બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / "માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિતું થઇ ગયું..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 28

વેવિશાળ / "માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિતું થઇ ગયું..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 28

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 10:00 AM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્યાં તો ફરી વાર ઘંટડી વાગી ને ખુશાલભાઇ ના શબ્દો સંભળાયા: "નાનુ શેઠ, અમે આંહીં સનાન કરવામાં તમારી વાટ જોઇએ છીએ. તમે આવ્યા પછી જ વાત માંડીશું."

સુશીલા અને ભાભુ દેશ તરફ વિદાય થયાં તે જ દિવસે રફુચક થઇ ગયેલ મોટા શેઠ હજુ પાછા આવ્યા નહોતા અને એમના પાછા આવવાના કોઇ ખરખબર પણ નહોતા. એટલે નાના શેઠ પેઢી પર જઇ ભાઇની ગેરહાજરીમાં ભય વગરના બની બેઠા. એક કલાક પહેલાં ખાલી ને સૂનકાર લાગતું અંત:કરણ તે વખતે રેસ્ટોરાંમાં જઇ આવ્યા પછી ભર્યું ભર્યું હતું ને જાણે કે શરીરની ઉપલી ડાળે બેઠેલું એ હ્રદય નીચે બેઠેલી હોજરીને કહેતું હતું કે 'જો, હોજરીબાઇ, તું મને રોજ ખીજવતી, કેમ તું ઠાંસોઠાસ બનીને બેસતી ત્યારે હું તો ભૂખ્યું અને તરસ્યું જ પાછું વળતું. તું મને મે`ણાં-ટોણાં દેતી. પણ જો ! આજે તો હું ય તરબતર છું, છલોછલ છું -ને ખબર છે તને હોજરીબાઇ, હવે તો હું ઘણું કરીને હંમેશાં છલોછલ રહીશ-જો આ સુખલાલ રોજ ત્યાં આવશે ને, તો આ શેઠને હું મારી શૂન્યતાના ભાર હેઠળ નહીં દબાવું. ખબર છે તને હોજરીબાઇ, આ મોટાભાઈની ધાક-બીક નીચે ઊછરેલા નાના શેઠ પોતાની સગી પુત્રી સાથે પણ કોઇ દિન અંતર ઉઘાડીને બેસી નથી શક્યા એટલે એને જીવનમાં પહેલી જ વાર વાતો કરવાનું મન થાય છે-ને પહેલી વાર વાતો કરનારા શિશુની વાણી કેટલી અર્થ હીન ને ધડા વગરની હોય છે ! આ પણ ચિરશૈશવમાં જ ખૂંચી રહેલો પુરુષ છે ને ! એને શું એક પુત્ર ન જોઇએ ? પુત્ર ન હોય તો શું ભર્યા જગતમાં એને એક જમાઇ પણ ન મળે કે ? પુત્રી એની પોતાની, એ તો પોતાની રહી નથી-તો શું જમાઇ પણ એનો પોતાનો થાય તેવો નહીં મળે? જગત શું આટલું બધું સ્વાર્થી ને કૃપણ છે, હોજરીબાઇ ? સૌ શું પારકાં સ્નેહ-પાત્રો પડાવી લઇને જ પોતાની જાતને સમૃધ્ધ બનાવતાં રહેશે?'

આવા બબડાટ કરતું નાના શેઠનું હ્રદય આરામખુરશી પર પડ્યું હતું ત્યાં તો ટેલિફોન આવ્યો : "કોણ નાનુ શેઠ ? એ તો હું ખુશાલચંદ : શોકના સમાચાર છે. સુખલાલની બા ગુજરી ગયાં. અમે એનું સનાન કાઢીએ છીએ."

"હું-હું-હુંય આવું ?"

"તો પધારો."

ટેલિફોન ઉપર નાના શેઠની જીભ થોથરાઇ ગઇ ને એણે કોઇ ગંભીર કસૂર કરી નાખી હોય એવી લાગણીથી રિસીવર નીચે મૂકી દીધું.

ત્યાં તો ફરી વાર ઘંટડી વાગી ને ખુશાલભાઇ ના શબ્દો સંભળાયા: "નાનુ શેઠ, અમે આંહીં સનાન કરવામાં તમારી વાટ જોઇએ છીએ. તમે આવ્યા પછી જ વાત માંડીશું."

