બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીલીયામાં શેત્રુંજી નદીના પૂરે મચાવ્યો કહેર: જૂનાસાવરની જમીન પાણીમાં ગરકાવ, ઉભો પાક તણાયો; ખેડૂતોને લાખોનું નુકસાન
Last Updated: 09:56 AM, 4 August 2026
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગામડાઓમાં શેત્રુંજી નદીમાં આવેલા પૂરે ભારે વિનાશ સર્જ્યો છે. તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદીમાં આવેલા પૂરના પાણી ગામડાઓ સુધી ફરી વળ્યા હતા, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જૂનાસાવર ગામમાં ગ્રામરક્ષક પાળો મજબૂત ન હોવાના કારણે પૂરના પાણી સીધા ખેતીની જમીનમાં ઘૂસી ગયા હતા. પરિણામે હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ અને ઉભા પાકનો સંપૂર્ણ નાશ થયો છે.
ADVERTISEMENT

ખેડૂતોના જણાવ્યા મુજબ જૂનાસાવર ગામની કુલ અંદાજે 16 હજાર વીઘા ખેતીની જમીનમાંથી લગભગ 10 હજાર વીઘા જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. ખેતરોમાં ઉભેલો પાક સંપૂર્ણપણે પાણીમાં તણાઈ ગયો છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માત્ર પાક જ નહીં પરંતુ ખેતરોની જમીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. પૂરના ધસમસતા પ્રવાહને કારણે અનેક ખેતરોમાં 3થી 4 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે આગામી ખેતી માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે.
ADVERTISEMENT

પૂરના કારણે થયેલા નુકસાનથી ખેડૂતોને લાખો રૂપિયાનો ફટકો પડ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર એક વીઘા દીઠ અંદાજે રૂ. 2,500 જેટલો ખર્ચ પાણીમાં ગયો છે. હજારો વીઘા જમીનમાં થયેલા નુકસાનને કારણે સમગ્ર વિસ્તારમાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. હાલ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી નુકસાનનું સંપૂર્ણ મૂલ્યાંકન પણ શક્ય બન્યું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ નુકસાન ખૂબ મોટું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 1988થી શેત્રુંજી નદી પર ગ્રામરક્ષક પાળો મજબૂત બનાવવાની સતત માંગ કરવામાં આવી રહી છે. અનેક વખત રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. દર વર્ષે વરસાદી મોસમમાં નદીમાં પૂર આવતાં ખેડૂતોને આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે જો સમયસર મજબૂત પાળો બનાવવામાં આવ્યો હોત તો આજે આટલું મોટું નુકસાન ટાળી શકાય તેમ હતું.
ADVERTISEMENT
દર વર્ષે પૂરના કારણે જગતનો તાત લાચાર બનતો હોવા છતાં ખેડૂતોની સમસ્યાઓ યથાવત રહી છે. આ વર્ષે પણ હજારો વીઘા જમીનમાં ઉભો પાક નાશ પામતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ ખરાબ બની છે. ખેતી ઉપરાંત જમીનની ફળદ્રુપતા અને માળખાને પણ નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પડેલા ઊંડા ખાડા ભરવા માટે પણ ખેડૂતોને વધારાનો ખર્ચ કરવો પડશે, જેના કારણે નુકસાનનો બોજો વધુ વધી ગયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ગઢડાના SP સ્વામી સહિત દેશભરના સંતો રહેશે ઉપસ્થિત, 7થી 14 ઓગસ્ટ સુધી આયોજન
હાલ ખેડૂતો તાત્કાલિક નુકસાનનો સર્વે કરવાની, યોગ્ય વળતર ચૂકવવાની અને શેત્રુંજી નદી પર ગ્રામરક્ષક પાળો મજબૂત બનાવવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં લાવવામાં આવે તો દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાતી રહેશે. તેથી સરકાર અને તંત્ર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરે અને ખેડૂતોને આર્થિક સહાય સાથે ભવિષ્યમાં આવી આપત્તિ ન સર્જાય તે માટે નદીનો મજબૂત પાળો બનાવે તેવી માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.