બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / 'સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 21

વેવિશાળ / 'સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 21

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 10:00 AM, 6 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પણ સુશીલાને યાદ નહોતું રહ્યું કે 'ઠેરો' શબ્દ લિફ્ટને ઊભી રાખી શકતો નથી. એક વાર તો લિફ્ટને છેક નીચે સુધી ઊતરી જવું પડ્યું બેઉને એકલાં ઊભાં થઈ રહેવું પડ્યું. સુશીલા ભયની ફાળ ખાતી ખાતી પોતાના ઘરનાં બારણાં તરફ જોતી જોતી એટલું જ પૂછી શકી : " શા માટે આવવું પડ્યું?"

"તમે બધેય ફરિયાદ કરતાં ફરો છો એટલે," સુખલાલે નીચું જોઈ જવાબ દીધો.

"મારો ગુનો કહેવો હોય તો કહીને પછી ચાલ્યા જાવ. જલદી કહો, જુઓ લિફ્ટ આવે છે." એણે ઉપર નીચે થતાં લિફ્ટનાં કાળવાસુકિ સમાં દોરડાં જોયાં ને ઊંડે લિફ્ટનો કૂવો જોયો.

"મારા બાપુની પાસે લખાવી તો તમે લીધું, ને હવે મને ગરીબને ટોણો મારો છો?"

"પોતાને ગરીબ ગરીબ કહી ગુમાન શુંકરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ તો નથી, બાપુની પાસે જેણે લખાવ્યું હોય તેને તો જઈને પૂછતા નથી."

"પૂછવા જ આવ્યો છું."

"અત્યારે તો ધૂંવાંપૂંવાં છે. મારાં ભાભુ પર રામકા'ણી રાખી છે. તમે ચાલ્યા જ જાવ. તમારા પર કાળ ભમે છે. જુઓ લિફ્ટ આવી ગઈ."

લિફ્ટ આવીને આ માળે થંભી. લિફ્ટ-મૅને પોતાના તે દિવસના રગડપાટનો બધો જ કંટાળો સુશીલાને ઉંબરે ઠાલવતાં બારણાંને દાઝભેર ખોલ્યાં.

"સબૂર સબૂર!" એવા શબ્દો સુશીલા અને સુખલાની પછવાડે સીડીના પગથિયાં પરથી આવ્યા. એમાં ત્રીજું માનવી ઉમેરાયું. ધોતિયાનો એક છેડો હાથમાં, લાંબી લાંબી ડાંફો, અડીખમ પગલાં, ગઠ્ઠાદાર કાઠી, અને સહેજ ફાંગી આંખ ! હાથમાં એક લાકડી સહિત ખુશાલ સીડીનાં પગથિયાં છલાંગતો આવી પહોંચ્યો ને લિફ્ટવાળા પ્રત્યે બોલ્યો : "લે જાવ, ભૈયા !"

"ક્યા યે તમાશા કર રહે હો, જી!" બોલતો એ ભૈયો ભડોભડ બારણાં બીડતો આ પ્રેમ-તમાશાથી ત્રાસીને કેમ જાણે ધરતીના પેટાળમાં ઊતરી જતો હોય તેવી ઝડપે લિફ્ટ નીચે સરકાવી ગયો.

"ગભરાશો નહીં," ચમકેલી સુશીલાને ખુશાલે ધીરજ દીધી : "હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉં છું." એમ એને કહેતાંની વાર સુશીલા એ અજાણ્યા આક્રમણકાર પ્રત્યેનો ખિજવાટ શમાવી લઈને લજ્જાભરી અદબથી બાજુએ ફરી ગઈ. તરત ખુશાલે બીજું વાક્ય સંધાડ્યું : "ને જૂના નાતાને હિસાબે હું તારો મામો પણ થાઉં, બે'ન સંતોક!"

