બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'ભાભુએ કહ્યું : "સુખલાલ ! બેટા, આમ જુઓ.', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 35

વેવિશાળ / 'ભાભુએ કહ્યું : "સુખલાલ ! બેટા, આમ જુઓ.', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 35

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 06:18 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘોડી પરથી ફલાંગ મારીને ઉતરતા સુખલાલને સુશીલાએ પરસાળની કિનાર પરથી જોયો. કમ્મરે એણે દુપટ્ટો કસકસેલ હતો. ને ધૂળથી બચવા માટે મો ફરતી બુકાની બાંધેલ હતી. એના માથા પર મુંબઈની ટોપીને બદલે આંટી પાડીને બાંધેલી પાઘડી હતી.

ઘોડીનીસરક પકડીને એ ડેલીમાં દાખલ થયો, ત્યારે મો પરની બુકાની ઉતારી નાંખી હતી. ભરેલું ગોળ મોટું આંટિયાળી નાની પાધડીએ વધુ શોભતું હતું.

એણે જોયા - પોતાના ત્રણ નાનાં ભાંડરડાં : પરસાળની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે. સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો વસતા સુશીલાના હાથ દેખાયા, આંગળા નજરે પડ્યા., ને ખુશાલભાઈના શબ્દોનો પડઘો ગુંજ્યો : "હાડતી છે, હો સુખલાલ ! લાગે છે તો ટકાઉ રાચ."

પણ એ રાચ કેવળ એકલું ટકાઉં હોત તો સુખલાલના નેત્રો આટલા સજળ ન બન્યા હોત, નાની છોકરી 'પોટી' એક અવાજ સરખોય કાઢ્યા વગર મો ફાડીને આ પારકી જણીની પાસે દાંત ઘસાવતી હતી. દાંત ઘસાવવાની ક્રિયા કેટલી અળખામણી છે, તે સમજવા માટે સૌએ પોતાની બાલ્યાવસ્થા યાદ કરવાની રહે છે. પોટીના દાંત પર કૂચડો પોચે હાથે ફરતો હતો, ને પોટી સંચાની પૂતળી પેઠે, સુશીલા એને જેમ ફેરવે તેમ ફરતી હતી.

"એ...હે...ઈ....મોતાભાઈ....ધુવો છુછીલા ભાભી...." સાત વર્ષનો ભાઈ ઊભો થઈને પગ પછાડતો પછાડતો લલકારી ઉઠ્યો : "ધુવો ધુવો. આ છુછીલા ભાભી...આપલી બા વઈ ગઈ - ને આ છુછીલા ભાભી આવાં...ધુવો (જુઓ) છુછી...."

કહેતે કહેતે એનો એક હાથ સુશીલા તરફ હતો, બીજા હાથમાં દાતણ હતું. એની ચડ્ડી ઢીલી થઈને નીચી ઉતરતી હતી. ને એની મોટી બહેન સૂરજ એને હાથ પકડીને હેઠો બેસાડવાની કોશિશ કરતી હતી, ત્યારે ફળિયામાં ઊભેલા સુખલાલના હાથમાંથી ઘોડી લઈને નાના શેઠ એકઢાળિયામાં બાંધતા બાંધતા હસતા હતા. સુશીલા તીરછી આંખે સુખલાલ તરફ મોં મલકાવતી હતી, ને સુખલાલ પોતાના બાળભાઈ ના એક બોલ પર હૈયું ટેકાવીને નીચું ન્યાળતો ઊભો હતો :

'બા ગઈ - ને ભાભી આવ્યાં.'

ઘોડી બાંધીને ઊઠેલા નાના શેઠ કહેવા લાગ્યા : "છોકરા પણ, ભાઈને કંઉ કે, લીબુના પાણીની જેમ આંહીં એકરસ થઇ ગયાં છે. લ્યો, ચાલો બેઠકમાં."

"છોકરો બેક વિશેષ બોલકો છે," સુખલાલ પોતાના નાનેરા ભાઈ તરફ મીઠી નજરે જોતો જોતો બોલતો ગયો. નાના ભાઈએ પોતાની મેળે જ સુખલાલને સંભળાવ્યું :

"હમણાં આવું થું, હો ! છુછીલા ભાભીને પૂથીને પથે આવું થું, હો મોટાભાઈ. પૂથ્યા વગલ નથી આવવાનો."

