બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / If we do not protect nature, nature will not protect us

મહામંથન / ઋતુચક્રમાં ફેરફાર, છેલ્લા દાયકાઓમાં સૌથી ટૂંકો ઉનાળો પર્યાવરણીય દ્રષ્ટિએ કેટલો ગંભીર?

Dinesh

Last Updated: 09:48 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં કમોસમી વરસાદથી કેટલાય પાકને નુકસાન થયું છે, દેશમાં ચોમાસાની પેટર્ન બદલાવાની ચેતવણી તો વારંવાર ઉચ્ચારવામાં જ આવે છે એટલે હવે ખેડૂતોએ પણ પાકની પેટર્ન અંગે નવેસરથી વિચારવું રહ્યું

  • રાજ્યના મહાનગરો ગરમીમાં શેકાઈ રહ્યા છે
  • ઉનાળો આકરો પણ છે અને ટૂંકો પણ છે
  • કૃષિ અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું


આપણે વર્ષોથી સાંભળીએ છીએ કે જો આપણે પ્રકૃતિનું જતન નહીં કરીએ તો પ્રકૃતિ આપણું જતન નહીં કરે. જો કે, કેટલાક ઉપયોગી વાક્યો માત્ર વાક્યમાં ઉપયોગ કરવા પૂરતા જ મર્યાદીત રહી ગયા છે. જો ઋતુચક્ર ફરે તો અર્થકારણ અને સમાજકારણને કેવી માઠી અસર પહોંચે તે કહેવાની જરૂર નથી. ઋતુચક્રના ફેરફારથી કેટલીય જીવસૃષ્ટિ પૃથ્વી ઉપરથી નામશેષ થઈ ચુકી છે. તાજેતરનો ઉનાળો જ જોઈએ તો કદાચ દાયકાઓમાં સૌથી ટૂંકો ઉનાળો આ વર્ષે જોવા મળ્યો. ઉનાળામાં કમોસમી વરસાદથી કેટલાય પાકને નુકસાન થયું. દેશમાં ચોમાસાની પેટર્ન બદલાવાની ચેતવણી તો વારંવાર ઉચ્ચારવામાં જ આવે છે એટલે હવે ખેડૂતોએ પણ પાકની પેટર્ન અંગે નવેસરથી વિચારવું રહ્યું. કેટલીક આફત એવી હોય છે કે એ દબાતા પગલે આવે છે અને જયારે તેનો પગપેસારો માણસજાતની વચ્ચે થઈ જાય છે ત્યારે તેને સમજવામાં બહુ મોડુ થઈ ગયું હોય છે. કેટલાય પર્યાવરણવિદો, વૈજ્ઞાનિક અભ્યાસુઓ પૃથ્વીના બદલાતા વાતાવરણને લઈને બૂમાબૂમ કરે છે પણ તેની બૂમાબૂમ મોટેભાગે બહેરા કાને અથડાય એવો ઘાટ સર્જાય છે. એક અંદાજ મુજબ રાજ્યના મહાનગરો પણ ગરમીથે શેકાઈ રહ્યા છે જેની પાછળ પેવર બ્લોક, વોલ ટુ વોલ રોડ, RCC રોડ જેવા વિકાસના માપદંડ જ જવાબદાર ગણવામાં આવ્યા છે. સવાલ એ છે કે નંદનવન જેવી પૃથ્વીના જતનની જવાબદારી સામૂહિક કેમ નથી બનતી?, ગ્લોબલ વોર્મિંગની ઘાતક અસરોથી બચવા માટે કોઈ રોડમેપ છે કે નહીં.

હીટસ્ટ્રોકના કેસમાં વધારો
રાજ્યના મહાનગરો ગરમીમાં શેકાઈ રહ્યા છે અને ઉનાળો આકરો પણ અને ટૂંકો પણ છે, છેલ્લા દાયકાનો સૌથી ટૂંકો ઉનાળો આ વર્ષે જોવા મળ્યો છે. ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદનું પ્રમાણ પણ વધ્યું છે તેમજ કૃષિ અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું તેમજ રાજ્યમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે જ્યારે એકંદરે ગરમ અને સૂકું હવામાન જોવા મળે છે. ચોમાસુ પણ એકંદરે સામાન્ય રહેવાનું અનુમાન છે તો ઋતુચક્રમાં ફેરફારથી અર્થકારણ, સમાજકારણને અસર પહોંચે છે.

