બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / ભારત / Swaminarayan Sampraday History latest gujarati news

ઇતિહાસ / અંદાજે 250 જ વર્ષમાં અનેક વાદ-વિવાદ અને ફાંટાઓ વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાય આખરે કઇ રીતે ફૂલ્યોફાલ્યો? જાણો અત:થી ઇતિ

Dhruv

Last Updated: 09:09 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વામિનારાયણ સંપ્રદાય કે જેનું વર્તમાન સમયમાં કોઇના પણ કાને નામ પડે એટલે તુરંત તેની નજર સમક્ષ સાળંગપુર વિવાદનું દ્રશ્ય ખડું થઇ જાય. કારણ કે સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના વિવાદિત ભીંતચિત્રોએ આખુંય ગુજરાત માથે લીધું હતું. જેમાં હનુમાન દાદાને નીલકંઠ વર્ણી (સ્વામિનારાયણ ભગવાન) સમક્ષ નમન કરતા દર્શાવાયા હતા. જેને લઇને સૌ સનાતની સાધુ-સંતો તથા સ્ત્રી-પુરુષો ભારે ક્રોધે ભરાયા હતા. જોકે હવે તો એ ભીંતચિત્રો હટાવી લેવાયા છે. પરંતુ હજુય સનાતની સાધુઓમાં બેઠક તથા સંપ્રદાયના સાહિત્યને લઇ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ આર્ટિકલમાં આપણે એજ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીશું કે જેને દેશ-વિદેશ સુધી ડંકો વગાડ્યો છે.

લેખન ધ્રુવ બ્રહ્મભટ્ટની કલમે.... : આજે અહીંયા વિગતે જોઇશું કે આખરે આ સ્વામિનારાયણ સંપ્રદાય કઇ રીતે અસ્તિત્વમાં આવ્યો? કોણ છે સ્વામિનારાયણ ભગવાન? સંપ્રદાયમાં કઇ રીતે અનેક ફાંટા પડ્યા? શું છે દેવપક્ષ-આચાર્ય પક્ષનો વિવાદ? સંપ્રદાયમાં કયા-કયા ગ્રંથોની રચના થઇ અને કઇ રીતે સંપ્રદાય અનેકવાર વાદ-વિવાદમાં સપડાયો? તો જોઇએ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે અત:થી ઇતિ.

સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ

સ્વામિનારાયણ ભગવાન કે જેઓનું મૂળ નામ ઘનશ્યામ પાંડે છે. જેઓનો જન્મ અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં વિક્રમ સંવત 1837, ચૈત્ર સુદ નોમ, (02-04-1781) ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ધર્મદેવ (દેવશર્મા) અને માતાનું નામ ભક્તિમાતા (પ્રેમવતી) હતું. તેઓને બે ભાઇઓ હતા. જેમાં એકનું નામ રામપ્રતાપજી (પત્ની સુવાસિની ભાભી) અને બીજા ભાઇનું નામ ઇચ્છારામજી (પત્ની વરિયાળીબાઈ) હતું. તેઓએ 11 વર્ષની ઉંમરે જ ગૃહત્યાગ કરી દીધો હતો. બાદમાં તેઓએ છેક ઉપર બદ્રીનાથથી લઇને નીચે રામેશ્વર સુધી 7 વર્ષ, 1 માસ અને 11 દિવસ સુધી વનવિચરણ કર્યું હતું.

