બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

રથયાત્રા 2025 / ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIVE : ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બની છે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાયા છે.

Rath Yatra : ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાશે.

ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદની 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ, ત્રણેય રથ નીજ મંદિર પહોંચ્યા

June 27, 2025 21:54

ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા

June 27, 2025 21:23

ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા છે. મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે.

ત્રણેય રથ માણેક ચોકથી પસાર થયા

June 27, 2025 21:19

પ્રથમ રથ માણેકચોક પહોચ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે એક કલાક મોડી ચાલી રહી છે રથયાત્રા. નિશાન ડંકા મંદિરે પરત ફર્યા છે.

રથયાત્રા દરમિયાન 108 એમ્બ્યુલન્સ દ્વારા કુલ 35 લોકોને સારવાર અપાઈ

June 27, 2025 20:47

આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. રથયાત્રા દરમિયાન ખાડીયા ચાર રસ્તા પાસે 17માંથી એક હાથી બેકાબૂ બન્યો હતો જેના કારણે લોકોમાં નાસભાગ મચી હતી. જેમાં ઘણા લોકો ઘાયલ થાય આ સિવાય રથયાત્રા દરમિયાન પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા વગેરે જેવા પણ કેસોથી કુલ 35 લોકોને 108 ઈમરજન્સીને મળ્યા હતા.

ધીકાંટા વિસ્તારમાં પહોંચ્યા રથ

June 27, 2025 20:29

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામના રથ કોટ વિસ્તારના ધીકાંટામાં પહોચ્યા છે. આ વર્ષે રથયાત્રાના દર્શન કરવા માટે  માનવ મહેરામણ ઉમટ્યુ છે. જેના કારણે રથયાત્રા તેના નિયત સમય કરતા મોડી દોડી રહી છે.

ટ્રક અને રથ નિજ મંદિર પહોંચ્યા

June 27, 2025 19:37

સરસપુરથી ભગવાનના ત્રણેય રથ નિર્ધારિત રૂટ પર નિજ મંદિર પરત ફરી રહ્યાં છે. રથની ઝડપ વધી છે. ટ્રક અને રથ નિજ મંદિર પહોંચ્યા છે. ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.

જગન્નાથ ભગવાનનો રથ તંબુ ચોકી

June 27, 2025 18:39

રથયાત્રા નિજ મંદિર તરફ પરત ફરી રહી છે, ત્યારે ભગવાનનો રથ પ્રેમ દરવાજા આગળ નીકળીને હવે જગન્નાથ ભગવાનનો રથ તંબુ ચોકી ખાતે પહોંચ્યો છે. 

ભગવાનના રથ કાલુુપુરથી નીજ મંદિર તરફ જવા રવાના

June 27, 2025 18:20

ભગવાન જગન્નાથના રથ હાલ કાલુપુરથી નીજ મંદિર તરફ જઈ રહ્યા છે. સવારે રથયાત્રા એક કલાક મોડી હતી. જોકે હાલ રથયાત્રા સમયસર છે. પોલીસ દ્વારા ટ્રાફીક રસ્તો ક્લીઅર કરીને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

રથયાત્રામાં અમી છાંટણા

June 27, 2025 18:02

ભગવાન જગન્નાથની રથયાત્રા શાહપુર તંબુ ચોકી પાસે પહોચી છે. મોસાળથી નીજ મંદિર જવા માટે રથયાત્રા રવાના થઈ રહી છે. ત્યારે આજે રથયાત્રાના ઘણા રૂટ પર વરસાદ પડ્યો હતો. જે સમયે વરસાદ પડ્યો તે સમયે ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

ભગવાનનો પ્રથમ રથ કાલુપુર પહોંચ્યો

June 27, 2025 17:11

ભગવાનનો પ્રથમ રથ કાલુપુર પહોંચ્યો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દરિયાપુર પહોંચ્યા હતા. તંબુ ચોકીની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ દિલ્હી ચકલા ચાલતા-ચાલતા ગયા હતા.

સરસપુરથી નિજમંદિર તરફ ગજરાજનું પ્રસ્થાન, પ્રેમ દરવાજા પહોંચ્યા

June 27, 2025 16:34

સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજના પ્રસ્થાન પછી, વારાફરતી ટ્ર્ક, અખાડા, ભજન મંડળી અને રથ નિજમંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે ગજરાજ શહેરના પ્રેમ દરવાજા સુધી પહોંચ્યા.

પ્રભુના દર્શન માત્રથી ભક્તની આંખો છલકાઈ

June 27, 2025 16:02

અમદાવાદની રથયાત્રામાં સર્જાયા ભાવવિભોર દ્રશ્યો, પ્રભુના દર્શન માત્રથી ભક્તની આંખો છલકાઈ

સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ

June 27, 2025 15:38

શહેરના સંવેદનશીન વિસ્તારમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સાથે જ AI બેઝ્ડ કેમેરા દ્વારા ભીડ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા સતત મોનીટરીંગ થઈ રહ્યું છે

સરસપુરથી ગજરાજનું પ્રસ્થાન

June 27, 2025 15:22

સરસપુરથી ગજરાજનું નિજમંદિર તરફ પ્રસ્થાન શરૂ થયું છે. ગજરાજના પ્રસ્થાન પછી, વારાફરતી ટ્ર્ક, અખાડા, ભજન મંડળી અને રથ પણ નિજમંદિર તરફ પ્રયાણ કરશે.

સરસપુરમાં કરાયું ભગવાનનું ભવ્ય મામેરું

June 27, 2025 14:57

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પછી ભારે ઉત્સાહ સાથે ત્રણેયનું મામેરું કરવામાં આવ્યું. મોસાળમાં ભગવાનના મામેરા માટે ભક્તોમાં આંખો ઉત્સાહ જોવા મળ્યો.

ભગવાન જગન્નાથનું મોસાળમાં સ્વાગત

June 27, 2025 14:37

ત્રણેય રથ મોસાળ સરસપુર પહોંચી ચુક્યા છે. મહંત દિલીપદાસજી પણ સરસપુર પહોંચી ગયા છે. ભગવાનનું ભક્તો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ભગવાનનું મામેરું રથ સુધી પહોંચ્યું.

રથયાત્રા પહોંચી સરસપુર

June 27, 2025 14:03

રથયાત્રા સરસપુર પહોંચી ચુકી છે. અહીં ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરું કરશે, ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવશે. અહીં ભગવાન થોડો સમય આરામ કરશે અને પછી રથયાત્રા પરત ફરશે.

કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડામાં ખામી

June 27, 2025 13:38

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પાસે ભગવાન બળભદ્રના રથના પૈડામાં ખામી આવી હતી. જોકે તાત્કાલિક અસરથી રથમાં નવુ પૈડુ નાખવામાં આવ્યું હતું. જે બાદમાં હાલ રથ ધીરે-ધીરે સરસપુર તરફ આગળ વધી રહ્યો છે.

બ્રિટિશ પાર્લામેન્ટમાં સાંસદે જગન્નાથ રથયાત્રાની શુભકામનાઓ પાઠવી

June 27, 2025 13:29

બ્રિટિશ પાર્લામેન્ટમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય અને હેરો ઇસ્ટના સાંસદ બોબ બ્લેકમેને હેરો ઇસ્ટ અને વિશ્વમાં નીકળેલી રથયાત્રાને લઈ શુભકામનાઓ પાઠવી હતી. તેઓ સૌને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ણ અને જય જગન્નાથ કહ્યું હતું.

LIVE : સરસપુર-રાયપુર અને કાલુપુરમાં વરસાદ શરૂ

June 27, 2025 12:49

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ દરમિયાન હવે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. રથયાત્રા હાલ સરસપુર પહોંચવા આવી છે ત્યારે કાલુપુર, સરસપુર અને રાયપુરમાં વરસાદ શરૂ થયો છે.

સરસપુરની પોળોમાં ભોજન વ્યવસ્થા

June 27, 2025 12:47

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ તરફ સરસપુરની 11 જેટલી પાળોમાં ભોજનનું આયોજન કરાયું છે. જૂની પંગત સિસ્ટમથી પ્રસાદ અપાય છે. નોંધનીય છે કે, 48 વર્ષ પહેલાં માત્ર 6 હજારનો ખર્ચ થતો હતો. જોકે આજ ની સ્થિતિએ 10થી 12 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

રાયપુરમાં થયા અમી છાંટણા

June 27, 2025 12:26

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ શુભ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ભગવાનના જગન્નાથના આગમન પહેલા રાયપુરમાં અમી છાંટણા થયા છે.

