બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 50 એકસ્ટ્રા બસો મૂકાતા કૃષ્ણભક્તો માટે ST બની આશીર્વાદ સમાન, એક્સપ્રેસમાં સીટ મેળવવી પણ મુશ્કેલ"
Last Updated: 10:34 AM, 15 August 2025
જન્માષ્ટમીના પાવન તહેવારને લઈ સમગ્ર રાજ્યમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો માટે દ્વારકા, સોમનાથ અને ઘેલા સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે આ તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. ત્યારે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલાતા આસમાની ભાડા વચ્ચે રાજ્ય પરિવહન નિગમ (GSRTC) દ્વારા દોડાવવામાં આવતી એસટી બસો મુસાફરો માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
ADVERTISEMENT

રાજકોટ એસટી ડિવિઝનના અધિકારીઓએ જણાવ્યું કે હાલ દૈનિક ચલાવાતી 513 બસો ઉપરાંત તહેવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એક્સ્ટ્રા 50 બસો દોડાવાઈ રહી છે. તેથી કુલ 563 જેટલી બસો દૈનિક રાજ્યના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને લઈ જઈ રહી છે. ખાસ કરીને દ્વારકા, સોમનાથ, ઘેલા સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદ જેવા રૂટ પર એકસ્ટ્રા બસો મુકાઈ રહી છે, જેથી ધાર્મિક યાત્રાળુઓને અનુકૂળ સેવા મળી રહે.
ADVERTISEMENT

દૈનિક 25,000થી વધુ મુસાફરો દ્વારકા અને સોમનાથ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે એસટી બસોમાં મુસાફરી કરે છે. શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીના દિવસે આ સંખ્યા વધુ વધી જાય છે. તાજેતરમાં જ રક્ષાબંધનના તહેવાર દરમિયાન રાજકોટ એસટી ડિવિઝને આશ્ચર્યજનક આવક નોંધાવી છે. માત્ર એક જ દિવસમાં રૂ. 93 લાખની આવક સાથે તહેવાર દરમિયાન કુલ રૂ. 2.50 કરોડથી વધુની આવક મળી છે. જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની ભીડ એટલી વધી છે કે, એસટીની વોલ્વો બસોમાં અઠવાડિયાનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT

જ્યારે એક્સપ્રેસ બસોમાં પણ એડવાન્સ બુકિંગ વિના સીધું બેસવું મુશ્કેલ બની રહ્યું છે. આવાંમાં, જે મુસાફરો સમયસર ટિકિટ બુક નહીં કરી શકે તેવા મુસાફરોને ખાનગી બસોમાં આસમાની ભાડા ચૂકવવા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે, રાજકોટથી અમદાવાદ માટે એસટીની વોલ્વો બસનું ભાડું રૂ. 565 છે, જ્યારે ખાનગી બસ ઓપરેટરો રૂ. 750થી પણ વધુ વસૂલતા હોવાનું જણાઈ રહ્યું છે.
ADVERTISEMENT

GSRTC દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે www.gsrtc.in તેમજ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ સુવિધા આપવામાં આવી છે. મુસાફરો 60 દિવસ પહેલાં બુકિંગ કરી શકે છે. તહેવારના સમયે આવી સુવિધા ખાસ ઉપયોગી બની રહી છે. રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું કે હાલ 9 ડેપોથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે અને મુસાફરોના ધસારાને જોતા જો જરૂર પડે તો વધુ બસો પણ મુકવામાં આવશે.
ADVERTISEMENT
વધુમાં વાંચો: ઇસ્કોન મંદિરમાં કામ કરતા યુવકે એસિડ પીને જીવન ટૂંકાવ્યું,કારણ જાણીને ચોંકી જશો
હાલની આવક રૂ. 70 લાખ દૈનિક સુધી પહોંચી ગઈ છે. મોટી વાત એ છે કે ભલે તહેવાર હોય તો પણ એસટી દ્વારા એક્સ્ટ્રા બસોનું ભાડું થોડું વધારવામાં આવ્યું હોય, છતાં તે ખાનગી ટ્રાવેલ્સની તુલનાએ ઘણું ઓછું છે. આમ, સરકારની એસટી બસો તહેવારોમાં સામાન્ય જનતા માટે એક મહત્ત્વપૂર્ણ અને વિશ્વસનીય સહારો બની છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.