બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સિંહ હુમલામાં બાળકે ગુમાવ્યો હતો જીવ, અર્જુન મોઢવાડિયા ચતુરી ગામની મુલાકાતે, પીડિત પરિવારને મળ્યા
Last Updated: 01:55 PM, 26 June 2026
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાં સિંહના હુમલામાં માસૂમ જીયાનના દુઃખદ મોત બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાને પગલે આજે રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા ચતુરી ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય જે.વી. કાકડીયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ ઉપસ્થિત રહ્યા હતા. વનમંત્રીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી અને પીડિત પરિવારને મળી તેમને સાંત્વના પાઠવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચતુરી ગામમાં આજે બજારો અને ગામનો માહોલ દુઃખ અને રોષથી ભરેલો જોવા મળ્યો હતો. જ્યાં માસૂમ જીયાન પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો તે સ્થળની વનમંત્રીએ જાતે મુલાકાત લીધી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા અને વનમંત્રી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
ગ્રામજનોએ વનમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને રેવન્યુ વિસ્તારમાં સતત ફરી રહેલા સિંહો અને દીપડાઓને તાત્કાલિક જંગલ વિસ્તારમાં ખસેડવા માટે વિશેષ અભિયાન ચલાવવાની માંગ કરી હતી. લોકોનું કહેવું હતું કે જંગલી પ્રાણીઓ ગામડાં અને ખેતરો સુધી પહોંચી રહ્યા હોવાથી સામાન્ય લોકોમાં સતત ભયનો માહોલ છે. સાથે જ વન વિભાગની કામગીરી સામે પણ ગ્રામજનોએ ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ADVERTISEMENT
માલધારીઓએ પણ વનમંત્રી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી. તેમણે માંગ કરી કે ગીર જંગલની અંદર પશુઓને ચરાવવા માટે ફરીથી મંજૂરી આપવામાં આવે. ઉપરાંત ખેતર અને વગડામાં જતાં ખેડૂતો તથા માલધારીઓને પોતાની સુરક્ષા માટે લાકડી, કુહાડી જેવા સાધનો સાથે રાખવાની છૂટ આપવામાં આવે જેથી જંગલી પ્રાણીઓના હુમલા સમયે તેઓ પોતાનો બચાવ કરી શકે.
ADVERTISEMENT
ગ્રામજનોની રજૂઆત સાંભળ્યા બાદ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વીકાર્યું કે સામાન્ય રીતે સિંહ માનવ પર હુમલો કરતો નથી. તેથી ચતુરી ગામમાં બનેલી આ ઘટના અસ્વાભાવિક અને ગંભીર છે. તેમણે જણાવ્યું કે સિંહોના બદલાતા વર્તન અને હુમલાના કારણો અંગે ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના નક્કર પગલાં લેવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ચોમાસું ખેંચાતા મુશ્કેલી વધશે, નર્મદા ડેમની જળ સપાટી ઘટી
વનમંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકાર માટે લોકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. જનતાની પીડા સરકારની પોતાની પીડા છે અને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે. સાથે જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવશે જેથી માનવ અને વન્યજીવન વચ્ચેનો સંઘર્ષ ઓછો કરી શકાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.