સરસપુરમાં રથયાત્રા વચ્ચે વરસાદના એંધાણ

June 27, 2025 12:12

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રથયાત્રા સરસપુર પહોંચે તે પહેલા અહીં વરસાદી માહોલ સર્જાયો છે. સરસપુરમાં વાદળો ઘેરાયા તો હવે વરસાદના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ વર્ષે એક કલાક મોડી ચાલી રહી છે રથયાત્રા

June 27, 2025 11:49

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના રથ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચી રહ્યા છે. હવે જો આપણે ગયા વર્ષના સમય મુજબ જોઈએ તો આ વર્ષે રથયાત્રા એક કલાક મોડી ચાલી રહી છે. સામાન્ય રીતે દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે રથ 10:30 થી 11:00 વાગ્યાની વચ્ચે પહોંચતા હોય છે.

સરસપુરમાં કરાયું છે ભંડારાનું આયોજન

June 27, 2025 11:41

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. આ તરફ જગન્નાથજીના મોસાળ એવા સરસપુરમાં ભાવિ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુરમાં મહાકાળી ધામના લોકો 25 વર્ષથી હજારો લોકોને નિસ્વાર્થ ભાવે રથયાત્રાના દિવસે જમાડે છે. વિગતો મુજબ આજે 15000થી પણ વધારે લોકો આજે પ્રસાદનો લ્હાવો લેશે.

સરસપુર તરફ જવા રવાના થયા હાથી અને ટ્રકો

June 27, 2025 11:36

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં હાલ હાથી અને ટ્રકો ભગવાનના મોસાળ સરસપુર તરફ જવા રવાના થયા છે.

અમદાવાદ રથયાત્રાનો ડ્રોન વીડિયો

June 27, 2025 11:33

અમદાવાદ રથયાત્રાનો આકાશી નજારો

રથયાત્રા પાંચ કૂવા પહોંચી, ભક્તોની ભારે ભીડ

June 27, 2025 11:31

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પહોંચી છે. અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

રથયાત્રા પર પોલીસની AI ડ્રોન કેમેરાથી નજર

June 27, 2025 11:28

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈટેક કંટ્રોલ રૂમમાંથી 48 સ્ક્રીન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. રથયાત્રામાં ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસ 25 AI આધારિત ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે.

રથયાત્રામાં મંજૂરી વિના ઉડતા ડ્રોનને તોડી પડાયું

June 27, 2025 11:24

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન શહેર પોલીસ સતર્ક છે. આજે રથયાત્રામાં મંજૂરી વિના ઉડતા ડ્રોનને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું છે. એન્ટી ડ્રોન કિલર ગનની બે કિલોમીટર સુધીની રેન્જ હોય છે. પોલીસ દ્વારા બિનઅધીકૃત ડ્રોન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અત્યાધુનિક ટેકનોલોજી થકી પોલીસની ચાંપતી નજર રાખી રહી છે.

CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ સ્થિતિની કરી સમીક્ષા

June 27, 2025 11:05

અમદાવાદમાં 148મી રથયાત્રા રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ તરફ 3 ગજરાજને શાંત સ્થળ પર સલામત રાખવામાં આવ્યા છે. એક વાત એવી પણ સામે આવી છે કે, વધુ અવાજના કારણે ગજરાજ બેકાબૂ બન્યા હતા. આ ઘટનાને લઈ ડોક્ટર અને વન વિભાગ દ્વારા ગજરાજને કંટ્રોલ કરવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સ્થિતિ પર સતત સમીક્ષા કરી રહ્યા છે

કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હાથી - પ્રેમ દરવાજાથી કાલુપુર અને કાલુપુર માર્કેટમાં જતો રસ્તો બંધ

June 27, 2025 11:03

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન હવે હાથી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા છે. આ તરફ પ્રેમ દરવાજાથી કાલુપુર અને કાલુપુર માર્કેટમાં જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ સાથે રથયાત્રામાં જોડાયેલ ટ્રકો પાંચકુવા ખાતે પહોંચી છે. આ તરફ અહીંયા એક એમ્બ્યુલન્સ ડાઇવર્ટ કરાઈ છે.

અમદાવાદ પોલીસે ટ્વિટ કરી શું કહ્યું ?

June 27, 2025 10:47

અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે, ખાડિયા વિસ્તારમાં ગજરાજ બેકાબૂ થતા રથયાત્રામાંથી બાકાત કરવામાં આવ્યા અને હાલ રથયાત્રા રાબેતા મુજબ યથાવત છે.

