બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / "એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાં ના ઝેર છે ને?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 18

વેવિશાળ / "એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાં ના ઝેર છે ને?", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 18

ઝવેરચંદ મેઘાણી

Last Updated: 10:00 AM, 29 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીકરાને મુઠ્ઠી ઉગામતો દેખ્યો ત્યારે બાપાને વધુ બીક લાગી. સુખલાલના સ્વભાવનો એ પિતા પૂરો જાણકાર હતો. કાઠી-ગરાસિયાઓની જાડી વસ્તીવાળા એ ગીર-ગામડા રૂપાવટીમાં સુખલાલ વીશ વર્ષોની જુવાની સીધાસાદા માર્ગે જ કાયમ નહોતી વહ્યા કરી. સહન કરી શકાય ત્યાં સુધી તો ભલો ને ભદ્રિક, નરમ ને નમતો રહેતો સુખલાલ, સહનશક્તિની હદ લોપાયા પછી વનપશુ જેવોય બની જતો. કાઠીના છોકરાઓનાં શરીર પર સુખલાલના દાંત બેઠેલા તેનાં ચિહ્નો મોજૂદ હતાં. દુશ્મનોના પંજા નીચે દબાતો ને ઘૂસ્તે-પાટુએ ગૂંદાતો સુખલાલ એક ચીસ પણ પાડ્યા વગર માર ખમતો ખમતો લોહીલોહાણ બટકાં ભરી શકેલો.

પોતાના ગજવાની ચીજ પોતે વેરીના હાથમાંથી બચાવી નહીં શક્યો હોય ત્યારે પછી એ ચીજને એણે ધૂળમાં રોળી અણખપની તો કરી જ નાખી હતી. રૂપાવટીથી રોજ દેવલપુરની નિશાળે ભણવા માટે એક ગાઉ ચાલતા જતા સુખલાલે પોતાને ખાવા માટે માએ બાંધી આપેલ ભાતું રસ્તે ઓડા બાંધીને બેસતા ગરાસિયાના છોકરાઓને હાથ પડવા દીધા પહેલાં ધરતીમાં રગદોળી નાંખેલું, માર ખાધેલો ને સામાં વડછકાં ભરેલાં; છતાં કોઈ દિવસ ઘેર આવીને એણે માતાપિતા પાસે વાત નહોતી કરી. પોતાને પડેલા માર પર એ છૂપો છૂપો હળદર ચોપડતો. તેના લૂઘડે પડતા દાગ ઉપરથી જ આખરે અમને દીકરાના બૂરા હાલની જાણ થતી.

મોટા થયા પછી બાપની દુકાને પણ એણે કાઠી તાલુકદારોને શેકેલી સોપારી કે ખજૂર-ખોખાંનો નાસ્તો કરવવાની ના પાડવા બદ્દલ ધમકીઓ ખાધેલી, કેટલીક વાર એ રાત્રીએ દિશાએ પણ નહીં નીકળી શકેલો; છતાં પિતાનું રક્ષણ એણે માંગેલું નહીં.

Vtv App Promotion

આ બધી ખાસિયતોના જાણભેદુ પિતાએ ઇસ્પિતાલમાં લીનાને ખોળે પડેલા ડાહ્યાડમરા સુખલાલને બદલે, સુશીલાની વાત નીકળતાં શરમના ગલભર્યા ગાલવાળા પ્રેમી સુખલાલને બદલે, તેમજ ખુશાલભાઈના આજ્ઞાંકિત શિષ્ય સુખલાલને બદલે આ મુઠ્ઠીઓ ભીડતા સુખલાલનું બીકાળું રૂપ જોયું; જોઈને એણે કહ્યું : " ભાઈ, જોજે હો ! પારકો પરદેશ છે. ગમ ખાજે. ભૂલેચૂકેય એ દૃશ્યમાં હાલીશ મા!"