કાઠિયાવાડ વણિકોમાં અવળસવળ સગપણોના વિચિત્ર વેલાઓ જુક્તિભેર અટવાયેલા હોય છે. અટવાતાં અટવાતાં એમાં એક જાતનું સોહામણું ગૂંથણ થઈ ગયું હોય છે. ગૂંથાતા ગૂંથાતા એના રજકણો નવીન જાતની મેળવણી મચાવી બેસે છે. એવી મેળવણીમાંથી ઉદ્ભવ પામતી લાગણીઓ ઘણી વાર એકબીજી વચ્ચેનું અક્કડ છેટાપણું નાબૂદ કરે નાખે છે. સસરો ને વહુ ઘણી વાર મામા ભાણેજનો સંબંધ દાવો દિલમાં સજીવન રાખે છે. દેરાણી-જેઠાણી અનેક વાર ફૂઈ-ભત્રીજી કે માસી ભાણેજ હોય છે. આજે મોટૅ ભાગે બંધાઈ ગયેલાં એ સંબંધ-ખાબોચિયાં કોઈ કોઈ ઠેકાણે સજીવન ઝરણાં રૂપે પણ વહેતાં હોય છે.

'બે'ન સંતોક' એટલા જ શબ્દોએ સુશીલાના અંતરમાં કોઈક નિકટતાને ભાવ મૂકી દીધો; ખુશાલીની જડતાનું કૂણું કલેજું બતાવ્યું.

ખુશાલભાઈ આંહીં ક્યાંથી ફૂટી નીકળ્યા, એ વિસ્મયમાંથી સુખલાલ છૂટે તે પહેલાં તો સુશીલાએ ઘરનાં બારણાં તરફ હાથ લંબાવ્યો. ભૂલી ગઈ હતી કે પોતે કમાડ અધબીડ્યાં રાખવાને બદલે પૂરાં બંધ કરી દીધાં હતાં. એ તો હવે અંદરથી જ કોઈક ખોલે ત્યારે ખૂલી શકે. એનો હાથ ટકોરીની વીજળી-ચાંપ પર ગયો. ખુશાલે ને સુખલાલે બેઉએ એ જમણા હાથની કોણી સુધીની કળાઈને ખુલ્લા સ્વરૂપે દીઠી; બેઉએ પોતપોતાની દૃષ્ટિએ દીઠી. સુખલાલની નજર ત્યાં નખલી બની જઈ એ ભીનલા વરણા હાથ પર દેખાતી લીલુડી નસોના વીણા-તારો બજાવવા લાગી. ખુશાલ મનમાં ને મનમાં બબડ્યો : 'છે તો હાડેતી, હાથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું લચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.'

ખુશાલભાઈ બેશક હજુ સ્ત્રીની તુલના કે પરીક્ષા ઘરસંસારના 'રાચ' લેખે જ કરતોઅને સ્ત્રીને 'દેવી' તેમ જ 'જીવન-સખી' કહેનારા કેટલાક ભણેલા ગણેલા કાઠિયાવાડી જુવાનોને પૂછતો કે "કાં, આ દેવી તો ત્રીજી વારનાં છે ને? તમારે બબે ને ત્રણ-ત્રણ વરસે ક્ષયથી મરી જાય એવી દેવીઓ જોઇએ છે; ને ભાઈ મારે તો ભાઈ, પંદર વરસ જૂનું - એયને મજાનું રીઢું થઈ ગયેલ 'રાચ' જોવે છે. જુવો - આ મારા દાદાના વખતની 'રોસ્કોપ' ઘડિયાળ : હજી એક દી ખોટકી નથી; તેમ નથી આ મારું 'રાજેસ' ચપ્પુ વીસ વરસથી ખોવાણું. બાયડી પણ અમારે તો સંભાલીને સાચવવા જેવું ટકાઉ રાચ છે, ભાઈ! સંભાળીને રાખીએ, રેઢું ન મૂકીએ, કાટ ન ચડવા દઈએ, દેખાડો કર્યા વગર ખપ જોગું જ વાપરીએ, તો 'રાચ' કહ્યે કાંઈ અપકીર્તિ નથી, ને 'દેવી' કહ્યો કાંઈ વિશેષતા નથી."