આગળ લોકો..પાછળ ગજરાજ- અફરાતફરીના CCTV

June 27, 2025 10:43

અમદાવાદ રથયાત્રામાં ખાડિયા ગોલ્ડવાડ પાસે ગજરાજ અચાનક દોડ્યા, લોકોના શ્વાસ અધ્ધર

ગજરાજ બેકાબૂ થતાં ભાગદોડની ઘટનામાં યુવકને ઈજા

June 27, 2025 10:40

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા ગોલ્ડવાડ પાસે ગજરાજ બેકાબૂ થતા ભાગદોડમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. પ્રાથમિક વિગતો મુજબ ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જોકે હજી સુધી આ વ્યક્તિનું નામ કે પછી અન્ય કોઈ ઇજાગ્રસ્ત છે કે કેમ તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

ગજરાજ બેકાબૂ થયાનો નવો વીડિયો સામે આવ્યો

June 27, 2025 10:37

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા ગોલ્ડવાડ પાસે ભડક્યા ગજરાજ, મેડિકલ ટીમે ઈંજેક્શન આપી શાંત કર્યા.

સરસપુરમાં પ્લેનક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બેનર

June 27, 2025 10:32

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન સરસપુર અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતા બેનર લાગ્યા છે.

ઢાળની પોળ પાસે રથયાત્રાના ટ્રકો આગળ વધ્યા

June 27, 2025 10:24

અમદાવાદમાં 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે ગજરાજ બેકાબૂ થતા ભક્તોમાં નાસભાગ મચી હતી. આ તરફ ગજરાજે સંતુલન ગુમાવતા ઢાળની પોળ પાસે રથયાત્રાના ટ્રકો થોડીક વાર માટે થંભી ગયા હતા. જોકે હવે ગજરાજને કાબુમાં લીધા બાદ ધીમે ધીમે રથયાત્રા આગળ વધી રહી છે. ભક્તો સમગ્ર રૂટ પર ભગવાનના રથની રાહ જોઈ રહ્યા છે.

ભગવાનના મોસાળ સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરાની વિધિ શરૂ

June 27, 2025 10:15

અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ સરસપુરમાં યજમાન પરિવાર પણ ભગવાનને આવકારવા આતુર છે. 10 વર્ષની રાહ જોયા બાદ ત્રિવેદી પરિવારને ભગવાનનું મામેરું ભરવાનો અવસર મળ્યો. આ તરફ સરસપુરમાં મંત્રોચ્ચાર સાથે મામેરાની વિધિ શરૂ કરાઇ છે.

જગન્નાથ રથયાત્રામાં ગજરાજ બેકાબૂ થયા, લોકોમાં નાસભાગ

June 27, 2025 10:01

અમદાવાદમાં 148મી રથયાત્રા હાલ ખાડિયા નજીક પહોંચી છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, અહીં એક ગજરાજ બેકાબૂ થયા છે. આ તરફ ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી.

ગજરાજને ઈન્જેક્શન આપીને કાબૂમાં કરવામાં આવ્યા

June 27, 2025 10:01

અમદાવાદમાં 148મી રથયાત્રા હાલ ખાડિયા નજીક પહોંચી છે. અહીં એક ગજરાજ બેકાબૂ થતાં થોડી વાર માટે રથાયાત્રા રૂટ પર દોડધામ મચી જવા પમી હતી. જોકે બાદમાં ગજરાજને ઈન્જેક્શન આપીને કાબૂમાં લીધા હતાં.

રથયાત્રામાં 100થી વધુ ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

June 27, 2025 09:43

અમદાવાદમાં 148મી રથયાત્રામાં 100થી વધુ ટેબ્લોમાં અવનવા રંગ દેખાયા

સરસપુરમાં બેન્ડ વાજા સાથે મામેરાનું આગમન

June 27, 2025 09:40

અમદાવાદમાં 148મી રથયાત્રાને લઈ સરસપુરમાં યજમાન પરિવાર પણ ભગવાનને આવકારવા આતુર છે. 10 વર્ષની રાહ જોયા બાદ ત્રિવેદી પરિવારને ભગવાનનું મામેરું ભરવાનો અવસર મળ્યો. ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરૂ ભરવાને લઈ ઉત્સાહમાં જોવા મળ્યો. ત્યારે સરસપુરમાં બેન્ડ વાજા સાથે મામેરાનું આગમન થયું છે.

