ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / કર્મચારીની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો? ₹25 હજારની લાંચ લેતા સિક્યુરિટી ઓફિસર ઝડપાયા
Last Updated: 04:33 PM, 29 September 2026
ADVERTISEMENT
સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારની એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વોચ એન્ડ વોર્ડ વિભાગમાં વર્ગ-3 સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા શૈલેષ મણીલાલ પારેખને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે પોતાની જ ચેમ્બરમાં 25,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. માનવતા નેવે મૂકનારા આ કિસ્સામાં અધિકારીએ પોતાના જ કર્મચારી પાસેથી પત્નીની મેડિકલ ઈમરજન્સી માટે રજા આપવાના બદલામાં પૈસા માગ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદ કરનાર કર્મચારી પણ સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં જ કામ કરે છે. તેમની પત્ની ગર્ભવતી હોવાથી તેમને નિયમિતપણે ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવા પડતા હતા. પત્નીની સારસંભાળ અને સારવાર માટે કર્મચારીને વારંવાર ડ્યુટી દરમિયાન બહાર જવું પડતું હતું. આ બાબતનો ગેરલાભ ઉઠાવી સિક્યુરિટી ઓફિસર શૈલેષ પારેખે કર્મચારી પાસે 25,000 રૂપિયાની લાંચની માગણી કરી હતી. આરોપી અધિકારીએ એવી શરત મૂકી હતી કે જો લાંચની રકમ આપવામાં આવશે તો જ તેને ફરજ દરમિયાન બહાર જવાની પરવાનગી મળશે, ગેરહાજરી નોંધાશે નહીં અને કોઈ મેમો પણ આપવામાં આવશે નહીં.

ADVERTISEMENT
લાચાર કર્મચારી ભ્રષ્ટ અધિકારી સામે ઝૂકવા ન માગતો હોવાથી તેણે આ સમગ્ર મામલે સુરત એસીબીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.ડી. ધોબીની આગેવાની હેઠળ એક ખાસ ટીમ રચવામાં આવી હતી. 28 સપ્ટેમ્બર 2026 ના રોજ તાપીપુરા સ્થિત સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગની મુખ્ય કચેરીમાં એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. ફરિયાદકર્તા કર્મચારી જ્યારે આરોપી શૈલેષ પારેખને તેની ચેમ્બરમાં રૂ. 25,000 ની લાંચ આપી રહ્યો હતો, ત્યારે જ એસીબીની ટીમે દરોડો પાડીને અધિકારીને રોકડા નાણાં સાથે ઝડપી પાડ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
એસીબીની ટીમે આરોપી પાસેથી લાંચની પૂરેપૂરી 25,000 રૂપિયાની રકમ જપ્ત કરી ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, એસીબી એ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે કે આરોપી શૈલેષ પારેખે અગાઉ પણ અન્ય કોઈ કર્મચારીઓ પાસેથી આ રીતે રજાઓ આપવા કે મેમો ન આપવા બાબતે લાંચ વસૂલી છે કે કેમ. મહાનગરપાલિકાના જ અધિકારીની ધરપકડ થતાં પાલિકા બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