બાદમાં તેઓ ગુજરાતના જૂનાગઢના લોજ ગામે આવ્યા. અહીં પીપલાણા ગામે તેમનો ભેટો રામાનંદ સ્વામી સાથે થયો. જેઓ સંપ્રદાયમાં ઉદ્ધવાવતાર તરીકે ઓળખાય છે. તેમના હસ્તે ઘનશ્યામ પાંડે ઉર્ફે સ્વામિનારાયણ ભગવાને માંગરોળ પાસે આવેલા પીપલાણા ગામે વિક્રમ સંવત 1857, કાર્તિક સુદ એકાદશીના રોજ દીક્ષા લીધી. જ્યાર બાદ તેઓનું નામકરણ થયું અને તેઓ 'સહજાનંદ સ્વામી' અને  ‘નારાયણ મુનિ’ તરીકે ઓળખાયા. તેમને અન્ય શ્રીજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, ન્યાલકરણ, નીલકંઠ વર્ણી, ઘનશ્યામ મહારાજ તથા સરજુદાસના નામે પણ ઓળખવામાં આવે છે. 21 વર્ષની ઉંમરે જ તેઓએ આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી લીધી. અહીંથી તેઓએ ધીરે-ધીરે સમગ્ર ગુજરાતમાં સંપ્રદાયનો વ્યાપ વધાર્યો અને પોતાની નીચે 500 પરમહંસો એટલે કે સંતો તૈયાર કર્યા. જૂનાગઢના ફરેણી ગામમાં તેઓએ સૌ પ્રથમ 'સ્વામિનારાયણ' મહામંત્રનો ઉદઘોષ કર્યો. અને ત્યારથી આખાય ગુજરાતમાં સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે જગવિખ્યાત થયો. અંતે તેઓએ સંવત 1883, જેઠ સુદ દશમ (1 જૂન, 1830) ના રોજ યોગિક કળા દ્વારા પોતાના ભૌતિક દેહનો ત્યાગ કરી અક્ષરધામમાં સિધાવ્યા હતા. બાદમાં દરબાર દાદા ખાચરની લક્ષ્મીવાડી ખાતે રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી દ્વારા તેમના અગ્નિસંસ્કાર કરાયા.

ગઢપુર ધામ (જ્યાં ભગવાન 28 વર્ષ સુધી રહ્યાં)
ગઢપુર દાદા ખાચરનો દરબાર (જ્યાં ભગવાન 28 વર્ષ સુધી રહ્યાં)

આજે આપણે સૌ કોઇ જાણીએ છીએ અને ખ્યાલ પણ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા ભાગના હરિભક્તો અન્ન-ધન-વસ્ત્રે સુખી જ હોય છે. ત્યારે કેમ તો સંપ્રદાયના શાસ્ત્રો અને સંતો-હરિભક્તોના કહેવા મુજબ એવું કહેવાય છે કે, સ્વામિનારાયણ ભગવાને જ્યારે પોતાના ગુરૂ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી ત્યારે તેઓએ બે વરદાન માંગી લીધા હતા.

1. તમારા ભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તેને બદલે એ દુઃખ રુંવાડે-રુંવાડે અમને થાઓ પણ તમારા ભક્તને ન થાઓ.

2. તમારા ભક્તને કર્મમાં રામપતર આવવાનું લખ્યું હોય તો તે રામપતર અમને આવે, પણ તમારો ભક્ત અન્ન, વસ્ત્રે દુઃખી ન થાય. એટલાં માટે તેઓ સૌથી વધારે સુખી હોવાનું કહી રહ્યાં છે.

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કઇ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધ્યો?

માત્ર 200-250 વર્ષમાં જ સંપ્રદાય કઇ રીતે પ્રચાર-પ્રસારમાં આગળ નીકળ્યો તેની વિગતે વાત કરીએ તો સ્વામિનારાયણ ભગવાને ગુજરાતમાં પોતાના સ્વહસ્તે છ મંદિરોની સ્થાપના કરી હતી. જેમાં....

  1. કાલુપુર, અમદાવાદ (શ્રી નર-નારાયણ દેવ)
  2. ભુજ, કચ્છ (શ્રી નર-નારાયણ દેવ)
  3. વડતાલ, ખેડા (લક્ષ્મીનારાયણ દેવ)
  4. ધોલેરા, અમદાવાદ (મદન મોહનજી મહારાજ)
  5. જૂનાગઢ (રાધા રમણ દેવ)
  6. ગઢડા, બોટાદ (ગોપીનાથજી મહારાજ)

