બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'કેમ ભાઇ, ઓચિંતાના? શા ખબર છે?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 31

વેવિશાળ / 'કેમ ભાઇ, ઓચિંતાના? શા ખબર છે?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 31

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 10:00 AM, 31 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"હો હમાલ !" શૉફરે તે રાત્રીએ સેન્ટ્રલ સ્ટેશને ગાડી ઊભી રાખી બૂમ મારી."હમાલની જરૂર નથી." નાના શેઠે પોતાની બૅગ ખોલતાં ખોલતાં શૉફરને અટકાવ્યો. શૉફરને કશી સમજ પડી નહીં.

ત્યાં તો બૅગ પાછી બંધ કરીને નાના શેઠ મોટરમાંથી બહાર નીકળ્યા. શૉફરે એમના હાથમાં ટુવાલમાં લપેટેલાં ફક્ત બે જ ફાલતુ કપડાં દીઠાં. એ કાંઇ પ્રશ્ન કરે તે પહેલાં જ નાના શેઠે સૂચના આપી :

"આ મારી બૅગ ને બિસ્તર પાછાં લઇ જા. પૂછે તો કહેજે કે જલદી પાછા આવવાનું છે એટલે વધુ સામાનની જરૂર નહોતી; ધોતિયું-ટુવાલ બસ છે."

"પણ રસ્તામાં બિછાનું..." શૉફરને આ બાપડાની દયા આવી, કેમ કે નાના શેઠનું શરીર એક સ્ત્રીના જેવું ગૌર અને સુકુમાર હતું. ગૌરતા ને સુકુમારતા એ બેઉ દયા-અનુકમ્પાના વીજળી-દીવા પેટાવવાની ચાંપ તુલ્ય છે.

"અરે ગાંડા, કેટલાંય વરસ બિસ્તર વગર આ પાટિયાં ઉપર ગુલાબી નીંદર ખેંચેલ છે. જા, તું તારે લઇ જા !"

એવી થોડી વેવલાઇ દાખવીને નાના શેઠે મુસાફરી શરૂ કરી. ગરમીના દિવસો હતા, એટલે શીતળ રાત મીઠી લાગતી હતી. પણ પોતે સૂતો જ નહીં. વસઇ, પાલઘર, સુરત ને ભરૂચ સુધી એણે દરેક સ્ટેશને ઊતરી ઊતરીને ચા પીધા કરી. સેન્ટ્રલથી એની આંખોએ આખી લાઇન પર ચકળવકળ ચકળવકળ જોયા કર્યું. એક સામટી ભૂખ ભાંગી લેનાર અકરાંતિયા રાંકા જેવી એની વિહ્વળતા હતી. એકલા બેઠા બેઠા એક ખૂણેથી બેસૂર ને ઘોઘરા રાગે એ જે ગીત બોલતો હતો તે પ્રેમનું હતું, હાસ્યરસનું હતું, કે વીરરસનું હતું, એ નક્કી થઇ શકે તેમ નહોતું, એ ગીત તો 'એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી' એ કરુણરસનું ગીત હતું, એવી સાચી વાત જો એ ડબાના શ્રોતાઓને કોઇએ કહી હોત તો તેઓએ કદાપિ માની જ ન હોત. કરુણરસ એના કંઠમાં કદી પેસી જ ન શકે. ગાતાં ગાતાં ચાલી રહેલી એના હાથપગની ચેષ્ટામાં કોઇને વીરરસનો વહેમ જાય કદાચ, એના મોં પરના મરોડો બેશક હાસ્યરસની જ આશંકા જન્માવે - બાકી કરુણનો તો કદી પત્તો જ ન લાગે. છતાં એ હતું તો કરુણનું જ ગાન.

વળતી સવારે તેજપુર ઊતરીને એણે ગામમાં પોતાની પેઢી પર ન જતાં બારોબાર થોરવાડનું વાહન શોધ્યું. આજ સુધીના આવા પ્રવાસોમાં પોતે મોટર-ટૅક્સી વગર ને ટૅક્સી ન મળે ત્યારે ઘોડાગાડી વગર ઘા ન કરતો; પણ તે દિવસ એનો જીવ કોણ જાણે શાથી પણ ચોરાયો. એણે એક બળદવાળો એકો જ બાંધીને થોરવાડનો કેડો લીધો.

આવા એકામાં કરેલી અનેક ખેપો એને યાદ આવી. થોરવાડમાં ગામને છેક છેડે બાપૂકી વેળાનું એક હાટડું માંડીને બેઉ ભાઇ ખજૂરનું એક વાડિયું રાખતા, ગ્યાસલેટનો એક એક ડબો રાખીને તેમાંથી પાઇ-પૈસાનું પાવળુંપળી તેલ વેચતા, અસૂરી રાતે ગામ બહારથી આવતો ચોરાઉ કપાસ તોળી લેતા, ખેડુનાં છોકરાંને ખજૂર અને ખોખાંની લાલચમાં નાખી ઘરમાંથી કપાસ, દાણા વગેરે ચીજો ચોરી લાવતાં શીખવતા. એ દશેક વર્ષ પૂર્વેના દિવસો કેમ જાણે આખે રસ્તે એને સામા મળી મળીને 'ભાઇ, રામ રામ' કરતા હોય એવી સ્મૃતિ જાગી ઊઠી. ખજૂરનું વાડિયું, ગ્યાસલેટનો ડબો તેજપુરથી ઉધાર લાવતા, માલ પૂરતું જ એકાભાડું ઠરાવીને પોતે બાજુએ ચાલ્યો આવતો, વૈશાખનો ધોમ ધખતો હોય ત્યારે એકાની ને બળદની પડતી આવતી છાંયડીમાં પોતે ચાલતો, પણ એક-બે આના એકાભાડાના વધુ નહોત ખરચતો, એ વેળા યાદ આવી.

Vtv App Promotion 2

ને એ એકાની ચલનશીલ છાંયડીમાં ફરી ચાલવાનું અત્યારે મન થતાં પોતે નીચે ઊતરી પડ્યો. એકાવાળા ઘાંચીની સાથે વાતો કરતાં એણે સમાચાર મેળવ્યા કે પોતાના જૂના ઓળખીત એકાવાળા વલી ઘાંચી, કુરજી ઠક્કર લુવાણો, ગફૂર ઠક્કર ખોજો, મનકો કોળી વગેરે બધાય મરી ખૂટ્યા છે.

"બીજું તો ઠીક, પણ કુરજી ને ગફૂર માળા ડોળી તલાવડીએ રોટલા કાઢીને લીલી ડુંગળી કરડાવતા કરડાવતા ખાતા ને, તયેં મને મોંમાં શુંનું શું થઇ જાતું - પણ મારાં ભાભીની શરમ બહુ આવતી. ઘેર જાઉંને ડુંગળી ગંધાય તો ભાભી બોલે નહીં, પણ માયલી કોરથી એનું કાળજું કપાય, હો ! ભાઇના સોગંદ."

એકાવાળો જુવાન હતો એટલે એને આ અસલી જમાનાની વાતો કે ડુંગળી ખાતાં ભોજાઇની શરમ પાળનાર આ લડધા માણસમાં કશો રસ નહોતો.

"ઓત્તારીની ! હીપાપાટ તો ભરી છે ને શું ?" એમ કહેતે નાના શેઠે પોતાના ગામની સીમમાં વહેતી નદીનો તાજાં વર્ષાજળે છલકતો અને આછરી ચૂકેલો મોટો ધરો જોયો. જોતાં જ એને કોઇ વળગાડ થયો હોવાની શંકા આવે તેવી હર્ષઘેલઠા એણે બતાવવા માંડી.

એકાવાળાને ભાડું ચુકાવી ત્યાંથી જ પાછો રવાના કર્યો. પોતે પોતાની જૂની બહેનપણી હીપાપાટ પર નાહવા ઊતર્યો. નાનપણમાં અંદર પડીને નાહનાર એ બાપડાને વહેમ આવ્યો કે પોતે કદાચ તે દિવસની, તરવાની કળા વીસરી ગયો હશે તો ! એટલે કાંઠે બેસીને નાહી એણે ધોતિયા, ટુવાલ ને કુડતા સાથે ગામ ભણી ચાલવા માંડ્યું.

આ પણ વાંચો: 'હું પોતે માણસમાં નથી, માટે આ વેવિશાળમાંથી...' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 3

મનમાં મનમાં બબડતો હતો કે "કોક દેખે તોય એમ સમજે કે ગામમાં તો કેદુનો આવ્યો હઇશ ! ને ભાભી અને સુશીલાના મનમાં પણ હું અણધાર્યો આવી પડ્યો છું એવો ધ્રાસકો નહીં પડે - ખડકીમાં પેસીને દોરીએ ધોતિયું-ટુવાલ સૂકવતો જ હું સાદ પાડીશ કે 'કાં ભાભી, હવે રોટલાને કેટલી વાર છે?' ને સુશીલાને તો જૂના વખતમાં 'એલી ! સંતોકડી, એય ઢેફલી !' એમ કરીને બોલાવતો તે મુજબ જ આજે જઇને હાક મારીશ : 'એલી સંતોકડી ! એ રાં... ઢેફલી !'

