બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજકોટથી વડોદરા સુધી દંપતિ-પરિણીતા સહીત 3 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું!
Last Updated: 01:03 PM, 12 August 2026
રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે. વડોદરાના ઉંડેરા વિસ્તારમાં 31 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૃતક એક સંતાનની માતા હતી અને તેના પરિવારજનોએ સાસરીયાઓ દ્વારા લાંબા સમયથી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પરિણીતાએ આપઘાત કરતા પહેલા પોતાના ડાબા પગ પર હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. તેમાં લખ્યું હતું કે, "મે જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખુશ રખે, મેં સહન નહીં કર પાઈ."
ADVERTISEMENT

પરિવારના આક્ષેપ મુજબ મે-2026 દરમિયાન પ્લોટ ખરીદવા માટે સાસરીયાઓએ 2 લાખ રૂપિયાની દહેજની માંગણી કરી હતી. આ માંગણીને લઈને પરિણીતાને વારંવાર શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો.
ADVERTISEMENT

વધુમાં, ઘટના બન્યાના એક દિવસ અગાઉ મૃતકના પતિએ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વડોદરા પોલીસે પતિ સુનીરકુમાર, સાસુ અને સસરા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

બીજી ઘટના રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી સામે આવી છે. અહીં 62 વર્ષીય વૃદ્ધ દંપતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. મૃતકોની ઓળખ જીતુ રાવરાણી અને તેમની પત્ની મધુબેન રાવરાણી તરીકે થઈ છે. બંનેએ મોડી રાત્રે ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલમાં વૃદ્ધ દંપતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી અકબંધ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT

ત્રીજી ઘટના રાજકોટ શહેર સાથે જોડાયેલી છે, જ્યાં વધુ એક વેપારીએ આર્થિક ભીંસના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કુવાડવા રોડ પર રહેતા પંકજ દુધાત્રાએ ચોટીલાની એક ગેસ્ટ હાઉસમાં ઘઉંમાં નાખવાની ઝેરી દવા પીધી હતી. તેઓ ઈમિટેશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા. પ્રાથમિક માહિતી મુજબ તેઓ શેર બજારમાં મોટી રકમ ગુમાવી બેઠા હોવાથી ભારે આર્થિક ભીંસમાં આવી ગયા હતા. આ જ કારણસર તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
પંકજ દુધાત્રા પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણીના સંબંધી હોવાનું પણ જાણવા મળ્યું છે. રક્ષાબંધનનો તહેવાર નજીક હોવા છતાં ત્રણ બહેનોના એકના એક ભાઈએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ADVERTISEMENT
આ ત્રણેય અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સમાજ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. એક તરફ દહેજ અને પારિવારિક ત્રાસના આક્ષેપો છે તો બીજી તરફ આર્થિક ભીંસ અને અજાણ્યા કારણોસર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે. ત્રણેય બનાવોમાં સંબંધિત પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને હકીકત બહાર લાવવા માટે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.