ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચૂંટણી પહેલાં લેઉવા પટેલ સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ગરમાયો, ઝેન-જી યુવકો મેદાને, બેઠકોના ગણિત સાથે આગેવાનો સક્રિય!
Last Updated: 12:00 PM, 15 November 2026
ADVERTISEMENT
ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજનું હંમેશાં નિર્ણાયક સ્થાન રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર અને સુરતમાં વસતા લેઉવા પટેલ સમાજના રાજકીય પ્રતિનિધિત્વને લઈને ચર્ચા અને અસંતોષ વધી રહ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. એક સમયે લેઉવા પાટીદાર આગેવાનોનું મજબૂત વર્ચસ્વ ધરાવતી અનેક બેઠકો પર આજે સમાજનું પ્રતિનિધિત્વ ઘટ્યું હોવાની લાગણી સમાજના કેટલાક વર્ગોમાં જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સમાજના યુવાનો અને રાજકીય વર્તુળોમાં હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું ભાજપમાં લેઉવા પટેલ નેતૃત્વને ધીમે ધીમે રાજકીય રીતે મર્યાદિત કરવામાં આવી રહ્યું છે? શું ટિકિટ ફાળવણી અને સંગઠનની જવાબદારીઓમાં સમાજના આગેવાનોને પૂરતું સ્થાન મળી રહ્યું નથી? જોકે, લેઉવા પટેલ સમાજને રાજકીય રીતે હાંસિયામાં ધકેલવા માટે કોઈ સુવ્યવસ્થિત આયોજન ચાલી રહ્યું હોવાના આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
જૂનાગઢથી રાજકોટ સુધી ઘટતું પ્રતિનિધિત્વ ચર્ચાના કેન્દ્રમાં
ADVERTISEMENT
જૂનાગઢ લોકસભા બેઠક એક સમયે લેઉવા પાટીદાર આગેવાનોના રાજકીય પ્રભાવ માટે જાણીતી રહી છે. નાનજીભાઈ વેકરિયા, ગોવિંદભાઈ શેખડા અને ભાવનાબેન ચિખલીયા જેવા નેતાઓએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂનાગઢ વિધાનસભા બેઠક પર ગોરધનભાઈ વસોયા ધારાસભ્ય રહી ચૂક્યા છે. જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં લેઉવા પાટીદારોની નોંધપાત્ર વસ્તી હોવા છતાં વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં સમાજને અપેક્ષિત પ્રતિનિધિત્વ મળતું નથી તેવી ફરિયાદો થઈ રહી છે.
મેંદરડા-માળિયા બેઠક પર અગાઉ એલ.ટી. રાજાણી જેવા લેઉવા પાટીદાર આગેવાનોનું પ્રતિનિધિત્વ રહ્યું હતું. હવે આ બેઠક પર પણ સમાજની રાજકીય પકડ અગાઉ જેવી રહી નથી તેવી ચર્ચા છે.
ADVERTISEMENT
રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો ભૂતકાળમાં રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, શિવલાલ વેકરિયા અને વલ્લભભાઈ કથીરિયા જેવા નેતાઓ સાંસદ રહી ચૂક્યા છે. જોકે, વર્તમાન સમયમાં આ બેઠક પર કડવા પાટીદાર નેતૃત્વ હોવાને કારણે લેઉવા પાટીદાર સમાજના રાજકીય વર્તુળોમાં પ્રતિનિધિત્વ અંગે ચર્ચા ઊભી થઈ છે. બીજી તરફ રાજકોટની વિધાનસભા બેઠક પર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની ટિકિટ કપાઈ હોવાનો મુદ્દો પણ સમાજના કેટલાક વર્ગોમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
જામનગર અને ગોંડલમાં પણ રાજકીય સમીકરણો બદલાયાં?
ADVERTISEMENT
જામનગર લોકસભા બેઠક પરથી ચંદ્રેશ પટેલ જેવા આગેવાનોનું પ્રતિનિધિત્વ ભૂતકાળમાં રહ્યું હતું. જોકે, વર્તમાન રાજકીય સમીકરણોમાં લેઉવા પાટીદાર નેતૃત્વનું પ્રમાણ ઘટ્યું હોવાની ચર્ચા સમાજમાં થઈ રહી છે.