એના બોલ બોલ કરતા મોં પર હાથ મૂકવા મથતી બહેન સૂરજને સુશીલાએ હસી હસી હાથ ઝાલીને વારણ કર્યું, તે એણે બેઉ નાનેરા બાળકોના નાક-મો સાફ-સૂવાળા કરી પછી સૂરજને કહ્યું : "જાવ. ત્રણે ભાંડરડા તમારા ભાઈને મળીને પછી શિરાવવા આવો."

શા માટે સુશીલા આટલી ઉતાવળ કરતી હતી ! ભાંડુઓનો ભાંડુ સાથે મેળાપ કરાવવાની એ પરોપકારવૃતિ હતી ? એ પ્રશ્નના જવાબમાં પરોપકારવૃત્તિ અંદરથી બોલી ઉઠી : "દુત્તી ! એ છોકરાઓને મેળવવામાં ઊંડો ઊંડો મિલનસ્વાદ તો અગોચર ઊભીને તારી પોતાની જ સુંવાળી લાગણી લેવા માગે છે. અધીરાઈ તો આ એની છે, લુચ્ચી !"

એવા ટીકળખોર આંતર-સ્વરોને ટાળી દઈને નાસતી સુશીલા રસોડામાં લપાઈ ગઈ. પણ કોકના ધબ ! ધબ ! કરતાં પગલા એની પૂઠે પડયા હતા. કોઈક ધસી આવતું હતું. દીવાલને ઓથ દઈને લપાઈને દીવાલમાંથી કોઈક જાણે અંદર પેસતું હતું.

એ ધબકારા આખરે તો એના અંતરમાંથી ધમધમ કરતા હતા. મનમાં જાણે કોઈક ઘોડેસવારે પોતાનો નવલોહિયો અશ્વ કૂંડાળે નાખ્યો છે.

"ગગી !" ભાભુએ ધર્મક્રિયા પૂરી કરીને પ્રશાંત પગલે આવી કહ્યું : "રોટલાનો ભૂકો અને દહીંનો વાડકો એક થાળીમાં મૂકીને તૈયાર રાખજે. એને ચા પીવો હશે તો પછેં કરી દેજે. હું એને મોઢે ખરખરો કરીને આ આવી - હો કે ! રોટલાનો ભૂકો ઝીણો કરજે, હો બાઈ !"

કહીને પોતે બેઠકમાં ગયા. સુખલાલ ઉઠીને સામે આવ્યો. 'ભાભુ' ને એ નીચે નમીને પગે લાગ્યો.

"બેસો, માડી !" એ પછી થોડી વારનો મૂંગો ગાળો જવા દઈ ભાભુએ કહ્યું : "તમારા માનો આત્મા તો બહુ ભાગ્યશાળી : પૂરો પુન્યશાળી : પણ અમને લાખ રૂપિયાની ખોટ બેસી ગઈ. એની આવરદા ટૂપાઈ જવાનું મેં'ણું અમારે માથે આવ્યું. એને ધ્રાસકો ખાઈ ગયો, કે વહુ હારી બેઠાં."

એ ધ્રાસકા (આઘાત)ની વાત સુખલાલાએ નવી સાંભળી. ભાભુએ આગળ ચલાવ્યું :

"એની જીવાદોરી અમારે નિમિતે કાપણી. જેવી એ તો લેણદેણ પણ હું એના પ્રાછત સારું થઈને જ છોકરાને આંહી લેતી આવી."

સુખલાલને ફાળ પડી : "એની આંખમાં હરણાં કુદ્યા : ઓ મારા બાપ ! આ તો આશરાધર્મની લાગણીથી છોકરાને લાવ્યા લાગે છે !

ભાભુએ કહ્યું : "લેણદેણના સંબંધ લેણદેણ હોય ત્યાં લાગી ચાલે છે; એકબીજા માટે થઈને કષ્ટો ઉઠાવીએ ત્યારે લેણદેણના ચોપડા આગળ લખાય છે. હિંમતની તો મોટી વાત છે, ભાઈ ! કહે છે ને કે રણ તો શૂરાનું છે."

સુખલાલને કાંઈ સમજ નહોતી પડતી કે પોતે આ સ્ત્રીની નજરમાં કયા સ્થાને ઊભેલો છે. ને આ સ્ત્રી શું મને મારી માતૃહીન સ્થિતિ પૂરતો જ હિંમતવાન બનવા કહી રહી છે કે બીજુંય કઈ સૂચવી રહી છે ?