એટલું જ બોલી એણે ટેલિફોન છોડી દીધો. પછી તો ના પાડવાની બારી ન રહી. પેઢી પર એણે પોતે જે કામે જતા હતા તે કોઇને બતાવ્યું નહીં, છતાં એક માણસને ખુશાલભાઇની ઓરડી બતાવવા સાથે લેવો પડ્યો. તેને પણ નાના શેઠે સૂચના આપી: "કોઇને કહેવાની જરૂર નથી."

લગ્ન કે મિજબાની-ઉજાણીમાં નોતરાં વિનાના રહી જનાર જે સંબંધીઓ ને સ્નેહીઓ, તેઓ મૃત્યુના કે માંદગીના અવસરે તો હાજર થવાનું ચૂકે જ નહીં એવું મધ્યમ વર્ગનું અણલખ્યું બંધારણ છે. ઓચિંતી ફૂટી પડેલી શ્રીમંતાઇના ઘન અંધકાર વચ્ચે ઝળહળી ઊઠેલા આ વીજળી જેવા પ્રસંગે સુશીલાના બાપને પોતાનાં છતાં પોતાથી અદૃશ્ય બનેલાં સગાંના સમૂહનું દર્શન કરાવ્યું. ધોળાં ફૂલ કપડાંવાળો પોતે આ સમૂહમાં જુદો તરી નીકળતો હતો, છતાં એ સમૂહે એના જુદાપણા પ્રત્યે આંગળી ન ચીંધી. ગળામાં સોનાનો છેડો ને કાંડે ઘડિયાળનો સુવર્ણપટો એને શરમાવવા લાગ્યાં, ને એને ભાન થયું કે પોતાને આવા શોકના પ્રસંગે બેસતાં, મોં પર છાજતો ભાવ ધારણ કરતાં કે ખરખરો કરતાં આવડતું નથી. જ્યાં અફસોસ બતાવવો ઘટે ત્યાં તે હસતો હતો.

ખુશાલભાઇએ એને ધીરે ધીરે ફોડ પાડ્યો : "માંદગી તો લાંબા કાળની હતી. આવું ઓચિતું થઇ ગયું. કાંઇ વધુ પડતા હરખની લાગણીનું છાતી માથે દબાણ આવ્યું."

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

"હરખની લાગણી ?" નાના શેઠે વિચિત્ર વાત સાંભળી.

"થાય જ ને! સુશીલાનું ત્યાં જવું સાવ અણધાર્યું થયું ખરું ને?"

નાના શેઠ તો આભા જ બન્યા. એને કાંઇ ખબર નહીં હોય એવા કશા જ ખ્યાલ વિના ખુશાલભાઇએ વિશેષ તારીફ આદરી:

"ઘણા લાંબા કાળની ઝંખના : ક્યારે લગન થાય, ક્યારે વિવા થાય : એમાં ઓચિંતાનાં જ જઇને ઊભાં રહ્યાં, ને ગયાં તે ભેગાં જ ઘરમાં એની ડાહ્યપ ને એની માયા-મમતા પથરાઇ વળી. ઇ હરખના આવેશમાં મારા ફૈબાનું કાંકણ જેવું હૈયું તૂટી ગયું."

આ પણ વાંચો: 'અમારા દેશમાં એક તાવને 'લવ ફિવર' કહે છે, તું દૂર રહેજે..', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 19

ખુશાલને મૃત્યુના ખરા કારણની ખબર નહોતી. દીપા શેઠે એનો ઇશારો પણ લખ્યો નહોતો.

નાના શેઠની કલ્પનાશક્તિને અનુમાનશક્તિ ધીરે ધીરે પોતાના વતનની ભૂમિ તરફ વળ્યાં ત્યારે એણે સુખલાલના પિતાના ગામને ને પોતાના ગામને નજીક નજીક નિહાળ્યાં. પણ સુશીલા ત્યાં કેવી રીતે પહોંચી હશે? એને તો એ ગામડિયું સાસરું ગમતું નથી એમ કહીને તો મોટાભાઇ બીજે તજગીજ કરી રહ્યા છે !