આમ, 6 મુખ્ય મંદિરો ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે તૈયાર કર્યા. જેમાં તેઓએ પોતાના બે ભાઇ, એક રામપ્રતાપ અને બીજા ઇચ્છારામજી. અનુક્રમે તેમના બે પુત્રો ઇચ્છારામ અને રઘુવીરજી કે જેમને તેઓએ દત્તક પુત્ર તરીકે માની એક (રામપ્રતાપ) ને કાલુપુર મંદિરની ગાદી અને બીજા (રઘુવીરજી) ને વડતાલની ગાદી સોંપવામાં આવી. જેઓ આચાર્ય તરીકે ઓળખાયા. ત્યારથી આ આચાર્ય પરંપરા અને સંતોની પરંપરા ચાલતી આવે છે. પરંતુ આ બે ગાદીમાંથી આખરે કઇ રીતે સંપ્રદાયમાં આટલા જુદા-જુદા પંથ પડ્યાં એટલે કે કહી શકાય કે ફાંટા પડ્યાં. તો તેની ઓફિશીયલ વેબસાઇટના આધારે મળતી માહિતી નીચે મુજબ છે....

કાલુપુર મંદિરની આચાર્ય પરંપરા

  1. આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ
  2. આચાર્ય કેશવપ્રસાદજી મહારાજ
  3. આચાર્ય પુરુષોત્તમપ્રસાદજી મહારાજ
  4. આચાર્ય વાસુદેવપ્રસાદજી મહારાજ
  5. આચાર્ય દેવેન્દ્રપ્રસાદજી મહારાજ
  6. આચાર્ય તેજેન્દ્રપ્રસાદજી મહારાજ
  7. આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ
  8. લાલજી વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ (ભાવિ આચાર્ય)

વડતાલ ગાદીની આચાર્ય પરંપરા

  1. આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ
  2. આચાર્ય ભગવતપ્રસાદજી મહારાજ
  3. આચાર્ય વિહારીલાલજી મહારાજ
  4. આચાર્ય લક્ષ્મીપ્રસાદજી મહારાજ
  5. આચાર્ય શ્રીપતિપ્રસાદજી મહારાજ
  6. આચાર્ય આનંદપ્રસાદજી મહારાજ
  7. આચાર્ય નરેન્દ્રપ્રસાદજી મહારાજ
  8. આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજ
  9. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ
  10. લાલજી શ્રી સૌરભપ્રસાદજી મહારાજ (ભાવિ આચાર્ય)

તમને જણાવી દઇએ કે, સંપ્રદાયમાં જ્યારે પણ કોઇ સંત તરીકે દીક્ષા લેવા આવે છે ત્યારે તેને સર્વપ્રથમ પાર્ષદ તરીકે રાખવામાં આવે છે અને બાદમાં તેઓને સંત તરીકે દીક્ષા આપવામાં આવે છે. અને આ દીક્ષા આચાર્ય ધર્મકુળ દ્વારા આપવામાં આવતી હોય છે. ત્યાર બાદ તેઓ સંત તરીકે ઓળખાવા લાગે છે.

સૌ પ્રથમ વડતાલ સંસ્થામાં વિવાદના કારણે બે ફાંટા

દેવપક્ષ-આચાર્ય પક્ષનો વિવાદ

2003ના વર્ષમાં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેઓની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ મુજબ, પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યાં તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યાં. આથી દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ પસાર કરીને તેઓને પદ પરથી હટાવી દીધા હતા. આથી અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં પણ ગયા હતા. અજેન્દ્રપ્રસાદની 1984માં ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે આ મામલો છેક કોર્ટ સુધી પહોંચતા અંતે 2003માં અજેન્દ્રપ્રસાદને હટાવ્યા બાદ ગાદીપતિ તરીકે રાકેશ પ્રસાદજીની વરણી કરવામાં આવી હતી.