આવી ટકાઉપણાની દૃષ્ટિએ ખુશાલે સુશીલાને જોય કરી. હવે એ માથું જોતો હતો. માથું જોતો હતો. માથું જરાય ચપટું નથી; આ ઊપસેલ માથા પર ઈંઢોણી ને હેલ્ય સરખી રે'શે નહીં. પણ ફીકર નહીં, ટેવ પડશે એટલે ચપટું થઈ જશે. ટિપાય એટલે તો લોઢુંય બાપડું ચપટું થાય, તો જીવતા માણસનું માથું શા સારુ ન થાય?

વધુ વિચારવાનો વખત નહોતો. બારણાં ઊઘડ્યાં. ઉઘાડાવા આવનાર ભાભુ જ હતાં. એણે કૌતુક દીઠું : આ સવારી... આ સુશીલા, બહારથી ક્યાંથી આવી? આ કોણ? ઉજાણીનો દિન ફિક્કો, સુક્કો ને માંદલો હડધૂત થતો હોવાથી તેજહીન દીઠેલો સુખલાલ આંહીં સ્વાધીન, આત્મશ્રદ્ધા ભર્યો, ઉલ્લાસિત અને લગ્ન-પ્રણયની ઝાલક છાંટતા દીદારે એકાએક તો ઓળખાયો પણ નહીં. પહેલી વાર તો સામાન્ય વિવેક કરી કહ્યું : "આવો ભાઈ." ને પછી અણસાર પરખાઈ આવી તેમજ સુશીલાએ ધારણ કરેલી અદબ પરથી પણ અનુમાન થયું ત્યારે, ભાભુ ઉમળકાભર્યો બોલ બોલી ઊઠ્યાં : " અહો ! તમે ક્યાંથી ? આવો, આવો, નરવા છો ને?"

તેની પછી ત્રીજો દીઠો ખુશાલભાઈને ત્યારે વળી ગૂંચવાડો વધ્યો. રખે પોતાને જુદો ગણી ક્યાંઈક 'કોણ છો ભાઈ? શું કામ છે?' એવો તોછડો પ્રશ્ન પૂછી બેસશે એમ વિચારીને ખુશાલે જ વેળાસર અંદર પેસતે સંબોધન કર્યું : "કેમ છો ઘેલીબે'ન ? ઓળખતાં તો ક્યાંથી હો? તમારું ય મોસાળ ઉપલેટે ને મારું ય મોસાળ ઉપલેટે. મારી બે'ન હેમીની દીક્ષામાં તમે આવેલાં..."

એ ઓળખાણની યાદદાસ્ત ભાભુના અંતરમાં સહેલાઈથી સળવળી ઉઠી: "હેમીબાઈ સ્વામીના ભાઈ તમે ઘોઘાભાઈને?"

"હા, ઘેલીબે'ન ! નામ તો તમને બરાબર યાદ રહ્યું છે ને શું?"

એમ બેઉના પરસ્પર હુલામણાં નામો જ એ જૂની, લગભગ નષ્ટ થયેલી પિછાનને નવપલ્લવિત કરનારા સજળ ક્યારા બની ગયાં.

"બેસો બેસો, ભાઈ!" પતિના ચંપલનો સરપાવ અને સંતાપ કશી જ ચાલાકી વગર સાવ સાદી રીતે અંતરની આગોણમાં ભારી દઈને આ ગૃહિણીએ આવેતુઓને આસન આપ્યું. પછી એ પાણી લેવા ચાલી. જતાં જતાં એણે પતિના શયનખંડ તરફનું બારણું, મહેમાનોનું ધ્યાન ન ખેંચાય તેવી સ્વાભાવિકતાથી બંધ કરી દીધું.