"રસ્તો ક્યાં કોઈના બાપનો છે ?" સુખલાલનું બોલતું મોં બારણા બહાર તાકતું હતું.

"એની વાત નથી. ઠાલાં નજરું મળ્યાં ના ઝેર છે ને?"

"ત્યારે તો આંહીં એણે તમને તમારી આ દશા કરવા તેડાવ્યા!" સુખલાલ ગોઠવી ગોઠવી બોલતો ગયો.

"કાંઈ સંભારવું જ નહીં, બેટા ! કાળ કાળનું કામ કરે છે. પણ તું પૂરી ગમ ખાજે. હો ભાઈ ! નીકર ત્યાં બેઠે અમારો જીવ ઊડી જશે."

"હો." સુખલાલને પોતાને જ ગમ નહોતી રહી કે આ હોકારો પોતે શું સમજીને દેતો હતો.

"શું ખાવા-ન-ખાવાની વાતું હાલે છે બાપ દીકરા વચ્ચે ?" એમ બોલતો ખુશાલ દાખલ થયો, એના હાથમાં એક કરંડિયો હતો. કરાંડિયો ફુઆને આપતાં કહ્યું : "લ્યો. બાંધી લ્યો ભાતું."

પિતાપુત્ર બંને કરંડિયામાં ઠાંસોઠાંસ ભરેલ લીલા સૂકા મેવા અને રમકડાંના જથ્થા તરફ કોઈ રહ્યા.

"એમાં ઝોડની જેમ જોઈ શું રીયા છો, ફુઆ ! ઝટ કરો - ગાડીનો વખત થાય છે."

"પણ... પણ... આટલું બધું... "

"ત્યારે શું ઘરને આંગણે ધોયેલ મૂળા જેવા થઈને ઊભવું'તું ? છોકરાંને ખોબો આંસુ પડાવવાં'તાં?" ખુશાલે એ ખૂલેલ કરંડિયાને ફરી પાછો કસકસતો બાંધતે બાંધતે એની આખાબોલી રીતે કહ્યું.

સુખલાલ પણ ભાંડુઓ યાદ આવતાં ઝંખવાણો પડ્યો. એણે ઇસ્પિતાલની પથારીએ પડ્યાં પડ્યાં નાની બહેન સૂરજનો સુશીલા પરનો કાગળ બાપ પાસેથી લઈને વાંચી જોયો હતો. એ સૂરજ, પિતા જ્યારે ઘેર પહોંચશે ત્યારે પિતાની બચકી પાસે ટારપરટોયાં મારતી ઊભી રહેશે. બીજાં ભાંડરડાં તો ફળ ને મેવાથી મોં ભરીને, પિતા મુંબઈ જઈ બીજું શું શું લાવ્યા તે જાણવાની ખેવના જ નહીં કરે; પણ શરમાળ સૂરજ પોતા પાસેથી ભાભીનો સંદેશો મેળવવાની ફોગટ રાહ જોતી જોતી આખરે જ્યારે છાનીમાની પિતા પાસેથી ભાભીનો જવાબ માગશે, ભાભીએ કશુંક - અરે, કંઈ નહીં તો જૂની ચોપડીઓ મોકલી છે કે કેમ તે જણવા સૂરજ ઉત્કંઠ ઉભી રહેશે, ત્યારે એનો શો જવાબ જડશે? માતા-પિતા વચ્ચે ખાનગીમાં થનારી આ વેવિશાળ-ફારગતીની વાત ચકોરઅ સૂરજની જાણ બહાર શું થોડી જ રહેવાની છે ? જાણશે ત્યારે એને શું શું થશે! 'ભાભી-ભાભી-ભાભી' એવા અણધરાયા અંતરના અક્કેક તલસાટ સમ શબ્દનું બહેને જે પત્રમાં પચીસ વાર જપન કરેલું, એ પત્ર પર આ કહેવાની પણ ન રહેતી 'ભાભી'એ થૂથૂકાર કર્યાની કેવી કેવી દયા દારુણ કલ્પનાઓ કરશે મારી બહેન સૂરજ!