ના, રાં...શબ્દને કાઢી નાખવો જોશે, એમ બબડતો પોતે 'કાં સંતોકડી ! એલી એય ઢેફલી !' વાળા ભૂતકાળના પ્રયોગને ગોખતો ગોખતો મહાવરો પાડતો ગયો. અને પોતાના હૈયાને હાકલી રાખતો ગયો કે 'બસ, હસતું જ મોઢું રાખવાનું છે. બસ, પછી નિરાંતે જ વાત કરવી છે. બીક જ એક છે, કે સુશીલા જો કદાચ જોતાંની વાર જ 'મારી બાને કેમ છે?' એમ પ્રશ્ન કરશે તો...તો...' એટલું બબડતાં બબડતાં એના ચાલુ ચિંતનમાં મોટો ચીરો પડ્યો. જાણે કોઇ કબાટનો આખો અરીસો ચિરાયો.

ઘેર પહોંચીને એણે ઓચિંતાનું જ્યારે ભાન અનુભવ્યું, કે પોતે કલ્પેલા પોતાની ગરીબી-અવસ્થાવાળા માટીના ઘરને બદલે પાકું ચૂનાબંધ મકાન ઊભું છે, ત્યારે જ એણે મનમાં કરેલી ગોઠવણ, વેકૂરીના માંડ વાળેલા લાડુની માફક, હાથમાં ને હાથમાં ભરભર ભૂકો થઇ ગઇ. જે મકાનમાં પોતાને શરણ મેળવવું હતું તે પણ મોટાભાઇની જ કમાણીનું ચણેલું નીકળી પડ્યું. 'તારા પુરુષાર્થનો અહીં એક પથ્થર પણ નથી મંડાયો.' એવી જાણે કે એ આખો ઇમલો ચીસ પાડતો હતો. જૂનું ધૂળિયું ઘર હોત તો તેનો અરધ ભાગ પોતાના હકનો કહેવાત. પૈસા પૈસાનું ગ્યાસલેટ અને ચોરેલા દાણાનાં ખજૂર-ખોખાં વેચવામાં વધુ પાવરધો નાનો ભાઇ જૂના ખોરડાનો વધુ હકદાર બની શક્યો હોત. પણ મુંબઇની નવી શ્રીમંતાઇમાં એના પુરુષાર્થનો હિસ્સો ઓછો હતો અને મોટાભાઇએ ગઇ કાલે કહી દીધું હતું કે '...ઊભો રહેવા નહીં દઉં.' પત્નીએ કહ્યું હતું કે 'મોટાભાઇનાં જૂતાં ઉપાડવા જેટલીય બોણી તો નથી !'

આ પણ વાંચો: 'શરમનો છાંટોય છે નફ્ફટને ! હું આંહીં ઊભી છું તેની પરવા પણ નથી કરતી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 6

બાજુની એક કુટુંબી વિધવાના ખોરડાને દબાવીને ખડું થયેલું આ પાકું મકાન મોટાભાઇનું જ છે, ધક્કો મારીને એમાંથી મોટાભાઇ બહાર કાઢી મૂકુ શકે તેમ છે. ધારે તો મોટાભાઇ ગૃહપ્રવેશનો આરોપ પણ મુકાવી શકે છે, વગેરે વિચારો સાથે પોતે અંદર પેઠો. ભાભીને જોયાં ને એનું ગોઠવી રાખેલું રહસ્ય ભડકો થઇ ગયું; સુશીલાને દીઠી અને 'સંતોકડી ઢેફલી' શબ્દોનો એના અંતરાકાશમાં ક્યાંય પત્તો ન મળ્યો. સુશીલા બે નાનાં બાળકોને નવરાવતી હતી. પિતાની સામે ફક્ત એક મીઠું કરુણાવાળુ સ્મિત કરી, કપડાં સંકોરીને બેઠી બેઠી એ તો 'પોટી'ને નવરાવવાની ક્રિયા કરતી જ રહી. ભાભીએ કામવાળી બાઇને કહ્યું : "જાવ, બહારથી એમનો સામાન લઇ આવો."

"આવે છે, સામાન હજુ પાછળ દૂર છે," એટલું જ કહીએ અંદર ગયો. બેઠકના ઓરડામાં ભાભી પાણીનો લોટોપ્યાલો લઇને હાજર થયાં.

આ પણ વાંચો: "ગુનેગાર કોક, ને ગુનો ઓઢી લે વળી બીજું કોક..." ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 16

"કેમ ભાઇ, ઓચિંતાના? શા ખબર છે?"

પોતાને ભાઇ કહેનાર - માત્ર કહેનાર જ નહીં પણ ભાઇતુલ્ય જતન કરીને સદા પૂર્ણ શીલથી પાળનાર - આ ભાભીને ભાળવાની સાથે જ પત્ની સાંભરી. પત્નીના અપમાનજનક કુશબ્દો યાદ આવ્યા, ને પોતાને પોતાનું નમાલાપણું કદી નહોતું દેખાયું તેવું અત્યારે પૂર્ણ સ્વરૂપે પ્રયત્ક્ષ થયું. આવી ભાભીને અપમાનિત કરનાર સ્ત્રીની જીભ મેં ત્યાં ને ત્યાં ખેંચી કેમ ન કાઢી !

પાણી પીને એણે જવાબ દીધો : "તમને તેડવા મોકલેલ છે."

"કોણે?"

"મારા ભાઇએ."

"કેમ એકાએક ?"

"રૂપાવટી જઇ વેવાણનું મરણ સુધાર્યું તે માટે."

ભાભી નિરુત્તર રહ્યાં.

"વળતી જ ટ્રેનમાં લઇને આવવા કહ્યું છે."

"હં-હં."

"નીકર કહ્યું છે કે, કોઇને ઘરમાં પગ મૂકવા નહીં દઉં."

"હં-હં. જોઇએ"

સાંજ પડી; ભાભીએ પૂછ્યું : "કહેતા'તાને કે સામાન પાછળ આવે છે?"

"સામાન તો પાછો મોકલી દીધેલો તે હું વીસરી ગયો હતો."

"પાછો ક્યાં?"

"સેન્ટ્રલ સ્ટેશનથી જ પાછો મોટરમાં ઘેર."

"કેમ?"

"મારો એના માથે હક નહોતો. મને બીક લાગી કે મારા ભાઇ કોક દી એ પણ આંચકી લેશે."

રાત પડી. નિરાંતે કેટલીક વાતો થઇ. દિયરે કહ્યું : "ભાભી, અંદરથી આતમો જ ના પાડે છે. જે ઘર મારું નથી, મુંબઇની જે સાહેબીમાં મારો જરીકે લાગભાગ પહોંચતો નથી, તેમાં મોટાભાઇના આત્માને ઉદ્વેગ કરાવતા પડ્યા રહેવા અંદરથી મન ના પાડે છે."

વધુ વાંચો : 'ના, નહીં ચાલી શકે. બોલ, ઘરમાં રે'વું છે કે નથી રે'વું ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 29

"આપણે બધાં જ કેમ ગાંડાં બનવા લાગ્યાં છીએ !" ભાભીએ જરીક હસીને ઉદ્ગાર કાઢ્યો : "તમે આવા આળા મનના થઇ બેઠા ત્યારે એ બચાડા જીવનું કોણ?..."

પોતાના જેવી પત્નીથી તજાયેલા ધણી નાનેરા ભાઇને પણ હારી બેઠો છે એવી પ્રતીતિ થયા પછી પતિની નિરાધારીનું કલ્પનાચિત્ર એના અંતરમાં આલેખાયું ને 'બચાડા જીવ' જેવો જૂની આદતવાળો બોલ મોંમાંથી નીકળી ગયો.

દિયરે ભાભીને એકલાં બોલાવીને વાત કહી : "સુખલાલ મળ્યા હતા : મને તો પોતાપણું લાગ્યું હતું. હું અપુત્ર છું : પડખે એવો જમાઇ હોય તો મને સાચવે. મારા જેવા નપાવટને તો, ભાભી, સુધરેલો-ભણેલો બીજો કોઇ નહીં સાચવે."

"વાત તો મોટી કરો છો, પણ દીકરીનું કન્યાદાન દેતા હશો તે ઘડીએ તમારા ભાઇની ત્રાડ સાંભળશો તો ઊભા નહીં થઇ જાઓ કે?"

વધુ વાંચો: 'ના જી, આજની જ મુદ્ત પડી છે. આપને તેડવા જ આવેલ છું.', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 30

"તમે પડખે રહેશો ને, ભાભી, તો હું નહીં ઊઠું; ખીલાની જેમ ખૂતી જઇશ. હું શ્વાસ જ ચડાવી દઇને નિર્જીવ બની બેઠો રહીશ. તમે મારી બાજુએ રહેશો ને, ભાભી, તો હું માણસ મટી ગયેલો પાછો માણસ બનીશ."

"હું તો તમારી જ વાટ જોતી'તી, ભાઇ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