ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લી મહોત્સવમાં લાખો ભક્તો ઉમટ્યા, ઘીના અભિષેકથી માર્ગો થયા તરબોળ
Last Updated: 07:25 AM, 20 October 2026
ADVERTISEMENT
ગાંધીનગર: વિશ્વપ્રસિદ્ધ રૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના પરંપરાગત પલ્લી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આસો સુદ નોમના પવિત્ર અવસરે યોજાયેલા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીનાં દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. ભક્તોની અતૂટ શ્રદ્ધા અને પરંપરાગત ઉત્સાહ વચ્ચે યોજાયેલી પલ્લી યાત્રા દરમિયાન હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેના કારણે ગામના રસ્તાઓ પર ઘી વહેતું હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
ADVERTISEMENT
મધ્યરાત્રિથી શરૂ થઈ પલ્લીની ભવ્ય યાત્રા
રૂપાલમાં પલ્લી મહોત્સવની મુખ્ય ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ મધ્યરાત્રિએ 12 વાગ્યા પછી પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથયાત્રા ગામમાં ભ્રમણ માટે નીકળી હતી. પરંપરા અનુસાર પલ્લી ગામના આશરે 27 નિશ્ચિત ચોકમાંથી પસાર થઈ હતી. રાત્રિના અંધકારમાં દીવાઓની રોશની, જયઘોષ અને માતાજીના ભક્તિગીતો વચ્ચે પલ્લીનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માર્ગો પર એકત્ર થયા હતા.
ADVERTISEMENT
પલ્લી પર હજારો લીટર શુદ્ધ ઘીનો અભિષેક
રૂપાલની પલ્લી યાત્રાનું સૌથી વિશિષ્ટ આકર્ષણ પલ્લી પર કરવામાં આવતો શુદ્ધ ઘીનો અભિષેક રહ્યો હતો. ભક્તોએ પોતાની મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે ઘી અર્પણ કર્યું હતું. કેરબા, ડબ્બા અને ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ઘી લાવવામાં આવ્યું હતું અને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ઘીના અભિષેકને કારણે ગામની ગલીઓ અને માર્ગો પર ઘી વહેતું જોવા મળ્યું હતું. આ અનોખી પરંપરાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો મોડી રાત સુધી જાગતા રહ્યા હતા. મકાનોના ધાબા અને આસપાસનાં ઊંચાં સ્થળો પરથી પણ ભાવિકોએ પલ્લીનાં દર્શન કર્યા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા માતાજીનાં દર્શન
ADVERTISEMENT
પલ્લીના પ્રસ્થાન પહેલાં ચાવડા (ક્ષત્રિય) પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. આ વિધિ બાદ પલ્લી ગામના નિર્ધારિત માર્ગે આગળ વધી હતી.
આ ધાર્મિક પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરદાયિની માતાજીના મંદિરે પહોંચીને પૂજા-અર્ચના કરી હતી અને માતાજીનાં દર્શન કર્યા હતાં. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંગલ પણ પરિવાર સાથે મંદિરે પહોંચ્યા હતા અને માતાજીનાં દર્શન કરી ઘી અર્પણ કર્યું હતું.
ADVERTISEMENT
રોશનીથી ઝગમગ્યું રૂપાલ ગામ
પલ્લી મહોત્સવને લઈને સમગ્ર રૂપાલ ગામને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ગામની શેરીઓ અને માર્ગો ભક્તિભાવના રંગે રંગાયેલાં જોવા મળ્યાં હતાં. મહિલાઓ માથે માટલી અને દીવા લઈને દર્શન માટે પહોંચી હતી, જ્યારે યુવાનો, વડીલો અને બાળકો સહિત તમામ વયજૂથના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના પાણશીણા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત
લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ, પરંપરાગત ધાર્મિક વિધિઓ અને ઘીના અભિષેક સાથે શ્રી વરદાયિની માતાજીની પલ્લી યાત્રાએ ફરી એકવાર રૂપાલની આગવી ધાર્મિક ઓળખને ઉજાગર કરી હતી. ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં યોજાયેલો આ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો