બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 100થી વધુ તાલુકામાં વરસાદ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 08:09 AM, 27 July 2026
1/7
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડ્યા બાદ આજે વરસાદનું જોર થોડું ઘટ્યું છે. તેમ છતાં આજે રાજ્યના 100થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં સાડા ત્રણ ઈંચ નોંધાયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ફરી એક વખત રાજ્યમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે.
2/7
હવામાન વિભાગે 27 જુલાઈ માટે વાવ-થરાદ, પાટણ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર બનવાની સંભાવના છે. તેના પ્રભાવથી 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3/7
રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પણ નોંધપાત્ર રહ્યા છે. ઝોન મુજબ સૌથી વધુ 77.42 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.22 ટકા, સૌરાષ્ટ્રમાં 43.50 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.53 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 18.89 ટકા વરસાદ નોંધાયો છે. 26 જુલાઈ સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં કુલ 12 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં સામાન્ય કરતાં 45 ટકા વધુ વરસાદ નોંધાતા ચોમાસું વધુ સક્રિય રહ્યું છે.
4/7
બીજી તરફ ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા કેટલાક દિવસથી બંધ રહેલો રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે 24 જુલાઈના બપોરે 1.30 વાગ્યે બાવળા નજીક પૂરની સ્થિતિ સર્જાતા નેશનલ હાઈવે બંધ કરી વાહનવ્યવહાર ધોળકા એક્સપ્રેસ-વે તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો. લગભગ 50 કલાક બાદ આજે ફરી હાઈવે પર વાહનવ્યવહાર સામાન્ય રીતે શરૂ થતાં મુસાફરોને મોટી રાહત મળી છે.
5/7
અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બોડકદેવ, શ્યામલ, શિવરંજની, વાસણા, આંબાવાડી, વસ્ત્રાપુર, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, પાલડી, આંબલી, બોપલ, પ્રહલાદનગર, સરખેજ, જુહાપુરા, શાહપુર, વાડજ, રાણીપ, નરોડા, નારોલ અને મક્તમપુરા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પણ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વટવા, જશોદાનગર, એસપી રીંગ રોડ, મણિનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે શરૂ થયેલો ધીમો વરસાદ બાદમાં ભારે વરસાદમાં પરિવર્તિત થયો હતો.
6/7
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં હજુ પણ ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ યથાવત છે. મીઠાપુર, સરલા અને કોઠી ગામ સહિતના વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. સરલા ગામના લોકો રાહત કામગીરીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે કોઠા તલાવડી ગામ તરફ હજુ પણ વાહનો પહોંચી શકતા નથી.
7/7
બાવળાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે કાળી વેજી ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામ તેમજ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. હાલમાં અનેક ગામોમાં માત્ર ટ્રેક્ટર દ્વારા જ અવરજવર શક્ય બની છે. કાળી વેજી ગામમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ગામોમાં સતત સંપર્ક કરી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને ગ્રામજનોએ તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