"આ જુઓ ને, મારા ફુઆના કાગળમાં ઘેલીબે'નનાં કેટલાં વખાણ લખ્યાં છે !"

એમ કહેતે ખુશાલે સૌ સાંભળે તેમ આખો કાગળ વાંચવા માંડ્યો; વાંચતાં વાંચતાં ઘેલીબે'ન(ભાભુ)ના વર્ણન પાસે એનું ગળું વારંવાર થંભતું હતું. ને આભડવા આવેલાઓનો આખો સમૂહ અંદર અંદર પૂછપરછ કરતો હતો : "ઇ ઘેલી કોણ?" "ચંપક શેઠનાં વહુ." "આપણી ઘેલી - ન ઓળખી ? સુડાવડવાળી." "લાખેણું માણસ." "પૈસાનો મદ ન મળે." "લ્યો, ઠેઠ આંહીંથી માંદી વેવાણની ચાકરી માટે દેશમાં પહોંચ્યાં."

"વહુ પણ કેટલી સુલક્ષણી !" "એને કેળવણી ઇ ઘેલીની, હો !" "મરનારનું તો મોત સુધરી ગયું ને, ભલા માણસ ! નીકર આ કળકળતા કાળમાં કોણ કોનાં સગાં ને સાંઇ !" "દીકરાની કુંવારી વહુના હાથની ચાકરી લઇને ગયાં - ભવ જીતી ગયાં !"

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

"બસ બસ ! મારી ફૈબાનું મોત સુધરી ગયું. ને સુખાના હાથપગ હવે જોરમાં આવ્યા."

ખુશાલના આ શબ્દોએ સૌની આંખોને એક બાજુ બેઠેલા સુખલાલ તરફ ફેરવી. પૌરુષની પૂર્ણ ગંભીરતાથી એ ચુપચાપ બેઠો હતો. વરસી ચૂકેલા મેઘ પછીનાં નેવાં સમી એની આંખો ધીરે ટીપે ટપકતી હતી. એ ધ્રુસકાં ને ડુસકાં ભરતો નહોતો, એના કંઠમાંથી અવાજ નીકળતો નહોતો; વેદનાનું એ જાણ અમૃતપાન કરતો હતો.

"હજી એક કલાક પહેલાં તો ટપાલ-ઑફિસમાં રજિસ્ટર કરતા'તા." નાના શેઠ શોકભર્યું મોં ન રાખી શકવાથી સ્મિતભર્યા હોઠે બોલતા હતા: "માતાની જીવાદોરી ટકાવવાની કેટલી ઝંખના કરતા'તા ! આ-હા-હા ! સંસાર તો એવો છે..."

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

"ઊઠો હવે, સૌ નહાઇ લ્યો. કોઇએ સાદ કાઢવાનો નથી. બાયડિયું એ પણ રોવાનું નામનુંય કરવાનું નથી, એમ મારા ફુઆએ લખાવેલ છે. માટે સૌ ભાઇઓ અને બાઇઓ ચાલીના નળે શાંતિથી સ્નાન કરી લ્યો."

ખુશાલભાઇની એ સૂચના મુજબ સૌ નાહવા લાગ્યાં, ને એક મૃત્યુની વાત આડે બીજી અનેક દિલસોજીભરી વાતોના પડદા પાડી પાડીને આ સમૂહે સુખલાલને આ પરિવર્તનને સામે પાર ઊંચકી લીધો. દુ:ખનો થાળ જાણે સગાંસ્નેહીઓનો આખો સમૂહ બેસીને ભાગે પડતો જમી ગયો.

નાના શેઠ પણ ખુલ્લા નળ તરફ નાહવા જતા હતા, તેને ખુશાલે રોકીને કહ્યું : "તમે આંહીં ઓરડીમાં પધારો. બહાર ઊઘાડામાં નાહવાની ટેવ ન હોય. એટલે મારી ઓરડીમાં ગરમ પાણી મુકાવેલ છે."

નાના શેઠે અંદર જઇને જોયું તો ગરમ પાણી મૂકેલ હતું. બીજા બે ચાર લોકો-માણસોને પણ ખુશાલભાઇએ એ જ સ્નાનની સગવડ આપી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