ગૂજરાત વિદ્યાપીઠમાં નવા મેનેજમેન્ટ દ્વારા વર્ષોથી નોકરી કરતા 120 થી વધુ કર્મચારીઓને છુટા કરાયા હોવાનું સામે આવતા વિવાદ જાગ્યો છે.
ગૂજરાત વિદ્યાપીઠમાં 120 કરતા વધુ કર્મચારીઓને કરાયા છુટા
નવા મેનેજમેન્ટ દ્વારા વર્ષોથી નોકરી કરતા કર્મચારીઓને કરાયા છુટા
20 - 25 વર્ષ જુના કર્મચારીઓને કરાયા છુટા
ગૂજરાતની ઓળખ અને ગૌરવ કહી શકાય એવી ગૂજરાત વિદ્યાપીઠ છેલ્લા કેટલાક વર્ષથી પોતાના અનેક નિર્ણયોને લઇને ચર્ચાના ચકડોળે ચડ્યા હતા. તેવામાં આવો જ એક આશ્ચર્યજનક નિર્ણય લેવાતા ફરી ચર્ચામાં આવી છે. આ વખતે ગુજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. આ એવા કર્મચારીઓ છે જેઓ સંસ્થા સાથે છેલ્લા 20-25 વર્ષથી જોડાયેલા છે. ત્યારે અચાનક તેઓને છૂટા કરી દેવાતા ભારે ચર્ચા જાગી છે. તો બીજી બાજુ વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ મીડિયાથી વાત કરવાથી ભાગી રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગંભીર બને તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે.
સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓને કરાયા છુટા
પ્રાથમિક વિગત મુજબ ગૂજરાત વિદ્યાપીઠમાંથી 120 કરતાં વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરવાનો નિર્ણય વહીવટતંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં સાદરા, રાંધેજા અને અમદાવાદના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો આ કઠોર નિર્ણય વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાપીઠમાંથી કર્મચારીને છૂટા કરવાના નિર્ણયનો વિરોધ કરવા માટે તેઓ ટ્રસ્ટીઓની બેઠકમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હર્ષદ પટેલ, કુલનાયક, રજિસ્ટર વચ્ચે બેઠક મળી હતી. જ્યારે સમગ્ર બાબતે VTV દ્વારા ટ્રસ્ટી હર્ષદ પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ભરત જોશીએ ગોળગોળ જવાબો આપી વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. બીજી બાજુ છૂટા કરાયેલા કર્મચારીઓ જેઓ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા હતા, હવે ઢળતી ઉંમરે બીજે ક્યાં નોકરી કરવા જશે તેવી અવઢવમાં મૂકાયા છે. ત્યારે આ બાબત આવનારા દિવસોમાં વધુ ગંભીર બને તેમ લાગી રહ્યું છે.