એ સિવાય તાજેતરમાં જ ગઢડા (સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિરની ગત ચૂંટણી બાદ દેવપક્ષે સતા સંભાળ્યા બાદ આચાર્ય પક્ષ તરફથી વિવિધ મુદ્દે કાનૂની કાર્યવાહી તેમજ અપીલ કરવામાં આવી હતી. જે તમામ બાબતે આખરે આચાર્ય પક્ષની રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે ચેરીટી કમિશ્નર સમક્ષ લાંબા સમયથી પેન્ડીંગ મેટરનો 3 જ મહિનામાં નિકાલ કરવા નિર્દેશ કર્યો હતો. જે મુદ્દે રાજકોટ ચેરીટી કમિશ્નર ખાતે બંને પક્ષકારોની રજૂઆત સાંભળ્યા બાદ સુનાવણીના અંતે દેવપક્ષ તરફી હુકમ કરતા દેવપક્ષનો જ્વલંત વિજય થયો હતો.

BAPS સંસ્થા કઇ રીતે અલગ પડી?

ભગવાન સ્વામિનારાયણે પોતાના પિતા ધર્મદેવના વંશ પરંપરામાં આવતી પેઢીને એટલે કે તેમના મોટા ભાઇ રામપ્રતાપજી અને નાના ભાઇ ઇચ્છારામજી. તેમના બંને પુત્રો અનુક્રમે અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી. તેઓ બંનેને સ્વામિનારાયણ ભગવાને દત્તક તરીકે લીધા. આથી એક (અયોધ્યાપ્રસાદજી મહારાજ) ને અમદાવાદ સોંપાયું તો બીજા (રઘુવીરજી) ને વડતાલ સોંપાયું.

બાદમાં જ્યારે રઘુવીરજી વડતાલ દેશના આચાર્ય બન્યા ત્યારે એવો એક નિયમ લાવ્યા હતા કે પાંચ વર્ષથી વધારે કોઇ એક સંતે એક મંદિરના મહંત તરીકે રહેવું નહીં. જેથી ભગવાનનું માહાત્મ્ય યથાવત રહે અને કોઇ એક સંતનું આધિપત્ય ન વધી જાય. એટલા માટે આવો એક નિયમ લાવવામાં આવ્યો. ત્યારે એ નિયમ અંતર્ગત જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત પદે બિરાજમાન ગુણાતીતાનંદ સ્વામી કે જેઓને મહંત પદેથી ઉતરવાનું આવ્યું. ત્યારે એમના શિષ્ય વર્તુળોમાં એવી ચર્ચાઓ ઊભી થઇ કે ગુણાતીતાનંદ સ્વામી જેવાં સિદ્ધ સંત. એમને શું કામ આ પદ પરથી કાઢવામાં આવ્યા? ગુણાતીતાનંદ સ્વામી તો પોતે ભગવાનના 500 પરમહંસોમાના એક નંદસંત હતા. સ્વામિનારાયણ ભગવાને પોતે તેમને દીક્ષા આપેલી. જોકે એમના મનમાં એવું કંઇ જ નહોતું. પરંતુ તેમનું શિષ્ય વર્તુળ ખૂબ મોટું હતું. જેથી તેમના શિષ્ય વર્તુળમાં આ ચર્ચાએ ભારે જોર પકડ્યું.

જોકે પછી ગુણાતીતાનંદ સ્વામીનો અક્ષરવાસ થયા બાદ તેમના શિષ્યોમાં શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ ઇ.સ. 1907ની સાલમાં બોચાસણ ખાતે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) ની સ્થાપના કરી. જેના વિશે કહેવાય છે કે સંપ્રદાયમાંથી આ ત્રીજો ભાગ પડ્યો. જેને આપણે સૌ BAPS તરીકે ઓળખીએ છીએ. આ મંદિર સિવાય તેઓએ જ્યાં-જ્યાં ભગવાન સ્વામિનારાયણે વિચરણ કરેલું એવાં સ્થાનો કે જેને સંપ્રદાયના લોકો પ્રસાદીના સ્થાનો તરીકે ઓળખે છે. એવાં સ્થાનો જેવાં કે, સાળંગપુર, અટલાદરા, ગોંડલ, ગઢડા જેવાં સ્થળોએ પણ મંદિરો તૈયાર કરીને BAPSનો વ્યાપ વધાર્યો.