વાતો ચાલી રહી છે ત્યાં તો તેજપુરથી એક ગાડું આવીને ઊભુ રહે છે. 'તેજપુરનું ગાડું' સાંભળી નાના શેઠ ચમકે છે. એનાં મોમાંથી શબ્દો નીકળી જાય છે : "અત્યારમાં ! હેં ! અત્યારમાં ભાઈ ક્યાંથી ?"

"સબૂરી રાખો, બાપુ ! સબૂરી રાખો," એટલું જ ભાભુએ કહ્યું. ત્યાં તો ગાડા સાથેના દુકાનના માણસે આવીને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચતા વાંચતા નાના શેઠ પાછા આવ્યાને ભાભીને કહેવા લાગ્યા : "કાપડ-બાપડ વગેરે બધો સામાન આવ્યો છે. ચોખા ને તૂવરદાળ આવે છે. બીજી બધી પરચૂરણ ચીજો વરા માટે આવી છે. લખે છે કે મુંબઈનો કાગળ હતો તે મુજબ અવસરની બધી ચીજો મોકલી આપી છે."

WEB ભાભુનું લગનશાસ્ત્ર

"ઠીક ! ઠીક !" ભાભુ સહેજ હસ્યાં ને સુખલાલ શ્યામ બન્યો. ક્યા અવસર માટે ? મારી સાથે ? હોય નહિ - માં મૂએ પાંચ દિન થયા છે. ત્યારે કોની સાથેનો અવસર ?....

"મુંબઈથી આવીને બપોરે તો બેય જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે, ને રાતે આવશે એમ લખે છે, મે'તાજી, "નાના શેઠે ભાભીને ખિન્ન હૃદયે ખબર આપ્યા : "મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડ્યો છે. એટલે હવે તો ચોક્કસ જ સમજવું."

"અચોક્કસ આપને ક્યાં સમજ્યાં'તાં, ભાઈ ? ઉતરાવી લ્યો બધો માલ."

"તિથિ પણ મે'તાએ જોવરાવી મોકલી છે. પરમ દીની જ તિથિ છે."

કાગળ વાંચીને વાંચીને ભાભીને સમાચાર સંભળાવતા નાના શેઠની સામે સુખલાલ શૂન્ય આંખે તાકી રહ્યો છે. એના મનમાં અનુમાન બંધાતું નથી. આવનાર એ બે જાણમાં બીજો કોણ ? કયો નવો મુરતિયો મળી ગયો ? વિજયચંદ્રને તો હવે આ લોકો થોડા અડશે ? કોણ હશે બીજો સુભાગી ?

ત્યાં જ નાના ભાઈએ કાગળ વાંચીને બધું ખબર દીધા :

"વિજયચંદ્રને ખાદીનો આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે - બે'નને માટે પણ તૈયાર....અં -અં -અં..."

"હં -હં." ભાભુએ એ બધા સમાચારને પૂર્ણવિરામ મૂકીને પછી પાછું સુખલાલ તરફ ફરીને કહ્યું :

"જાણે જુઓ, માડી ! વેશવાળ કહો કે વિવા કહો. એ કાંઈ એક પુરૂષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય ? કન્યા વરે છે ને પરણે છે - સાસરિયાંના આખા ઘરને, કુળને, કુળદેવને; અરે માડી, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરૂષ પણ પરણે છે, કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાના ભાંડરડાને, કન્યાના સગાંવહાલાંને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય."

સુખલાલ કાંઈ જવાબ આપે તે પૂર્વે તો ભાભુએ ઊમેર્યું કે "પુરૂષનો બાપ કાલોઘેલો હોય તોય કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રાખડી પડ્યો હોય તો જમાઈ એને ખંઘોલે બેસારીને સંસારના વન પાર કરાવે - ખરું ને, ભાઈ ? ન જાળવે તો ક્યાં મૂકી આવે ? અનાથોના આશ્રમમાં?" સુખલાલે વધુ ને વધુ મૂંઝવણ અનુભવી ને નીચે જોયે રાખ્યું.

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

ભાભુએ કહ્યું : "સુખલાલ ! બેટા, આમ જુઓ."

સુખલાલે ઊંચું જોયું.

"આ બેઠા મારા દીકરા જેવા દેર-ને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરા કહી દેશે કે : "નીકળી જા, ઓટીવાળ ! ચાલ્યો જ. ગમે ત્યાં જા. ન જિવાય તો મરી જા !"