આ પણ વાંચો: "સ્માર્ટી, ઓ સ્માર્ટી ! તું અક્કેક ઈંડું....'' ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 5

સૂરજને થોડા દિવસ કોઈક છેતરી રાખે તો કેવું સારું! 'આ તારી ભાભીએ ભેટ મોકલી છે,'એમ લખીને મેં મારા આજના ત્રણ રૂપિયામઆંથી એક ઓઢણી સૂરજને મોકલી હોત તો કેવું સારું થાત! પણ વખત રહ્યો નહોતો. ત્રણે જણા સામાન લઈ નીચે ઊતર્યા. સ્ટેશને જઈ ફુઆને ગાડીમાં સારીએક બેઠક મેળવી આપવા માટે ખુશાલભઆઈ પાંચ પેસેંજરો સાથે બાઝી પડ્યાં, ને આખરે ખુશાલના હાથનું ચૌદમું રતન ચાખનરા એ ઉતારુઓ ટાઢા પડ્યા પછી ખુશાલે પોતાને ને સુખલાલને માટે મરીન લાઈન્સના ઘાસ પર બેસી ખાવા માટે રાખેલાં થોડાંક ફ્રૂટ ને મેવા એ કજિયો કરનારના કુટુંબનાં જ બાળકોને આપી દીધાં. ફુઆએ ગરીબ વાણિયાની રેલ-મુસાફરીની 'સંકટ સાંકળ' સૂડી-સોપારી પણ કાઢી હતી. ગાડી ઊપડી ત્યાં સુધી ફુઆએ એક શબ્દ એવો ન ઉચ્ચાર્યો, ન તો ચહેરા પર એવો એક ભાવ દેખાડ્યો, કે જે પરથી ખુશાલને પેલા બની ગયેલા માઠા બનાવની શંકા સરખીય આવે.

વધુ વાંચો :

પાછાં જતાં ખુશાલને લાગ્યું કે સુખલાલ બાપથી વિખૂટો પડવાને લીધે ગમગીન છે. ગમગીની ઉડાડવા એને પોતાના ઘર છોડવાના સમયની કરુણતાભરી ને શૌર્યભરી વાતો કરી : " છ મહિનામાં તો તું આંહીં ઓરડી રાખીને સૌને તેડાવી શકીશ, ને તારો સસરો જો વાંકો નહીં હાલે તો તો આંહીં જ વીવા જમાવી દેશું, દોસ ! એક વાર વહુને હાથ કરી લઈએ, પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો સસરો ને તારી સાસુ, મુદ્દાની વાત એક જ છે સુખા, કે સંતોકડીની - અરે ભૂલ્યો ભાઈ, સુશીલાની - મરજી તારે જાણી લેવી. નાહકનું સાલ ઘરમાં ન પેસાડાવું, હો ભાઈ! જીવતાં સુધી સૌના લોહી પીવે, ને પોતાનુંય પિવરાવે, ઈ ધંધે નથી ચડવું; ભલે ને પછી ઢેઢવાડે દ્યે! કોના બાપની ગુજરાત! સાડી સત્તરસો કન્યાયું ગામડે ગામડે સડે છે. વાત તો બહુ બહુ તો બે કોથળીની છે ! થઈ રહેશે, ભાઇ સુખા! આંહીં તો અમે આપણા પચાસક ભાઈઓનાં ડૂબતાં વહાણ એમ જ કરીને પાર ઉતારી દીધાં છે. જાડા જૂથની મજા જ એ છે ને ! પણ પછી હુતો ને હુતી બે થિયાં એટલે તું જાણ કે એકલો સંતાકરૂઝ રે'વા વયો જાઉં ! તો એ વાત બ્રહ્માંડ ફર્યેય નહીં બને. "