એવામાં જૂનાગઢમાં રહેતા યોગીજી મહારાજ પણ કેટલાંક સંતો સાથે શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીના યજ્ઞકાર્યોમાં જોડાઇ ગયા. ત્યારે યોગીજી મહારાજે પણ એ સમયના 51 જેટલાં નવયુવાનોને દિક્ષા આપી. આ સિવાય BAPS સંસ્થાનો વ્યાપ વધારવા માટે યોગીજી મહારાજે આફ્રિકા અને લંડન જેવા દેશોમાં મંદિરો સ્થાપીને BAPS સંસ્થાના વિચારોને છેક દરિયાપાર સુધી પહોંચાડ્યા. ત્યાર બાદ યોગીજી મહારાજની હયાતીમાં જ માત્ર 28 વર્ષની નાની ઉંમરે નાના સાધુ નારાયણસ્વરૂપદાસને શાસ્ત્રીજી મહારાજે સંસ્થાના પ્રમુખ બનાવ્યા. આ દિવસથી જ નારાયણસ્વરૂપદાસજી પ્રમુખ સ્વામી તરીકે ઓળખાયા. જેઓએ વિશ્વભરમાં BAPS સંસ્થાનો ડંકો વગાડ્યો. આમ આ રીતે BAPS સંસ્થા એ વડતાલમાંથી અલગ પડી.

અન્ય એક સંસ્થા (વઢવાણ)

આ સંસ્થા વિશે એવું કહેવાય છે કે, અમદાવાદ ધર્મકુળની ગાદીના ચોથા આચાર્ય મહારાજ એટલે કે કુંજવિહારીપ્રસાદજી મહારાજ કે જેઓને કોઇ રાગદ્રેષના કારણે તેઓને લાલજી પદેથી નિષ્કાસિત કરવામાં આવ્યા. એટલે કુંજવિહારીજી ત્યાર બાદ વઢવાણ આવ્યા. જ્યાં તેઓએ સંવત 1961માં એક અલગ ગાદીની સ્થાપના કરી. જે આજે સ્વામિનારાયણ મંદિર વઢવાણધામ તરીકે ઓળખાય છે. તેમના આચાર્ય ધર્મકુળની પરંપરાની જો વાત કરીએ તો અનુક્રમે આચાર્ય અયોધ્યાપ્રસાદજી મહારાજ, આચાર્ય કેશવપ્રસાદજી મહારાજ, આચાર્ય પુરુષોત્તમપ્રસાદજી મહારાજ, આચાર્ય કુંજવિહારીપ્રસાદજી મહારાજ, આચાર્ય રાજેન્દ્રપ્રસાદજી મહારાજ, આચાર્ય વિરેન્દ્રપ્રસાદજી મહારાજ તથા હાલમાં વઢવાણ ગાદી પર બિરાજમાન વર્તમાન આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી મહારાજ કે જેઓ હાલ વઢવાણ મંદિરમાં સંપ્રદાયની ધર્મધુરા સંભાળી રહ્યાં છે. ત્યાર બાદ ભાવિ આચાર્ય તરીકે આ પદ પર હૃદયેન્દ્રપ્રસાદજી મહારાજ બિરાજમાન થશે.

 

SMVS સંસ્થા

સ્વામિનારાયણ સંપ્રદાયની જ એક સંસ્થા એટલે SMVS. આ સંસ્થાના મૂળ સંસ્થાપક અબજીબાપા કહેવાય છે. જેઓને આ લોકો શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપા તરીકે ઓળખે છે. જેમનો જન્મ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના બળદિયા (વૃષપુર) ગામે થયો હતો. તેઓના અંતર્ધાન થયા બાદ અનુગામી તરીકે તેમને આ જવાબદારી સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્. વૃંદાવનદાસજી સ્વામી તથા સદ્. મુનિસ્વામીને સોંપી હતી. હાલમાં એ જ પરંપરાના સંતો મુજબ, પ્રથમ નિર્ગુણદાસજી સ્વામી, ઈશ્વરચરણદાસજી સ્વામી, વૃંદાવનદાસજી સ્વામી, કેશવપ્રિયદાસજી સ્વામી પછી બાપજી કે જેઓએ આ SMVSની સ્થાપના ઈ.સ. 1987માં કરી હતી. તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વાસણ ગામે થયો હતો. તેઓ 4 વર્ષ અગાઉ જ તા. 22-8-2019ના રોજ અક્ષરવાસ થયા હતા. તેઓએ SMVS સ્વામિનારાયણ મંદિર (વાસણા) ને જ પોતાનું ઘર માનીને રહ્યાં. ત્યાર બાદ તેમના અનુગામી તરીકે સત્યસંકલ્પદાસજી સ્વામીની વરણી કરવામાં આવી. જેઓ હાલ સમગ્ર SMVS સંસ્થાને ચલાવી રહ્યાં છે.