પાણી લઈને ભાભુ પાછાં આવતાં હતાં ત્યારે ખુશાલ એનું સાધ્વી મુખ જોતો હતો. એ વધુ માર્દવભેર બોલી ઊઠ્યો : " હેમીબે'નની સાથે તમારાય, જુવોને, દીક્ષા લેવાના ભાવ હતાં ! પણ તમે હતાં નાનાં, એટલે વળી મનવી લીધાં. મારી હેમીબે'ને જેવો સંયમ ઉજાળ્યો તેવો તમેય, ઘેલીબે'ન, સંસાર ઉજાળ્યો. હું તો ઘણા વખતથી સાંભળતો હતો, પણ આવતાં પગ ઊપડતા નો'તા : આજ ઓચિંતો ભટકાઈ ગયો. જોઈને આંખ્યું ઠરે છે : જાણે મારી હેમીબે'નને મળતો હોઉં... હા-હા-હા-હા એવું...!"

vtv app add

ખુશાલ એ વાક્ય પૂરું ન કરી શક્યો. મોં પરનો પરસેવો લૂછવાને બહાને એણે આંખોના ખૂણા લૂછી લીધા ને પોતે આંસુ નથી લૂછ્યાં એવું બેવડે દોરે નક્કી કરવા માટે વીજળી-બત્તી તરફ જોઈને કહ્યું : "વીજળી-દીવાના હેવા મને માઠા!"

ખુશાલભાઈ ઊંચેથી પાણી પીતો હતો ત્યારે એના ગળામાં મોટો ખળખળિયો ઠલવાતો ચોખ્ખો દેખાતો હતો. એટલે કે સાદો ખુશાલ નિઃસંકોચપણે ઘટક ઘટક પાણી પીતો હતો. ભાભુ સુખલાલની સામે પ્યાલો ધરીને ઊભાં રહ્યાં ત્યારે એટલું જ બોલ્યાં : "તમે તો ઓળખાવ એવા રહ્યાં જ નથી. સારું થયું, બચાડા જીવને મુંબઈનું પાણી માફક આવી ગયું."

"સુખો સવતંતર બન્યો ને, ઘેલીબે'ન, એટલે શરીર વળ્યું."

"ધંધો કરે છે, એમ ને?"

"ત્યારે? રસ્તાસર થઈ ગયો. પાંચ પૈસા એના બાપને, મોકલતો થઈ ગયો. પાંચ-પચીસ નોખા પણ મૂકી શકે તેવો થ‌ઇ ગયો. હવે તો વાંધો નથી. તમારા પુન્યપ્રતાપે સુખનો રોટલો રળી લે છે."

આ બધું કહેવામાં ખુશાલનો હેતુ સુખલાલના લગ્નનો 'કેસ' મજબૂત કરવાનો હતો.

પાણી પાઈ રહ્યાં તો પણ સુશીલાનાં ભાભુ નીચે બેઠાં નહીં. ઊભાં ને ઊભાં રહેવામાં એનો હેતુ અતિથિઓને જલદી ઉઠાડી વિદાય દેવાનો હતો. એનું કાળજું ફડક ફડક થતું હતું. પોતાનો પતિ સૂઈ નથી ગયો; ચંપલ ફગાવ્યું તે પછી પણ એણે એની સ્ત્રીને એ જ સ્થિતિમાં ઊભેલ નિહાળ્યા કરી હતી. પછી પત્ની બહાર ચાલી તે પણ લાલઘૂમ આંખે જોઈ રહ્યો હતો. પણ પછી જ્યારે એણે સ્ત્રીને શાંતિથી પરસાળમાં જઈ ચંપલ પાછો લઈ આવી બીજા ચંપલ પાસે મૂકતી દીઠી ત્યારે આત્મા તિરસ્કાર અને તેજોવધથી ટુકડેટુકડા થઈ ગયેલો એ પતિ બીજું કોઈ શરણ ન સૂઝવાથી પડખું ફેરવી સૂઈ ગયો હતો. લડીને લોહીલોહાણ થયેલો સાપ કરંડિયામાં ગૂંચળું વાળી જાણે પડ્યો છે. જેનું નામ સ્મરણ પણ એના નામ ઝનૂનમાં ભડકા પ્રજ્વલાનારું બનેલું, તે પોતે જ - તે સુખલાલ જ - આંહીં હાજર છે. નજરે જોશો તો કાળો ગજબ ગુજારશે. મહેમાનો રજા માગશે ને કદાચ પોતાના સ્વભાવ મુજબ 'બેસોને બાપુ !' એમ કહેવાઈ જશે તો શું થશે, એવી બીકે પોતે ઊભી ઊભી અંતરમાં ગોખતી હતી તે 'આવજો ત્યારે!' 'આવજો ત્યારે!' 'આવજો ત્યારે!'

