બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Meghraja has started another round in Gujarat, due to heavy rains many areas are filled with rain water.
Dinesh
Last Updated: 05:27 PM, 17 September 2023
ADVERTISEMENT
લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં બે નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેના પગલે જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા અને ભરૂચના કેટલાક ગામડોઓને એલર્ટ અપાયું છે.
ADVERTISEMENT
પંચમહાલમાં ભાદરવો ભરપૂર
પંચમહાલ જિલ્લામાં ભાદરવો ભરપૂર જામ્યો છે. પાવાગઢમાં વરસાદી માહોલ જામતા ચારેકોર સન્નાટો જોવા મળ્યો હતો. શનિવારની મોડી રાતથી જ પાવાગઢના જંગલમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી. આ કારણે પાવાગઢમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરના રસ્તાઓ પર પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. આ કારણે શ્રદ્ધાળુઓની પણ ગેરહાજરી જોવા મળી. જોકે ભારે વરસાદના પગલે સૌકોઈ ખુશ જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને ધરતી પુત્રો આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
દાહોદમાં દુધમતિ નદીમાં ઘોડાપૂર
આ તરફ દાહોદમાં પણ ગત મોડી રાતથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે દુધમતિ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ પડતાં ચોમાસુ પાકને જીવનદાન મળ્યું છે. ત્યારે ખેડૂતોએ નદીમાં આવેલા પૂરના વધામણા કર્યાં હતાં.
છોટાઉદેપુરમાં વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. જેના કારણે નસવાડી પંથકમાંથી પસાર થતી અશ્વિની નદી બેકાંઠે વહેતી જોવા મળી. આ તરફ નસવાડી આસપાસના વિસ્તારોમાં અને રોડ પર પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જોકે અંદાજીત દોડ મહિના પછી વરસાદનું આગમન થતાં પંથકના ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.
અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદ
અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતોની અગ્ની પરીક્ષાનો અંત આવ્યો છે. કારણ કે, ખુબ લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું. જેમાં બાયડ અને ધનસુરામાં 5 થી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્તા ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. તો રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. બીજી તરફ મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.. તો ભિલોડામાં 2 ઈંડ અને મેઘરજમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આમ જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ સારો પડ્યો છે.
તાપી જિલ્લામાં પણ વરસાદી મહેર
તાપી જિલ્લામાં પણ વરસાદી મહેર જામી છે.. જોકે જિલ્લામાં સારા વરસાદના પગલે ઉકાઈ ડેમમાં 4.91 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.. જેના કારણે ડેમની જળસપાટી રૂરલ લેવલ પાર કરી 340 ફૂટે પહોંચી ગઈ છે.. જેના કારણે ડેમના 5 દરવાદા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.. અને 55 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
ખેડામાં પણ મેઘરાજાની બેટિંગ
ખેડાના ગળતેશ્વર તાલુકામાં પણ મેઘરાજાએ લાંબા વિરામ બાદ તોફાની બેટિંગ કર્યું. સમગ્ર પંથકમાં ભારે વરસાદના કારણે શેઢી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. જેના કારણે ઈન્દોર-અમદાવાદ હાઈવેથી વાળીનાથને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાળીનાથ ઓવર બ્રિજનો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થતાં વાળીનાથ, વેલાના મુવાડા, મોકાના મુવાડા, વનોડા સહિત 9 ગામના રસ્તા બંધ થઈ ગયા છે. તો અહીં અનેક લોકો જીવના જોખમે રસ્તો પાર કરતા પણ જોવા મળ્યા હતા.
નર્મદા નદી બે કાંઠે
નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયાં હતાં. તો કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોનું સ્થળાંતર કરાયું હતું. નર્મદાના પ્રવાહને જોતા તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કારણ કે, ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ સુધી પહોંચી છે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.
બનાસકાંઠામાં પણ મેઘ મહેર
બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો છે. જેના પગલે ડીસાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે. ગુલબાની નગરમાં ભારે વરસાદથી દુકાનની દીવાલ ધરાશાયી થઈ છે.
સાબરકાંઠામાં જળબંબાકાર જેવી સ્થિતી
સાબરકાંઠા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયાં છે. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 8 પર પાણી ભારયા છે. હિમતનગરના મોતીપુરા, જીન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં છે. વરસાદી પાણી ભરાતા હોસ્પિટલોમાં જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હિંમતનગર અને ઇડર હાઇવે પરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે
અમદાવાદમાં વરસાદી પાણી ભરાયા
અમદાવાદ શહેરમાં ગત રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે. શહેરના અસારવા, પ્રગતીનગર, સેટેલાઈટ તથા AEC જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી છે.
વૃક્ષ ધરાશાયી થતાં વાહનોની લાઇન લાગી
મોરવાહડફમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધારે વરસાદ પડતા મોરવાહડફ અને સંતરોડને જોડતા માર્ગ પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં અનેક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો છે. વૃક્ષો ધરાશાયી થતાં 1 કિમી જેટલી વાહનોની લાઇન લાગી છે. ડાંગરીયા પાસે ધરાશાયી વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.