સોખડા સંસ્થા કઇ રીતે અલગ પડી?

સોખડા સંસ્થા કે જે અનેક વાર સત્તા અને સંપત્તિને લઇને વાદ-વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે આ સંસ્થા વિશે એવું કહેવાય છે કે, જ્યારે BAPSમાં યોગીજી મહારાજ ધામમાં સિધાવ્યા ત્યાર બાદ પ્રમુખસ્વામીને સંસ્થાના અધિપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારે તેમના ગુરૂભાઇ એટલે કે હરિપ્રસાદજી કે જેઓનું તાજેતરમાં જ નિધન થયું એટલે કે અક્ષરવાસ થયા. પ્રમુખસ્વામીને ગાદી મળવાથી તેઓએ BAPSમાંથી અલગ પડી સોખડા ખાતે નવી સંસ્થા બનાવી. જે હરિધામ સોખડા તરીકે પ્રચલિત થઇ. બોચાસણ સંસ્થામાંથી વિચારભેદના લીધે છૂટા પડેલા હરિભક્તો દાદુભાઈ અને બાબુભાઈ વગેરેએ સ્વામી હરિપ્રસાદજીને ગાદીપદે સ્થાપીને આ સંસ્થાની રચના કરી હતી. હરિપ્રસાદ સ્વામી સાથે લગભગ 40થી વધુ સંતો સોખડા સંસ્થામાં જોડાયા હતા અને સમગ્ર પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો.

મણિનગર સંસ્થા

આ જ રીતે મણિનગર સ્વામિનારાયણ સંસ્થા કે જે કાલુપુરથી જુદી પડેલી સંસ્થા છે. આ સંસ્થામાં શ્રી અબજીબાપા સ્વામી, સ્વામી મુક્તજીવનદાસજી સ્વામી, પુરુષોત્તમપ્રિયદાસજી અને ત્યાર બાદ હાલમાં તેમના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામી કે જેઓ આખી સંસ્થા ચલાવી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે, પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી કે જેઓ કોરોનામાં અક્ષરધામ સિધાવ્યા હતા. ત્યાર બાદ તેમના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરાઇ હતી.

કુમકુમ સંસ્થા : આ સંસ્થા પણ મણિનગર સંસ્થામાંથી અલગ થયેલી સંસ્થા છે. કહેવાય છે કે, મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ સંત તરીકેની જેમને દીક્ષા આપી હતી એવા સંત એટલે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી. જેઓએ ભારતીય સંસ્કૃતિ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર કરવા સૌ પ્રથમ મુક્તજીવન સ્વામીબાપા સાથે સંવત 1948માં આફ્રિકા પધાર્યા હતા. તમને જણાવી દઇએ કે, કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત રહી ચૂકેલા આનંદપ્રિયદાસજી સ્વામી કે જેઓ 2021માં જ અક્ષરવાસી થયા હતા. આનંદપ્રિયદાસજી સ્વામીએ 101 વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો હતો.

સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથો

1. શિક્ષાપત્રી

શિક્ષાપત્રી કે જે સ્વયં ભગવાન સ્વામિનારાયણે સંવત 1882 મહા સુદિ પંચમીના દિવસે સ્વહસ્તે લખી હતી. આ શિક્ષાપત્રીમાં તેઓએ કુલ 212 શ્લોકોની રચના કરી છે. આ શિક્ષાપત્રી વિક્રમ સંવત 1882માં વસંતપંચમીના દિવસે સ્વામિનારાયણ ભગવાનના સ્વહસ્તે વડતાલમાં લખવામાં આવી હતી. આ શિક્ષાપત્રી હાલમાં લંડનની ઓક્સફર્ડ યુનિ.ની બોડ્લીયન લાઈબ્રેરીમાં સાચવવામાં આવી છે. આ પ્રત સ્વયં સ્વામિનારાયણ ભગવાન દ્વારા અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમને ભેટ તરીકે, ઇ.સ. 1830ના રોજ ફેબ્રુઆરીની 26 તારીખે, રાજકોટ ખાતે આપવામાં આવી હતી.

આ શિક્ષાપત્રીમાં ખુદ સ્વામિનારાયણ ભગવાને એવું લખ્યું છે કે, “આ શિક્ષાપત્રી તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.” શિક્ષાપત્રી વિશે સ્વયં સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું છે કે, 'સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસથાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.'

2. વચનામૃત

વચનામૃત કે જેમાં ભગવાન સ્વામિનારાયણે જુદા-જુદા સ્થળોએ જે જ્ઞાનગોષ્ઠી કરી હતી તેનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે, ભગવાન સ્વામિનારાયણ જે-જે પોતાના સ્વમુખે બોલ્યા હતા એટલે કે ભક્તો અને સંતોને તેઓએ જે ઉપદેશ આપ્યો હતો. આ વચનામૃતમાં એની જ વાત કરવામાં આવી છે. જેનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ કર્યું હતું. આ વચનામૃતની અંદર કુલ 273 પ્રકરણને આવરી લેવાયા છે. જેમાં ગઢડા, સાળંગપુર, કારિયાણી, લોયા, પંચાળા, અમદાવાદ, વડતાલ, જેતલપુર, અશ્લાલી આટલા સ્થળોએ ભગવાન સ્વામિનારાયણે બોલેલી વાણીનો વચનામૃતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

3. સત્સંગી જીવન

સત્સંગી જીવન કે જે શતાનંદ સ્વામી દ્વારા સંસ્કૃતમાં તેમજ પાંચ ભાગમાં (જેને પ્રકરણ નામ અપાયા છે) તેમજ 319 અધ્યાય અને 17,627 શ્લોકોમાં વહેંચાયેલ છે. આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતા પ્રથમ નંબરનું છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે.

4. ભક્તચિંતામણી

ભકતચિંતામણિ ગ્રંથ કે જેને નિષ્કુળાનંદ સ્વામીએ સરળ ગુજરાતી પદ્યમાં રચ્યો છે. જેની અંદર સ્વામિનારાયણ ભગવાને જ્યાં-જ્યાં વિચરણ કર્યું તે બધી જ લીલાઓથી લઇને મોટા-મોટા નંદસંતો અને હરિભક્તોની પણ વાત પદ્યસ્વરૂપે વાત કરવામાં આવી છે. જેમાં મોટા ભાગે તમામ પ્રસાદીના સ્થાનો આવી જાય છે.

5. સત્સંગી ભૂષણ

સત્સંગી ભૂષણ કે જેની રચના વાસુદેવાનંદ મુનિએ કરી છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યો છે. આ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોની વાત કરવામાં આવી છે. સત્સંગીજીવન સંપ્રદાયમાં ધર્મશાસ્ત્ર તરીકે તો સત્સંગી ભૂષણ કે જે ભક્તિશાસ્ત્ર તરીકે ઓળખાય છે.

6. શ્રી હરિદિગ્વિજય

આ પદ્યકાવ્યની રચના નિત્યાનંદ સ્વામીએ સંસ્કૃતમાં કરી છે. જેમાં સંપ્રદાયની તેમજ ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની વાત કરવામાં આવી છે. તદુપરાંત અન્ય પણ ઘણા બધા શાસ્ત્રોની રચના સંપ્રદાયના એ વખતના નંદ સંતોએ કરેલી છે. ત્યારે સંપ્રદાયમાં આ શાસ્ત્રો એટલે કે ગ્રંથો જ ભક્તો અને નંદસંતો માટે સૌથી મોટો આધાર છે.