ગોંડલ વિધાનસભા બેઠક પણ લેઉવા પટેલ સમાજની રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ બેઠક ગણાય છે. વિસાવદર બાદ લેઉવા પટેલોની મોટી વસ્તી ધરાવતી બેઠકોમાં ગોંડલનો ઉલ્લેખ થાય છે. અગાઉ ચંદુભાઈ વઘાસિયા જેવા આગેવાનો અહીંથી સમાજનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેમ છતાં બદલાતી રાજકીય ગોઠવણો વચ્ચે ગોંડલમાં પણ સમાજના રાજકીય પ્રભાવ અંગે સવાલો ઊઠી રહ્યા છે.
ADVERTISEMENT
સુરતની સંસ્થાઓ અને આગેવાનોની ભૂમિકા સામે સવાલ
લેઉવા પટેલ સમાજની મોટી વસ્તી ધરાવતા સુરતમાં પણ આ મુદ્દો ધીમે ધીમે ચર્ચાનો વિષય બની રહ્યો છે. હીરા ઉદ્યોગ, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવતા સમાજના આગેવાનો રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે સક્રિય ભૂમિકા ભજવે તેવી યુવા પેઢીની અપેક્ષા છે.
ADVERTISEMENT
સમાજના કેટલાક યુવાનોમાં એવી લાગણી છે કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે મજબૂત સ્થાન ધરાવતા સમાજને રાજકીય ક્ષેત્રે પણ પ્રમાણસર ભાગીદારી મળવી જોઈએ. આ મુદ્દે સામાજિક સંસ્થાઓના આગેવાનોનું મૌન કેમ છે તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.
ઝેનઝી પેઢી હવે રાજકીય હિસાબ માગવાના મૂડમાં?
આ સમગ્ર વિવાદમાં સૌથી મહત્ત્વનું પાસું નવી પેઢીનું વલણ છે. સુરત અને સૌરાષ્ટ્રના યુવાનો હવે માત્ર સામાજિક કાર્યક્રમો પૂરતા સીમિત રહેવાને બદલે રાજકીય પ્રતિનિધિત્વ, ટિકિટ ફાળવણી અને સંગઠનમાં ભાગીદારી જેવા મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરવા માગે છે.
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજના યુવાનો સંગઠિત થઈને પોતાની રાજકીય તાકાતનો અહેસાસ કરાવવાની દિશામાં આગળ વધી શકે છે તેવી ચર્ચા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર આંદોલન કે સંગઠનાત્મક નિર્ણયની જાહેરાત થઈ નથી.
ભાજપ માટે ચૂંટણી પહેલાં બની શકે છે પડકાર
ગુજરાતમાં પાટીદાર સમાજનું રાજકીય મહત્ત્વ જોતાં લેઉવા પટેલ સમાજમાં ઊભી થતી આવી ચર્ચાઓને ભાજપ અવગણી શકે તેમ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રની અનેક બેઠકો પર સમાજની વસ્તી અને મતદારોની સંખ્યા ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.
સમાજની મુખ્ય માગ માત્ર વ્યક્તિગત નેતાઓને ટિકિટ આપવાની નથી, પરંતુ રાજકીય સંગઠન, સત્તા અને નિર્ણય પ્રક્રિયામાં યોગ્ય ભાગીદારી મળે તે પણ છે. જો આ અસંતોષને સમયસર સમજવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં તેની રાજકીય અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ રાધનપુરની ચૂંટણીનો ઉલ્લેખ કરી અલ્પેશ ઠાકોરે કહ્યું, હું અહીં ચૂંટણી લડવા નથી આવતો, સમાજના આગેવાનો એક છે
હવે સૌથી મોટો સવાલ એ છે કે લેઉવા પટેલ સમાજના રાજકીય પ્રતિનિધિત્વ અંગે ઊઠતા સવાલોનો ભાજપના નેતૃત્વ દ્વારા શું જવાબ આપવામાં આવશે? શું સમાજના આગેવાનોને ફરી રાજકીય રીતે મજબૂત સ્થાન મળશે કે પછી યુવા પેઢી આગામી ચૂંટણીમાં પોતાની નારાજગી મતપેટી સુધી પહોંચાડશે? સૌરાષ્ટ્રથી સુરત સુધી આ મુદ્દે આગામી દિવસોમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બને તેવી શક્યતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.