બનાસકાંઠામાં મુસાફરોને જીપની છત ઉપર બેસાડીને ખાનગી જીપ ચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે, એટલું જ નહીં જીપની પાછળ પણ મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી રહ્યાં છે
બનાસકાંઠામાં ટ્રાફિક નિયમના ધજાગરા
થરાદ-સંચોર હાઈવેનો મોતની મુસાફરીનો વીડિયો વાયરલ
વાહનમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર બેસાડેલા જોવા મળ્યા
બનાસકાંઠામાં જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. જોખમી મુસાફરી કરાવીને ખાનગી વાહન ચાલકો પોલીસને પડકાર ફેંકી રહ્યાં છે. બનાસકાંઠાના થરાદ-સંચોર હાઈવે કે જ્યાં ખાનગી વાહન ચાલકો થોડો અમથો નફો કમાવા માટે મુસાફરોના જીવને જોખમમાં મુકી રહ્યાં છે.
બેફામ દોડતા ઓવરલોડ વાહનો
મુસાફરોને જીપની છત ઉપર બેસાડીને ખાનગી જીપ ચાલકો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે. એટલું જ નહીં જીપની પાછળ પણ મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી રહ્યાં છે. આ મુસાફરોથી ખચોખચ ભરેલી જીપ રસ્તા પર બેફામ દોડી રહી છે પરંતુ તેને રોકનારું કોઈ નથી. આવા બેફામ દોડતા ઓવરલોડ વાહનો પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યાં છે.
ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
મહત્વનું છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના બાદ પણ વાહન ચાલકો ગંભીર બેદરકારી દાખવી રહ્યાં છે. એક તરફ અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં પોલીસે આવા બેફામ વાહન ચાલકો પર તવાઈ બોલાવી છે. તો બીજી તરફ બનાસકાંઠામાં હજુ પણ આવા વાહન ચાલકો બેફામ ફરી રહ્યાં છે. ત્યારે આવા વાહન ચાલકો પર ક્યારે કાર્યવાહી થશે તે મોટો સવાલ છે.