અતિથિઓને જલદી વિદાય કરવાની એ આતુરતા અફળ બની. ભગવાન પ્રત્યેની ભાભુની ગુપ્ત પ્રાર્થના ભગવાને સાંભળી નહીં. સમયની પલેપલ જાણે પગમાં સીસું પૂરીને ચાલતી હતી. સુખલાલની સામે નજર મેળવવા ખુશાલભાઈ પ્રયત્ન કરતો હતો, પણ સુખલાલનું ધ્યાન બીજે હતું. એ તાકી રહ્યો હતો એક ત્રીજા માનવીની ક્રિયા તરફ.

આ પણ વાંચો : "એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાં ના ઝેર છે ને?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 18

એ ત્રીજું માનવી તે સુશીલાની બા હતી. પરસાળમાં બે ત્રણ વાર આવીને 'આવો' એટલું પણ બોલ્યા વગર એ અંદર ચાલી ગઈ. અંદરના ખંડમાં એની ને સુશીલાની વચ્ચે કશીક ગરમાગરમી ચાલતી લાગી. માતાની પુત્રી પ્રત્યેના એ બોલ સંભળાતા હતા : "ત્યાં શીદ તરડમાંથી જોયા કરછ ? જા ને જઈને સામી બેસ ને? તારો કોણ થાય છે? તારા એવા કયા ઉમળકા ઢોળાઈ જાય છે ! તારો ડોસો જાગતો હશે ને જાણશે તો ચિરડિયાં કરી નાખશે, ખબર છે? તારી ડોશીની દશા તો હજી ઘડી પે'લાં કેવી કરી તે ભૂલી ગઈ ? જાગશે તો સૌને ખબર પાડી દેશે. પોલીસને જ ભળાવી દેવો જોવે - પોલીસને ! તે વગર કેડો નહીં છોડે."

સ્ત્રીઓમાં કુદરતે જ મૂકેલી એ કળા - કહેવું એકને ને સંભળાવવું કોઈક બીજાને એ કળા - સુખલાલના કાનમાં રામઢોલ બજાવી રહી હતી. એનું અંતર, યુદ્ધના તરઘાયા ઢોલ જેવું વધુ ને વધુ તપતું હતું . એની આંતરડી શેકાતી હતી. એની ચામડી જીવતે ઉતરડાતી હતી. આંહીથી આ શબ્દો સંઘરીને પાછા ચાલ્યા જવાની સબૂરી એના અંતરમાં ટીપે ટીપે નિચોવાતી હતી.

દેરાણીના આ શબ્દો ડુબાવી રાખવા માટે મથતી જેઠાણી તે ક્ષણે ઓછાબોલી મટી જઈને ઉપરાઉપરી પ્રશ્નો પૂછવા લાગી હતી કે," તમારા બાપાનો કાગળ છે કે? તમારાં બાને કેમ છે ? આંહીં ખાવા-કરવાની શી ગોઠવણ રાખી છે? આંહીં તો, બાપુ, પાણી લાગતાં વાર નથી લાગતી."

એ પ્રશ્નોના જવાબ આપવાનું ખુશાલને એકલાને જ ભાગે રહ્યું. સુખલાલની તમામ ચેતના એના કાનમાં જ કેન્દ્રિત થઈ ગઈ. એણે સુશીલાની માનો અકેક ઉચ્ચાર અગ્નિ તિખારાની પેઠે વાણી કાઢ્યો, ને એણે પુત્રીનો શેષ પુત્રીનો શેષ પ્રત્યુત્તર એક જ બોલમાં સાંભળ્યો:

"મને કહેવું હોય તે કહી લે, બા; બીજા કોઈને માટે કાંઈ જ બોલ કાઢવાનો નથી. છેલ્લી વારનું કહી દ‌ઉં છું."

ખુશાલ આ દરમિયાન એક કામ કરી રહ્યો હતો. એણે પૂછી જોયેલું : " કેમ, શેઠિયા હજુ નથી આવ્યા ?"

