Iranian celebrities and wealthy people use ambulances illegally to beat traffic
સમસ્યા /
અહીં અમીર લોકો વાળ કપાવવા જવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરે છે, કારણ ચોંકાવનારું
Team VTV11:41 AM, 26 Aug 19
| Updated: 05:59 PM, 26 Aug 19
ઈરાનની રાજધાની તેહરાનમાં મોટાભાગે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. અહીં 10 મિનિટ દૂર સુધી જવા માટે લગભગ એક કલાકથી પણ વધારે સમય લાગે છે. સેલિબ્રિટી અને અમીર લોકોએ આ માટે નવો રસ્તો અજમાવ્યો છે. તેઓ એમ્બ્યુલન્સને ટેક્સીની જેમ ઉપયોગમાં લઈ રહ્યા છે. મેડિકલ સેવાનો આ ચોંકાવનારો કિસ્સો તેહરાનમાં જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ શહેરની આબાદી 1 કરોડ 40 લાખની છે. શહેરમાં અનિયંત્રિત કન્સ્ટ્રક્શન અને સાથે વિકાસને કારણે ભારે ટ્રાફિક જામ થવા લાગ્યો છે. મીડિયા રિપોર્ટમાં તેને ટ્રાફિક જામ માટે દુનિયાનું સૌથી ખરાબ શહેર ગણવામાં આવે છે. આખો દિવસ લોકો અહીં મુશ્કેલીનો સામનો કરે છે. પરંતુ અમીર લોકો તેનાથી બચવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહ્યા છે.
હાલમાં જ નાઝી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસને ફોન કરીને એક ફેમસ ફુટબોલરે એમ્બ્યુલન્સ માંગી હતી. જો કે તેણે જણાવી દીધું હતું કે તેના ઘરમાં કોઈ બિમાર નથી. તે એમ્બ્યુલન્સને ટેક્સીની જેમ ઉપયોગ કરવા ઈચ્છે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, નાઝી પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસના મહમૂદ રહિમીએ જણાવ્યું કે એક્ટર, એથલીટ અને અમીર લોકો આ રીતે ફોન કરીને બુકિંગ કરાવે છે.
તેહરાનના પ્રાઈવેટ એમ્બ્યુલન્સ સર્વિસના પ્રમુખ મોજતાબા લહારસેબીએ કહ્યું કે આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે. તે હવે ફક્ત સેલિબ્રિટી સુધી સીમિત નથી. અનેક વાર પ્રાઈવેટ ટ્યૂશન ટીચર પણ એમ્બ્યુલન્સને ટેક્સીની જેમ વાપરી રહ્યા છે. જેથી તેઓ સમયસર ક્લાસમાં પહોંચી શકે.
રિપોર્ટના અનુસાર તેહરાનના પ્રોસેક્યૂટર જનરલે કરેલા આદેશ અનુસાર હવેથી એમ્બ્યુલન્સનો દુરઉપયોગ કરનારને પકડવામાં આવશે. સાથે જ જે એમ્બ્યુલન્સ કંપનીઓ આ પ્રકારની સેવાઓ આપશે તેની પર પણ કાર્યવાહી કરવામાં આવશે.