સુખલાલ કોઈ ભવિષ્યવાણી બોલતું લાગ્યું, ભાભુએ આગળ ચલાવ્યું :

"મુઝાશો મા, તમારે માથે કોઈ આફત ઓઢાળવી નથી. આ તો તમારા હૈયાનેય જે આંચકા આજ સુધી લાગ્યા હોય, જે જે અપમાનોના સૂયા ભોકાણા હોય તે તે તપાસી જોવા કહું છું."

"ભાભુ !" સૂરજે આવીને કહ્યું, "દહીં ને રોટલાનો ભૂકો તૈયાર છે."

"હાલો, થોડું શિરાવી લ્યો," એમ કહીને ભાભુએ સુખલાલને બીજા ઓરડામાં લઇ જઈ બેસાડ્યો; પોતે બહાર નીકળી ગયા. ને તે પછી સુશીલા હાથમાં થાળી લઇ દાખલ થઇ. સુખલાલને આ કન્યા પોતે જ જમાડવા આવશે એ સ્વપ્ને પણ નહોતું. એને સુગંધ આવી. એનું પૌરુષ ધમધમી ઉઠ્યું. એ સુશીલાને પોતાનો જ લાગ્યો. સાડીની મથરાવટી ને પાલવ સંકોડીને એણે થાળી પાટલા પર મૂકી કહ્યું :

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

"જમો." ને એના મલકાતા મોં પર ગુલ પડ્યા.

સુખલાલ ખોટેખોટું જમવા લાગ્યો. એના હાથ કોળીયો લેવાને બદલે આ પારકી છોકરીને ગાલે વગર વાંકે તમાચા લગાવવા તમતમી ઉઠ્યા.

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

સુશીલાએ કહ્યું : "મારે એક જ વાત પૂછવી છે."

"પૂછો." સુખલાલના રોમ સળવળ્યા.

"તમે તૈયાર છો ?"

"શાને માટે?"

"જે પડે તે ભોગવવાને માટે?"

"પણ કોને માટે ?"

"મારા એકલીના માટે નહી."

"ત્યારે ?"

"અમારા સૌના માટે."

"તૈયારી ન હોત તો આટલો હઠીલો બનીને લાગ્યો શા માટે રહેત ?"

"બાપા તૈયાર છે ?"

"પૂછ્યું નથી."

"પાછા જશો ? બાપને તેડી આવશો ? કાલ સવાર પહેલાં આવી શકશો ?"

"સવારે શું છે ?"

"મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને આવે છે - પરણાવી દેવા આવે છે. મારા બાપુએ ને ભાભુએ આપણા વેવિશાળની ગાંઠ વાળી છે. બેઉ જણા ઘર ત્યાગીને આંહી આવ્યા છે - આપણા માટે. તમે ઝટ બાપુને તેડી લાવો."

વધુ વાંચો : 'ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 29

સુશીલાના કંઠમાં ધ્રુજારી ઊઠી.

"મારા બાપુને ?"

"હા. હા, બાપુને !" સુશીલા ભાર દઈને બોલી.

"શા માટે ! હું પોતે જ જવાબદારી લઉં છું - પછી શું છે ?"

"ના, ના, હું તમારી એકલાની થઈને આવું નહીં. મને આવવાનું મન થાય છે, કેમ કે બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે ને ઘરમાં વાછડી છે."

"બાપુ ન હોત તો ?"

"તો મારું મન કદાચ પાછું પડી જાત."

"બાપુ થોડા ના પાડવાના છે ?"

"મને રક્ષણ દેવાની ના તો નહીં પાડે. પણ એ મને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુજી આપણા સૌ ઉપર તૂટી પડવાના. એની મતિ... હે ભગવાન !" સુશીલાએ નિસાસો મૂક્યો.

"હું ભાભુને મળું, પછી નક્કી કરું."

"જે કરવુ હોય તે સાંજ સુધીમાં કરી લેજો."

સુખલાલ ખાઈને સસરા ને ભાભુ બેઠા હતા ત્યાં ગયો. એણે વાત મૂકી :

"લગ્ન આજે, અત્યારે, બે કલાકમાં ન કરી લેવાય ?"

"હા, હા, ભાભી," સુશીલાના પિતા હર્શાવેશમાં આવી ગયા : "આ તો તમને સૂઝેલું જ નહી."

"પણ મને સૂઝેલું હતું, ભાઈ !"