ગરમીમાં શહેરો કેમ શેકાઈ રહ્યા છે?
શહેરોમાં ખુલ્લી જમીનનું પ્રમાણ ઘટ્યું તેમજ વોલ ટુ વોલ રોડ તેમજ પેવર બ્લોકનું વધતું પ્રમાણ છે. વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી અને વાયુ પ્રદૂષણનો નોંધપાત્ર વધારો થયો છે. RCC રોડથી વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી અને નાના-મોટા અનેક તળાવ પુરાઈ ગયા છે જ્યારે ખાનગી સોસાયટીઓમાં હવે ખુલ્લી જમીન રહી નથી. 

ભારતમાં ચોમાસાની પેટર્ન બદલાઈ?
હવામાન વિભાગે ચોમાસાની બદલાતી પેટર્ન અંગે ચેતવણી આપી હતી તેમજ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડ્યો છે અને સામાન્ય રીતે ભારતમાં ચોમાસાનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર હોય છે જ્યારે ઓક્ટોબરમાં અતિશય વરસાદ ચોમાસાની બદલાતી પેટર્નનો સંકેત આપે છે. હવામાન વિભાગની ચિંતા હતી કે આગામી વર્ષોમાં આ પેટર્નની આદત પાડવી પડશે જ્યારે મહાસાગરો વધુ ગરમ થઈ રહ્યા છે જેથી ચોમાસુ લંબાઈ રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગથી ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ મહાસાગરો ગરમ રહે છે અને દરિયાનું તાપમાન વધે એટલે વરસાદી પવનોનું નિર્માણ થાય છે

હવામાનમાં ફેરફાર, અર્થતંત્ર ઉપર અસર
ખેતીનો મોટો હિસ્સો ચોમાસા ઉપર નિર્ભર તેથી પાકની પસંદગી બદલવાની ફરજ પડી શકે છે. કૃષિ પાકની વાવણીનો સમય બદલવાની ફરજ પડે છે અને કૃષિ પાકને નુકસાન જાય તો ફૂડ સપ્લાય ચેન ખોરવાઈ શકે છે. અતિવૃષ્ટિ થાય તો પૂરને કારણે જાન-માલનું વ્યાપક નુકસાન થાય છે અને જળાશય, ડેમના પાણીના મેનેજમેન્ટ ઉપર અસર થાય છે. પાણી અને વીજળીનું ઉત્પાદન ચોમાસા સાથે જોડાયેલું છે અને કૃષિ સાથે જોડાયેલા પૂરક ઉદ્યોગ ડેરી, પશુપાલનને અસર પડશે

ગરમીનું વધતું પ્રમાણ, કેવી પડશે અસર?
છેલ્લા કેટલાક વર્ષોમાં પૃથ્વીનું ઉષ્ણાતામાન વધ્યું છે અને ગરમીના વધતા પ્રમાણથી આહારશ્રૃંખલા ખોરવાશે તેમજ કૃષિ વિકાસ મંદ પડશે એટલે અર્થતંત્રને સીધી અસર થશે તેમજ ગરમી વધવાથી મહાસાગરોનું જળસ્તર વધી શકે છે. દરિયાઈ સપાટી વધશે એટલે જમીનનું પ્રમાણ ઓછું થશે અને જમીનનું પ્રમાણ ઘટે એટલે સ્થળાંતર અને વસવાટની સમસ્યા સર્જાશે. ગરમી અને ભેજનું પ્રમાણ વધવાથી રોગનું પ્રમાણ વધશે અને ગ્લોબલ વોર્મિંગની મનોવૈજ્ઞાનિક અસર પણ ઘાતક બનશે. અનાવૃષ્ટિથી જંગલો લગભગ નામશેષ થશે અને દાવાનળથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધશે. વૃક્ષોના માધ્યમથી મળતો ઓક્સિજન ઘટશે.

ગરમીને લઈને આ સરવે ચોંકાવનારો
અમદાવાદમાં 2017 થી 2019 સુધીનો સરવે કરવામાં આવ્યો છે જેમાં બે હોસ્પિટલના 3 હજાર 256 દર્દીનું એનાલીસીસ કરવામાં આવ્યું અને તાપમાન અને ભેજ વધતા હૃદયરોગના હુમલા વધ્યાનું તારણ સામે આવ્યું છે. IOAPIC નામના સ્ટડીમાં ખુલાસા સામે આવ્યા છે. ગરમી અને ભેજને લીધે અમદાવાદમાં હૃદયરોગના હુમલા વધ્યા જ્યારે હાર્ટ અટેકના કુલ કેસમાંથી 34% કેસ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નોંધાયા છે.  તાપમાન અને ભેજ વધતા હૃદયરોગના હુમલાના કેસ વધ્યા હતા અને  80% કેસ એવા હતા જેમાં લોહી પહોંચાડતી એકથી વધુ ધમનીઓમાં વિક્ષેપ ઉભો થયો તેમજ તબીબોએ તારણ કાઢતા કહ્યું શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