જવાબ મળેલો : "મોટા શેઠ આવ્યા છે, પણ સૂઈ ગયા છે."

વધુ વાંચો : 'અમારા દેશમાં એક તાવને 'લવ ફિવર' કહે છે, તું દૂર રહેજે..', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 19

એ સૂઈ ગયેલાના કાનમાં તમરાં બોલે તેવી રીતે ખુશાલનો બોલાસ વધુ ને વધુ જોરદાર બનતો ગયો. અભરાઈ પરથી કોઈ બિલાડી એકસામટાં ભાણાં પછાડતી હોય એટલા જોશીલા ખડખડાટ સાથે એ દાંત કાઢવા લાગ્યો. આવી હિંમત આ ઘરની અંદર દાખવનારા માણસો ભાગ્યે જ કદી આવ્યા હશે. પલંગમાં પડેલો શેઠિયો, પેટમાં ઊપડેલી બરલને દબાવતા કોઈ દરદીની વેદના અનુભવી રહ્યો હતો. એનાથી વધુમાં વધુ સહેવાતું નહોતું આ કોઈ કંગાલ આગંતુકની સાથે પત્નીનું મુક્ત કંઠે બોલવું. ચંપલે ચંપલે સોરી નાખવાનું શૌર્ય જાણે એનાં આંગળાંને ટેરવેથી વિફળ વહી જતું હતું.

"હવે તો સુખલાલને પૂરેપૂરો તમારો પુત્ર બનાવી લ્યો, ઘે'લીબેન ! એટલે અમારી સૌની જવાબદારી હેઠે ઊતરે."

એ ખુશાલના બોલનો જવાબ ભાભુ તો ન દઈ શક્યાં, પણ કાન પર બોલોશિયાં દબાવીને પલંગમાં પડેલા મોટા શેઠની ખોપરીમાં ઊઠેલા ચસકાઓએ દીધો. વધુ વાર એ આ અગ્નિશય્યામાં સૂઈ ન શક્યો. એ ઊઠ્યો, પગ નીચે મૂક્યા, બેઉ ચંપલો જાણે કે પગને ઝીલતાં હોય તેટલાં અચૂક ગોઠવાઈને પડ્યાં હતાં એટલે આપોઆપ પગ ઉપર આવી ગયાં. ચંપલન સ્પર્શે પત્નીની ધીરતાનું શરમિંદુ સ્મરણ કરાવ્યું. એક ક્ષણ જાણે કે એ સ્પર્શમાંથી શબ્દ ઊઠ્યો કે 'આકળા શીદને થાવ છો ? અરે, પણ બચાડા જીવ ! તમે ઉતાવળા શીદને થાવ છો?'

વધુ વાંચો : 'એના પેટની તો બીજી શી ખબર પડે ?', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 20

એ સ્પર્શરૂપી શબ્દોને જાણે કે શેઠિયો બીજી વાર પણ પગ હેઠળ ચગદીને ચાલ્યો ને પત્ની એ મૃદુ હાથે બીડી રાખેલું બારણું એણે ભડોભડ ઉઘાડી દીધું.

એના ડોળા રવેશમાં જામેલા દાયરાને તોપે ઉડાડવા જેવી ઉગ્ર દૃષ્ટિથી તાકી રહ્યા. એણે સુખલાલને પિછાન્યો, ખુશાલની ઓળખાન બરાબર ન પડી.

"જે જે ! જે જે, ચંપકભાઈ ! ઓહો, તમને પણ અમારો ગોકીરાએ સૂતા ઉઠાડ્યા ! ચાલો સારું થયું."

કોઈ પણ પ્રસંગે ખસિયાણા તો કદાપિ ન પડી જવું, એવી વિદ્યા ખુશાલે પોતાની ગામડાની નિશાળેથી નાનપનમાં જ મેળવેલી. માસ્તરેજ એને શીખવેલું કે પલાખાં પૂછાય ત્યારે જે છોકરો સાચો કે ખોટો જવાબ તડાકાબંધ પરીક્ષકને આપે તે પાસ થવાનો; જરાક પણ અચકાણો તો મૂઆ પડ્યા; વહેવારમાં જીતશે એ કે જે સાચાખોટાની પરવા કર્યા વગર તડાકાબંધ પહેલો જવાબ આપશે.