"તો પછી, ભાભી ! કરી લઈએ. પછી મારા ભાઈ પણ ટાઢા પડશે. હો ભાભી ! ગોરને ગામમાંથી જ બોલાવી લઈએ. હે ભાભી ? ફક્ત ચોઘડિયું સારું જોઈ લઈએ, હે ભાભી !"

"ના ભાઈ ! ના." ભાભી આવા મક્કમ આવજે અગાઉ કદી બોલ્યાં હોય તેવું યાદ ન આવ્યું.

"કાં ભાભી ? સુખલાલ પોતે કબૂલ થાય છે."

"એમના બાપા કબૂલ થાય તોપણ નહીં."

"કાં ભાભી ?"

"એના ઘરમાં મા મૂઈ છે, ભાઈ મારા - ઢોર નથી મૂવું ! ને બીજું, મારે મારી છોકરીને ચોરીછૂપીથી નથી પરણાવવી. મારી સુશીલાએ કોઈ કલંકનું કામ કર્યું નથી. મારે તો સાખિયા જોઈએ છે ન્યાતના સમસ્ત ન્યાતીલા. મારે મારી લાડકીના આ શ્રેષ્ઠ અવસરમાં સૌની આશિષ લેવી છે, સૌનાં મોં મીઠાં કરવાના છે. મારે એને રાત લેવરાવવીન થી."

વધુ વાંચો : "આપનાં પત્નીને આ બધું ગમશે કે કેમ તે..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 33

"પણ ભાભી, સારા કામમાં સો વિઘન."

"વિઘન તો આવે. વિઘનને વળોટીએ તો જ સારાં કામ મીઠાં લાગે."

"બહુ મોટો ખોપ-"

"કાંઈ નહીં થાય, ભાઈ ! હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, અનીતિનાં કરનારાં નથી. બીક કોની છે ?"

"રાજની ખટપટો ઊભી થાશે તો ?"

"ના રે ના. રાજવાળા ત બચાડા જીવ શી ખટપટ કરવાના હતા ? દીકરી પુખ્ત ઉંમરની છે, એને પોતાનાં વરઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપા છો. તેમ સુખલાલને થોડા કોઈ પચાસ વરસના ઠેરવવાના છે ?"

"બીજું કોઈ તૂત ઊભું કરે ને, ભાભી !" નાના શેઠ કહેવા પાછળ ઊંડો ઊંડો ગર્ભિતાર્થ હતો. સુખલાલ પારખી ગયો; એના પૌરુષહીનત્વની બનાવટી કથા.

"ગમે તે તૂત, કરે કે કરે, તમે દીકરીના બાપ છો, ને દીકરી લાયક ઉંમરની છે," એટલું કહેનારાં ભાભુ પણ આ મર્મ સમજતાં હતાં.

થોડીવાર સુધી કોઈ બોલ્યું નહીં. સુશીલાના પિતાને ચટપટી ચાલી હતી. એના અંતરમાં ધાસ્તીના ફફડાટ હતા. એને તો ભાઈના આવ્યા પહેલાં પતાવી લેવું હતું. આ ભાભી ક્યાં લઇ જાય છે ? ક્યા ભયાનક પ્રદેશમાં ? કઈ વિકટ વાટે ? કેમ ટક્કર ઝીલશે ? પણ ભાભી પોતેય ભેગી છે. ભાભીની તૈયારી કારમી છે. ભાભી મારે એક પડખે, ને સુશીલા મારે બીજે પડખે : મારી મોખરે સુખલાલ : મને કોની બીક છે ? મનની ઝાડીમાં ઘૂમકાટ કરતા ભયના સત્વોને ભાભીની ઓથે રહીને વટાવતો આ ગભરુ પિતા જાણે એક અગ્નિ-ખાઈ ઓળંગી ગયો.

"માટે જાવ, ભાઈ સુખલાલ દીપચંદ મામાને માળો. એનો મત મેળવો, મનની ગાંઠ વાળીને નિર્ણય જણાવો. ને પાછા આવવાનો મત બંધાય તો કાલ સવારે પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો, હો ભાઈ !"

વધુ વાંચો: 'આજે કેમ સામાયક ઉમેરતા જ ગયાં, ભાભી?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 34

પછી ફરી વાર જયારે સુખલાલ ઘોડી પર ચડ્યો ત્યારે એના કપાળમાં 'ભાભુ'ના હાથનો ચોડેલો અક્ષતકંકુનો ચાંદલો હતો, ને મોમાં ગોળની એક કાંકરી આસ્તે આસ્તે ઓગળી રહી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