શિક્ષાપત્રીમાં જુઓ ભગવાને શું-શું આજ્ઞા કરી?

જોકે આ જ શાસ્ત્રો કે ગ્રંથોની રચના વચ્ચે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેકોઅનેક વખત વિવાદો ઊભા થયા છે. જેમ કે, મૂળ પુસ્તકની જો વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી એટલે સંપ્રદાયનું જાણે કે ઘરેણું. કારણ કે આ શિક્ષાપત્રી સ્વયં સ્વામિનારાયણ (ઘનશ્યામ પાંડે ઉર્ફે સહજાનંદ સ્વામી) દ્વારા રચવામાં આવી છે.

જોકે અહીં વાત કરીશું સંપ્રદાયમાં વારંવાર ઊભા થઇ રહેલા વાદ-વિવાદો અંગે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખીને ગયા છે દરેક દેવનું સન્માન કરવું. ત્યારે ક્યારેક કેટલાંક સાધુ-સંતો દ્વારા અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવે છે. ત્યારે પહેલાં અહીં જોઇશું કે અત્યાર સુધીમાં સંપ્રદાયના સાધુ-સંતો દ્વારા શું-શું વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યાં છે?

સંપ્રદાયમાં અત્યાર સુધીમાં જાણો કયા-કયા વિવાદો થયા?

  • અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રવચન દરમ્યાન પ્રબોધસ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી વિશે વિવાદિત નિવેદન આપતા સમગ્ર સાધુ-સંતો અને શિવભક્તોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.
  • સંપ્રદાયના કૃષ્ણસ્વરૂપ સ્વામી કે જેઓનો એક વિવાદીત વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ ભગવાન બ્રહ્માનું અપમાન કર્યું હોવાનું સંભળાયું હતું. સ્વામીએ ઇન્દ્રદેવ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં સ્વામીજીએ ઇન્દ્રદેવ અને બ્રહ્મા પર ન બોલવા લાયક શબ્દો બોલ્યા હતા.
  • સંપ્રદાયના ધર્મવલ્લભ સ્વામી કે જેઓએ ભગવાન કૃષ્ણને ભગવાન માનવા પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે બાદમાં આહિર સમાજના લોકોની લાગણી દુભાતા આ અંગે ખુલાસો કરીને માફી પણ માંગી હતી.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ રૂગનાથ ચરણ દાસ સ્વામીએ મહાદેવજી કુસ્તીમાં હાર્યા હોવાનો બફાટ કર્યો હતો.
  • સંપ્રદાયના અક્ષરમુની સ્વામીએ હનુમાનજીને લઈને કહ્યું હતું કે, 'હનુમાનજી છે એ કોઈ ભગવાન નથી, પરંતુ ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા.'

જોકે આ બધા વિવાદોના કારણે સનાતની ધર્મના સાધુ-સંતોમાં એટલો બધો રોષ હતો કે અંતે તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો. ને સાથે-સાથે તેઓએ પોતાના કોઇ પણ ધર્મ સંમેલનમાં સ્વામિનારાયણના સંતોને સામેલ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જોકે બીજી તરફ આ વિવાદનો કાયમી સુખદ અંત કેવી રીતે આવે તેને લગતા પણ કેટલાંક સાધુ-સંતો તથા ભક્તો પ્રયાસ કરી રહ્યાં છે.

ત્યારે આ હતી સ્વામિનારાયણ સંપ્રદાયની અત:થી ઇતિ સુધીની વિગત. કે જેમાં સ્વામિનારાયણ ભગવાન ઉર્ફે સહજાનંદ સ્વામી ક્યારે પૃથ્વી પર આવ્યા અને કઇ રીતે આ સમગ્ર સંપ્રદાયનો ફેલાવો થયો. સંપ્રદાય કેમ વારંવાર વિવાદમાં રહ્યો અને સહજાનંદ સ્વામીએ કયા-કયા ગ્રંથો અને સિદ્ધાંતોની રચના કરી કે જેને આજે સર્વે હરિભક્તો શિરસાટે પાલન કરી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