અમદાવાદ AMC ઓફિસ ખાતે દિલીપદાસજી મહારાજનું ભવ્ય સ્વાગત

June 27, 2025 09:38

જમાલપુર જગન્નાથ મંદિરના મહંત જગતગુરુ દિલીપદાસજી મહારાજ AMC ઓફિસ ખાતે પહોંચતા AMCના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના ભાજપના પદાધિકારીઓ, વિપક્ષના નેતા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઈમરાન ખેડાવાલાએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું

June 27, 2025 09:37

અમદાવાદમાં 148મી રથયાત્રામાં આજે જમાલપુર વૈશ્ય સભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મહંત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કર્યું હતું.

રથયાત્રામાં છવાયો 'ઓપરેશન સિંદૂર'નો ટેબ્લો

June 27, 2025 09:16

અમદાવાદમાં 148મી રથયાત્રામાં 'ઓપરેશન સિંદૂર'ના ટેબ્લો પર લોકોએ ધ્યાન જમાવ્યું છે.

વિવિધ અખાડાઓએ રથયાત્રામાં જમાવ્યું આકર્ષણ

June 27, 2025 09:14

અમદાવાદમાં 148મી રથયાત્રામાં વિવિધ અખાડાઓએ આકર્ષણ જમાવ્યું છે. આ રથયાત્રામાં 30 જેટલા અખાડા ચાલુ વર્ષની રથયાત્રામાં જોડાયા છે તેમજ રથયાત્રામાં વિવિધ કરતબો કરી રહ્યા છે.

રાયપુર ચકલા ખાતે રથયાત્રાનું આગમન

June 27, 2025 09:12

અમદાવાદમાં 148મી રથયાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. ત્યારે ભગવાન જગન્નાથનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. રથયાત્રાનું અને ગજરાજનું રાયપુર ચકલા ખાતે આગમન થયું છે.

ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભક્તોનું ઘોડાપૂર

June 27, 2025 09:06

અમદાવાદમાં 148મી રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો ન માત્ર જમાલપુર પણ ભગવાનના મોસાળ સરસપુરમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે.

સરસપુરમાં યજમાન પરિવારનું આગમન

June 27, 2025 08:53

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ સરસપુરમાં યજમાન પરિવારનું આગમન થયું છે. 10 વર્ષની રાહ પછી ત્રિવેદી પરિવાર ભગવાનનું મામેરુ કરશે.

CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પાવન પર્વની શુભકામના પાઠવી

June 27, 2025 08:41

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રથયાત્રાના દિવસે હાર્દિક શુભકામના પાઠવી છે. તેમણે X પર લખ્યું કે, અષાઢી બીજ - રથયાત્રાના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામના. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ આપણી સંસ્કૃતિ અને આસ્થાનો અનેરો મહોત્સવ છે. અમદાવાદ સહિત દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાતી ભગવાનની રથયાત્રા સામાજિક એકતા અને સમરસતાની સાથે આત્મિક ઉન્નતિનો સંદેશ આપે છે. ભગવાનની અપરંપાર કૃપા આપણા રાજ્ય અને દેશ પર અવિરત વરસતી રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના.જય જગન્નાથ.

વનતારા થીમની ટ્રક જમાલપુર દરવાજામાં ફસાતા માંડ બહાર કઢાઈ

June 27, 2025 08:29

જમાલપુર દરવાજા ખાતે રથયાત્રા દરમિયાન વનતારા થીમની ટ્રક ફસાતા માંડ બહાર કઢાઈ હતી. મહત્વનું દર વર્ષે જમાલપુર દરવાજાની બહારથી ટ્રકો પસાર થતી હતી પરંતુ આ વર્ષે ટ્રકો જમાલપુર દરવાજાની અંદર થઈને પસાર થતી જોવા મળી હતી. 85 ટ્રકો જમાલપુર દરવાજામાંથી પસાર થઈ ગઈ હતી. જોકે 2-3 ટ્રકો જમાલપુર દરવાજામાં ફસાઈ જતાં માંડ બહાર કઢાઈ હતી.

અમદાવાદ રથયાત્રા 2025: રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો માટે ખાસ વ્યવસ્થા

June 27, 2025 08:24

અમદાવાદમાં 148મી રથયાત્રામાં સામેલ જગન્નાથના ભક્તો માટે છાસ વિતરણની ખાસ વ્યવસ્થા કરાઇ છે.

રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલ થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર

June 27, 2025 08:15

અમદાવાદ રથયાત્રામાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલ થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને ભજન મંડળીઓ જોડાયા છે.

અમદાવાદ રથયાત્રા 2025: CM ભૂપેન્દ્ર પટેલે પારંપરિક પહિંદ વિધિમાં ભાગ લઈ આપ્યો સંદેશ

June 27, 2025 08:13

CM ભૂપેન્દ્ર પટેલે પારંપરિક પહિંદ વિધિમાં ભાગ લઈ સંદેશ આપ્યો છે. 148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો.

અમદાવાદ રથયાત્રા 2025: નગર ચર્યા પર નાથ, ભક્તોમાં આનંદ ઉછળંગ

June 27, 2025 08:11

અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રામાં ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

જમાલપુર દરવાજાથી આગળ વધી રહી છે રથયાત્રા

June 27, 2025 07:49

અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિરથી શરૂ થયેલ રથયાત્રા જોવા માટે મોટી સંખ્યામાં લોકો જમાલપુર દરવાજા ખાતે પહોંચ્યા છે. અહીં હાલ રથયાત્રા ધીમે ધીમે જમાલપુર દરવાજાથી આગળ વધી રહી છે.

જય રણછોડના નાદ સાથે મંદિરથી નીકળ્યાં ત્રણેય રથ

June 27, 2025 07:03

જમાલપુર જગન્નાથ મંદિરથી ‘જય રણછોડ, માખણ ચોર’ના નાદ સાથે ત્રણેય રથ બહાર નીકળી ગયા છે. હવે ગણતરીની મિનિટોમાં રથયાત્રા જમાલપુર દરવાજાથી આગળ વધશે.

ભગવાનને ગાર્ડ ઓફ ઓનર અપાયું

June 27, 2025 07:00

આજે રથયાત્રાના દિવસે ગુજરાત પોલીસ દ્વારા ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.

CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કર્યો

June 27, 2025 06:48

148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગર ચર્યા માટે લઈ જવાયો છે.

આ પણ વાંચો : જાણો શું છે પહિંદ વિધિ?

CM ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ જગન્નાથ મંદિર પહોંચ્યા

June 27, 2025 06:46

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે. હવે અહીં થોડીક વારમાં જ CM ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ થશે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન

June 27, 2025 06:40

સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદમાં ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે.

રથયાત્રાને પગલે આ બસોના રૂટમાં કરાયો ફેરફાર

June 27, 2025 06:38

રથયાત્રાને પગલે BRTS બસોના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. RTO સર્કલનો સરક્યુલર રૂટ નંબર 101 સંપૂર્ણપણે બંધ રહેશે. જ્યારે 4 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. રથયાત્રા રૂટ પરના 18 BRTS બસ સ્ટેશનો પણ આજના દિવસે બંધ રહેશે.

ભગવાનનું મુખ જોવા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

June 27, 2025 06:37

અમદાવાદ રથયાત્રાને લઈ આજે વહેલી સવારથી જ ભગવાનનું મુખ જોવા મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

જગન્નાથજીને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ

June 27, 2025 06:33

આજે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથને ખીચડી અને ગવાર કોળાના શાકનો ભોગ ધરાવાયો છે. ભગવાનને ભોગ ધર્યા બાદ નગરજનોને પ્રસાદમાં ખીચડી અપાશે. 2000 કિલો ચોખા, 1500 કિલો તુવેરની દાળ, 3000 કિલો સુકોમેવો અને 80 ડબ્બા શુદ્ધ ઘી નો ઉપયોગ કરી ખીચડી બનાવવામાં આવે છે.

પહેલી વાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર અપાશે

June 27, 2025 06:30

આ વર્ષે પહેલી વાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આજની રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે.

CM ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ માટે મંદિર પહોંચશે

June 27, 2025 06:25

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે થોડીક મીનિટોમાં જગન્નાથ મંદિરે પહોંચશે. અહીં CM ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરશે અને બાદમાં રથયાત્રાનો પ્રારંભ થશે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થયા

June 27, 2025 05:31

સૌપ્રથમ ભગવાન જગન્નાથને નંદીઘોષ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. જે બાદમાં ભાઈ બલરામને તાલધ્વજ રથમાં અને બહેન સુભદ્રાજીને દેવદલન રથમાં બિરાજમાન કરાયા છે.