એ સિદ્ધાંતના પાલક ખુશાલે આ ગર્વિષ્ઠ શેઠિયો કાંઈ ન કહેવાનું કહી નાખવાનો સમય મેળવે તે પહેલાં જ વિરોધી મોરચો અરધોપરધો તો ભેદી નાખ્યો.

"આવો." એટલું તો નિચોવાઈ જઈને પણ શેઠથી બોલી જવાયું.

"શું કરીએ, ભાઈસા'બ ?" ખુશાલે શરૂ જ રાખ્યું :" તમારા પૂર્વજોનાં પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારાં કરમ મોળાં, એટલે આખો દી ઢરડા કર્યા કરવાના રહ્યા. ઘણુંય વખત પુછાવીને આવવા મન થાય, પણ તડાકો જ બાઝે નહીં. પછી આજ તો મન કર્યું કે થાવી હોય તે થાવ, ચંપકભાઈને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યો નથી - એક વાર નાતના જમણમાં આપણે બેય પડખો પડખ બેઠેલા, ને અમારું વાંસનું અથાણું તમને તે દી બહુ ભાવેલું, તે સિવાય મળવાનો જ મોકો ન રહ્યો. આજ તો હિંમત કરીને આ ભાઈ સુખલાલને ભેળા લીધા..."

"કહો, ફરમાવો, મારું માથું દુખે છે." મોટા શેઠ કે જેમનું નામ મૂળ ચાંપશીમાંથી ચંપકલાલ બની ગયેલું, તેમનાથી આટલા કરતાં વધુ સભ્ય ન બની શકાયું.

"કામ તો બીજું શું ? હું હમણાં જ આ મારી ઘેલીબે'નને કહેતો'તો કે હવે તો સુખલાલ લાઇનસર થઈ ગયો. હવે તો તમારું ઘર પુત્રવંતુ બનાવો એટલે સૌનો ભાર હળવો થાય. હજાર માણસું હજાર જાતની વાતું બોલ્યા કરે. તમને કોઈ કહેવા ન આવે, પણ અમારે તો જખ મારીને બજારમાં સાંભળવું પડે જ ને, ચંપકભાઈ!"

"એ વાત મારે સાંભળવી નથી, એ વાત તો પતી ગઈ છે."

"પતી ગઈ છે?" ખુશાલે ચમક બતાવી.

"હા. આના બાપા સાથે."

"હું એ જ જાણવા આવ્યો છું," સુખલાલના શબ્દો આવ્યા : "કે મારા બાપા સાથે આપે શી સમજાવટ કરી છે."

મોટા શેઠના કાન પર જાણે વીજળીનો કડાકો થયો. માંદલો સુખલાલ - આ અધમૂઓ કંગાલ સુખલાલ - જ શું આ શબ્દોનો બોલનાર છે? હોઈ શકે?

બૈરાં બધાં અંદર લપાઈ ગયાં હતાં. ભાભુ અને સુશીલા પોતાના ખંડમાં બે જ જણાં હતાં બંને આ બહાર મચી રહેલા વાવાઝોડાની વચ્ચે ઉચાટભરી, ભયભરી છતાં સંયમી મુખમુદ્રા ધરી બેઠાં હતાં; પણ સુશીલા વારે વારે ચમકતી હતી.

બહાર લિફ્ટનો સળવળાટ થયો. બારણાં ઊઘડ્યાં ને બિડાયાં. શેઠઘરના બ્લોકની ઘંટડી બજી. ભાભુએ જઈ બારણાં ખોલ્યાં. બરણાંની સામે એક પોલીસ-ઑફિસર અને બે પોલીસ ખડા થયા. તેમને ભાળતાં જ ભાભુ હેતબાયાં.

"શેઠ અંદર છે? " ઑફિસરે ગૌરભેર પૂછ્યું.

"શું કામ છે?"