વધુ વાંચો: "ગાંડાં તે...કાંઇ... ગાંડાં!" જેઠાણીએ મલક્તે મોંએ આંખો તાણી', ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ'

સુખલાલ ફક્ત શ્રોતા જ રહ્યો ઓરડીએ પહોંચ્યો, એના મનમાં ખુશાલની બળભરી વાત પણ ચટકા ભરતી હતી, કેમ કે એમાં તો સુશીલાને જતી કરવાની જીવલેણ સૂચના હતી. એ સાંભળીને સુખલાલની રગેરગમાં જાણે સરપો નીકળ્યો.

'સુશીલાની મરજી!' તેણે પથારીમાં પડ્યે પડ્યે ત્રાગડા કાંત્યા : 'હા હા, સુશીલાની મરજી હશે તો મૂકી દઈશ! ના, ના, મરજી વગર સુશીલાને પણ કેમ કરી મૂકું ? હિંમત નથી. અરે, પણ આ વિચારો કરનાર હું કોણ? મૂકી તો મને જ દેવામાં આવ્યો છે. ને હું કયા મોઢે સુશીલાને મૂકવા-ન-મૂકવાની વાત વિચારું છું ? પણ મને મૂકી દીધો કોણે ? સુશીલાએ મને મૂકવો હતો તો ઉજાણીમાં એ શા માટે વાતો કરવા આવી હતી ? ઇસ્પિતાલમાં શા માટે ચોર-મુલાકત લીધી હતી? ને પાછી આવીને લીનાને શા માટે 'ક્યાં ગયા'-ના પ્રશ્નો પૂછ્યા હતા?

'લીનાને જ પૂછી આવું. લીનાએ એને તે દિવસે જેવી જોઈ હશે તેવી એ મને વર્ણવી દેખાડશે. હું પૂછીશ, એ કન્યાના મોં પર પ્રશ્નો પૂછતે પૂછતે કોઈ રંગ ઘોળાતા હતા ? આંખોમાં અમીભર તલસાટ ઊછળતા હતા? મારું નામ લેતી હતી ? મારું નામ લેતી હતી? હાં હાં , એ એક ખરી કસોટી થઈ જશે. ચહેરા પરના રંગો ને આંખોના તલસાટો તો ભુલાવામાં નાખે તેવી વાતો છે.

વધુ વાંચો : "પધારો ! પધારો કાકા ! આમ તે કાંઈ હતું હશે !...", ઝવેરચંદ મેઘાણીની નવલકથા 'વેવિશાળ' પ્રકરણ 14

'ભરોસો કરવા લાયક આ એક જ પ્રશ્ન : એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં ?હિંદુ કન્યા એક જ માણસનું નામ નથી લેતી, જે એના હૈયાનો વધુમાં વધુ નિકટવાસી હોય તેનું. એ એક જ પ્રશ્નનો ઉત્તર મારે માટે બસ થશે. પછી તો હું જોઈ લઈશ - મરી પોં'ચ - મારી ત્રેવડ - મારી છાતીનું જોર-'

- એમ કરતો આ ગામડિયો જુવાન ઉંઘી ગયો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Literature Zaverchand Meghani Vevishal
ઝવેરચંદ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી

ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે, એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી અજાણ હશે. સૌરાષ્ટ્રના ગામો ખૂંદીને અનેક લોકકથાઓ ઝવેરચંદ મેઘાણીએ આપણા સુધી પહોંચાડી છે. પત્રકાર, અનુવાદક, સાહિત્યકાર અને ઉંચા દરજ્જાના લેખક મેઘાણીએ ગુજરાતી ભાષાને સૌરાષ્ટ્રની રસધાર, જેલ ઓફિસની બારી, માણસાઈના દીવા સહિત સંખ્યાબંધ ઉત્તમ પુસ્તકો આપ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