ઉજાગરા કરતા હોય છે, અને શેઠિયાઓ ઘર છોડ્યા પછી શું શું વાતો કરે છે, ક્યાં ક્યાં આવે-જાય છે, અને કેટલું રળે છે - ગુમાવે છે તેની બાતમી પ્રાણિયાઓ પાસેથી જ મળે છે. ઉનાળાની કેરીથી લઇ શિયાળાની ગરમ બનાત કાશ્મીરીની પરખ પ્રાણિયાઓને જ હોય છે. આવા પ્રાણિયાઓમાં રસોડા સુધી જવાની, કડકમાં કડક શબ્દે બોલવાની, મશ્કરી કરવાની તેમ જ વિનયવંતા આજ્ઞાંકિત દેખાવાની ચાતુરી હોય છે. પ્રાણિયાઓ શેઠાણીઓ ઉપર રાજ કરી શકે છે, કેમ કે શેઠાણીઓનો 'પીટ્યા', 'રોયા', 'મૂઆ' ઇત્યાદિ લાડશબ્દોનાં સંબોધનો કરવાનો શોખ આવા પ્રાણિયાઓ પર જ સંતોષાઇ શકે છે.

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

એટલી વાત કરીને પ્રાણિયો "લાવો, કઇ ચૂડીને ચીપ નાખવી છે ? ને કઇ બંગડીઓ ભંગાવી નાખવી છે ?" એ પૂછતો ઊભો રહ્યો.

"સાંજે આવજે." કહીને સુશીલાની બાએ એને જલદી વિદાય દીધી, ને પોતે જેઠજી માળા ફેરવી લ્યે તેટલો સમય હોવાથી પોતાના ઓરડામા ગઇ. પતિ હજુ કોટનાં બટન પૂરાં નાખી નહોતા રહ્યા. "લાવો, બટન નાખી દઉં !" એ કામને બહાને પોતે ત્યાં ઊભી અને બટન નાખતી ટાઢીબોળ સત્તાધીશીના સ્વરો કાઢી બોલવા લાગી :

"મારાથી ચોરી રાખી એટલે હું શું તમને ખાઇ જવાની હતી ? ને ચોરી ભગયાનને ઘેર કેટલોક વખત છૂપી રહી શકે છે ? મારું સનાન તો હજી બાકી છે, ત્યાં કોનું સનાન કરવા પધાર્યા'તા ? ને મારી છોકરીનો ભવાડો કરવાનો ભાભીને શો હક છે ?"

"તું મને કહેવું હોય તે કહી લે, પણ ભલી થઇને ભાભીને માટે ગેરશબ્દ ન કહેતી હો !" આટલું બોલતાં બોલતાં પતિની આંખોમાં પાણી તબકી ઊઠ્યાં.

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

"ભાભીનું દાઝે છે - બાયડીનું દાઝતું નથી ! આદમી છો ? એક વાર મોટાભાઇનાં જૂતાં ઉપાડવા લાયક થાવ, પછી મારા ઉપર રુઆબ કરવા આવજો."

"પણ તું શા સારુ મારી પાસે મોટાભાઇનાં જૂતાં ઉપડાવછ ? ને ભાભીએ શું કરી નાખ્યું છે એવડું બધું ?"

"છોકરીને ટાળી દીધી, બીજું તો શું ?"

"છોકરીએ કાળુંધોળું કાંઇ કર્યું છે ?"

"મોટાભાઇએ જે સંબંધમાં લાલબાઇ મૂકી દીધી છે, તે સગપણ સાચવવા શીદ લઇ ગયાં મારી છોકરી ને ?"

"ગામ રસ્તામાં હતું તે ગયાં હશે. છોકરી તારી જ છે, ને ભાભીની નહીં ?"

"છોકરી તો મોટાભાઇની - બીજા કોઇની નહીં. બીજા કોઇને કશું કરવાનો અધિકાર નથી. મારી દીકરીના કાનમાં ઝેર ઝેર ને ઝેર રેડવા સિવાય, મારી સામે તો ઠીક પણ પોતાના સગા ધણીની વિરુધ્ધ - દેવ સરખા ધણી વિરુધ્ધ - છોકરીના કાનમાં સીસું ઉકાળી ઉકાળીને સીંચવા સિવાય, બીજું કામ શું કર્યું છે ભાભીએ ? જેના પગ ધોઈને નત્ય પ્રભાતે પીવા લાયક, એવા મોટાભાઇથી છાનાં છાનાં પેંતરા ભરવા ને કાવતરાં કરવાં, એ કાંઇ ખાનદાનનું કામ નથી."

વધુ વાંચો : "માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિતું થઇ ગયું..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 28

કોટ પતિના હાથમાં આપતી આપતી એ બોલ્યે જતી હતી. પતિની ટોપીને બ્રશ મારતી મારતી પતિને નવો હાથરૂમાલ કાઢી દેતી, અને આ 'ચંપલ નૈ, ઓલ્યા બૂટ પે'રતા જાવ' એવું કહી, બૂટ કાઢી દઇ પહેરાવતી પહેરાવતી આ પત્ની પતિને જેટલી વધુ વાર રોકી શકાય તેટલું રોકીને પોતાની જેઠાણીની નિંદા ને જેઠની દેવગાથાઓ ગાતી ગઇ, જેઠને સંભળાવવાનો હેતુ સ્પષ્ટ હતો.

"ભગવાન ! ભગવાન !" પતિને ધીરે પગલે ચાલ્યો જતો જોઇ એણે આસ્તેથી ઉદ્ગાર કાઢ્યો : "કોને ખબર - મને પરણ્યા છે...કે...એને !"

પોતાની પાછળ બોલાયેલા શબ્દો નાના શેઠે કાનોકાન સાંભળ્યા. એ થંભ્યો, ફરી વાર એની આંખે અંધારા આવ્યાં. એણે બારણું ઝાલી લીધું. એ તમ્મર એકાદ મિનિટ ટક્યાં. પછી મનની કળ વળી. એ આપઘાત કરવા કૂવામાં પડતો હોય તેવી રીતે 'લિફ્ટ'માં પહોંચ્યો ને નીચે ઊતર્યો.

મોટરગાડી નીચે તૈયાર હતી. શૉફરે નાના શેઠને લઇ જવા બારણું ઉઘાડ્યું.

"નહીં ભાઇ, પેદલ જાયગા." એટલું જ બોલીને નાના શેઠ જલદી પોતાના ઘરની ગલી વટાવી ગયા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal

Published by

VTV Admin

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