"મળવું છે." એમ કહીને ઑફિસર અંદર દાખલ થયો.

ભાભુ અંદર ચાલ્યાં ગયાં. પતિને જાણ કરી : "પોલીસ આવેલ છે."

વેપારીના મનથી એક ઇન્કમટેક્સના ને બીજા પોલીસના માણસનું આગમન જીવનના શ્વાસ ઉરાડી દેનારી બે અજોડ આફતો હોય છે. મોટા શેઠે ઊઠીને બહાર આવી પોલીસ-ઑફિસર પાસે રાંક દીદાર ધારણ કર્યો.

પોલીસ-ઑફિસરે પૂછ્યું : " વિજયચંદ્ર દલપત નામના જુવાન આપને ઘેર આવે-જાય છે?"

'એં-એં-એં-કેમ?" વાણિયે મગનું નામ ન પાડ્યું.

"એ આપનો ભાવિ જમાઈ છે તે સાચી વાત?"

ફરીથી ગેં-ગેં-ફેં-ફેં થયું. પોલીસ-ઑફિસરે આગળ ચલાવ્યું : "છેલ્લા એ આંહીં ક્યારે આવેલા?"

"મને - મને કાંઈ યાદ-યાદ..."

"તમારા પુત્રી ઘરમાં છે?"

"છે."

"એમને થોડા પ્રશ્નો પૂછવા છે."

"સુશીલા-" એવા મોટા શેઠનો ફાટી ગયેલો અવાજ નીકળ્યો કે તરત જ સુખલાલ આવીને પોલીસ-ઑફિસર પાસે ઊભો : "એને આપ શું પૂછવા માગો છો ? શા આધારે પૂછવા માગો છો ?"

"આપ તો સાહેબ," ખુશાલે પણ આસ્તે રહીને કહ્યું, "ધાસ્તી પમાડાવા જેવું કરો છો. અમને જે પૂછવું હોય તે પૂછો ને- શી વાત છે વિજયચંદ્રની ?"

પોલીસ-ઑફિસર આ બે જુવાનની હિંમત ભાળી સહેજ અચકાયો. પણ એને રૂઆબ રાખીને કહ્યું : "તમે કોણ છો?"

"એ જાણવું હોય તો ચાલો, હું આપની ભેળો કમિશનર સાહેબની કચેરી પર આવું. ત્યાં જ મારી સાચી ઓળખાણ પડશે."

પોલીસ-ઑફિસરે આ માણસને હિંગખાઉ ન માન્યો. એની માન્યતાને વધુ ઘાટી કરવા માટે ખુશાલે ઉમેર્યુ : 'કાયદેસર જે કરતા હો તે કરો ને!" નરમ પડીને પોલીસ-ઑફિસરે કહ્યું : "ચાલો, હું અંદર આવું ? ત્યાં હું શાંતિથી સમજ પાડું."

"બેલાશક!" એવો એક જ રૂઆબી શબ્દ કાઢતે ખુશાલે આ ઘરને ઘડીભર પોતાનું જ અનાવી લીધું. પોલીસ-અમલદારને અંદર દીવાનખાનામાં લીધા. મોટા શેઠને કોઈક વખતસરનો ઈશ્વરી મદદગાર આવેલો લાગ્યો. સુખલાલ પણ ખુશાલભાઈની હિંમતના પ્રકાશમાંથી પોતાની આંતરિક નૈતિક નીડરતાનો દીપક પેટાવી અંદર ગયો. બધા ખુરશી પર બેઠા. ખુશાલે તો સુંવાળા સોફાને જ પોતાના ભરાવદાર દેહ વડે શણગારી દીધો.

"હવે સબૂરી રાખીને પૂરી વાત કરો, રાવસાહેબ." ખુશાલના એ બોલમાં આ ઘરના માલિકની સત્તાનો રણકાર હતો. મોટા શેઠને એ પળે જો ખુશાલનો ઘાટી બનીને ભાગ ભજવવાનું આવી પડત તોય વિના અચકાયે પોતે એ પાઠ પસંદ કરત એવી એમની મનોવસ્થા હતી !

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