દિલીપદાસજીને વૈષ્ણવ સંપ્રદાયના જગદગુરુની પદવી અપાઈ

June 27, 2025 05:27

જમાલપુર જગન્નાથ મંદિરના મહંત 1008 મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજને આજે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે તમામ સાધુ-સંતો દ્વારા વૈષ્ણવ સંપ્રદાયના જગતપતિ જગદગુરુની પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી હવે મહામંડલેશ્વરની જગ્યાએ જગતગુરુ દિલીપદાસજી મહારાજ તરીકે ઓળખાશે.

ભગવાન જગન્નાથને રથમાં પ્રસ્થાપિત કરાશે

June 27, 2025 05:24

જગન્નાથ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે. થોડીવારમાં ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.

અમદાવાદ ફાયર વિભાગ પણ ક્રાઉડ મેનેજમેન્ટ કરશે

June 27, 2025 05:07

અમદાવાદમાં ભગવાન જગન્નાથ ની 148મી રથયાત્રામાં શહેર પોલીસ સાથે મળીને અમદાવાદ ફાયર વિભાગ પણ ક્રાઉડ મેનેજમેન્ટ કરશે. AI ટેક્નોલોજી માં અમદાવાદ પોલીસે ફાયર વિભાગની મદદ લીધી. 13 જગ્યાએ ફાયર ની સેપ્શિયલ ટીમ ડિપ્લોઈ કરવામાં આવી છે. એક ટીમ સતત રથની સાથે રહશે.

જગન્નાથ ભગવાનને ખીચડાનો ભોગ

June 27, 2025 04:49

જગન્નાથ ભગવાનને થોડીવારમાં વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવશે. વર્ષમાં એકવાર ખીચડાનો ભોગ ધરાવવામાં આવતો હોય છે. આ દરમિયાન અહીં 5000 કિલો ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ

June 27, 2025 04:49

અમદાવાદના જમાલપુર મંદીરે ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવી છે. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. ભગવાનના હાથેથી પાટા ખોલી દેવામાં આવ્યા છે.

148મી રથયાત્રા પહેલા સામે આવી પહેલી તસવીર

June 27, 2025 04:31

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. આ દરમિયાન હવે જમાલપુર મંદિરથી રથની તસવીર સામે આવી છે.

અમિત શાહે ભગવાન જગન્નાથની કરી મંગળા આરતી

June 27, 2025 04:25

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથની મંગળા આરતીના દર્શન કર્યા હતા. અમિત શાહ દ્વારા ભગવાનની આરતી કરવામાં આવી છે. હવે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે.

આજે પડી શકે છે વરસાદ

June 27, 2025 04:19

રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા અને વ્યવસ્થાની સંપૂર્ણ તૈયારી કરાઈ છે. પોલીસ, હોસ્પિટલ, સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાઓ આખરી તબક્કામાં છે. સમગ્ર શહેરમાં ભક્તિભાવ સાથે રથયાત્રાને લઇને ઉત્સાહનો માહોલ છે. ત્યારે રથયાત્રાના દિવસે વરસાદ પડવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 26 થી 30 જૂન દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં પણ વાવાઝોડાસહિત વરસાદની શક્યતા છે .અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવસારી અને સુરત જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો કાર્યક્રમ

June 27, 2025 04:19

સવારે 4 વાગ્યે: અમિત શાહ પરિવાર સહિત મંગળા આરતીમાં હાજર રહેશે

સવારે 4:30 વાગ્યે: વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાશે

સવારે 5:00 વાગ્યેઃ રથમાં ભગવાનનો પ્રવેશ, ભગવાનનું પ્રિય આદિવાસી નૃત્ય થશે

સવારે 7:00 વાગ્યે: મુખ્યમંત્રી પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવશે

સવારે 7:30 વાગ્યે: રથયાત્રાની શરૂઆત

બપોરે 12:30 વાગ્યે: ભગવાન મોસાળ પહોંચશે અને 8:30 વાગ્યે નિજ મંદિર પરત પહોંચશે

રાત્રે 8:30 વાગ્યે: ભગવાન મંદિર બહાર જ રથમાં રહેશે

23,884થી વધુ સુરક્ષાકર્મીઓ રહેશે હાજર

June 27, 2025 04:19

ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા શાંતિ ભર્યા માહોલમાં સંપન્ન થાય તે માટે અને રથયાત્રાને સફળ બનાવવા માટે IG કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને SRP, ચેતક કમાન્ડો અને રેપીડ એક્શન ફોર્સની બટાલીયન્સ સહિત 23,884થી વધુ સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મીઓ જોડાવાના છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1,000 જેટલા જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 23 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન માટે 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે આ ઉપરાંત 240 ધાબા પોઈન્ટ અને 25 વોચ ટાવર પણ ઉભા કરવામાં આવ્યા છે. 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર આ બધી વ્યવસ્થાઓના કારણે પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રાખી શકાશે.

ભગવાનના દ્વાર ખુલ્યા

June 27, 2025 04:15

આજે અમદાવાદના જમાલપુર સ્થિતિ ભગવાન જગન્નાથજી મંદિરે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવી હતી.

અમિત શાહ પરિવાર સાથે જોડાયા મંગળા આરતીમાં

June 27, 2025 04:10

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. આ તરફ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં જોડાયા છે.

રથયાત્રાનો રૂટ

June 27, 2025 04:08

કેટલા વાગ્યે કયા સ્થળે હશે?

સવારે 7:30 વાગ્યે: જમાલપુર મંદિર

સવારે 9:00 વાગ્યે: મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ

સવારે 9:45 વાગ્યેઃ રાયપુર ચકલા

સવારે 10:30 વાગ્યે: ખાડિયા ચાર રસ્તા

સવારે 11:15 વાગ્યે: કાલુપુર સર્કલ

સવારે 12:00 વાગ્યે: સરસપુર (મામાનું ઘર)

બપોરે 1:30 વાગ્યેઃ સરસપુરથી પરત પ્રસ્થાન

બપોરે 2:00 વાગ્યે: કાલુપુર સર્કલ

બપોરે 2:30 વાગ્યે: પ્રેમ દરવાજા

બપોરે 3:15 વાગ્યે: દિલ્હી ચકલા

બપોરે 3:45 વાગ્યે: શાહપુર દરવાજા

સાંજે 4:30 વાગ્યેઃ શાહપુર હાઈસ્કુલ

સાંજે 5:00 વાગ્યે: ઘી કાંટા

સાંજે 5:45 વાગ્યે: પાનકોર નાકા

સાંજે 6:30 વાગ્યે: માણેકચોક

રાત્રે 8:30 વાગ્યે: નિજ મંદિર પરત

ભગવાના જગન્નાથજીની રથયાત્રામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

June 27, 2025 04:08

22 કીમીના રથયાત્રા રૂટ પર પોલીસનો કડક પહેરો

148 મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસનો બંદોબસ્ત

સુરક્ષાને લઈ 23 હજાર 884 પોલીસ અધિકારીઓ રહેશે તૈનાત

ક્રાઉડ એલર્ટ અને ફાયર એલર્ટ માટે એઆઈનો થશે ઉપયોગ

ટ્રક અખાડાના વાહનોનું GPSથી ટ્રેકિંગ કરવામાં આવશે

ટ્રાફિક નિયમન માટે એક હજાર કર્મીઓ અને ક્રેઈનનો ઉપયોગ

227 કેમેરા, 41 ડ્રોન, 2872 બેડીવોર્ન કેમેરા, 240 ધાબા પોઈન્ટથી મોનિટરિંગ

17 જનસહાય કેન્દ્રો અને 44 પબ્લિક એડ્રેસ સિસ્ટમ રખાશે

PM મોદીએ જગન્નાથ મંદિરમાં મોકલ્યો પ્રસાદ

June 27, 2025 04:08

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરંપરા જાળવી રાખી છે અને આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન માટે પ્રસાદ મોકલ્યો છે. PM મોદી દ્વારા ડ્રાયફ્રૂટ, ફ્રૂટ, મગ અને ચોકલેટ સહિતનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે. ગઇકાલે બપોરના સમયે પરિંદુ ભગત આ પ્રસાદ લઈને જગન્નાથ મંદિરમાં આવ્યા હતા. મહત્વનું છે કે, આવતીકાલની રથયાત્રાને લઈ તમામ તૈયારીઑ પૂર્ણ થઈ ચૂકી છે.

રથયાત્રામાં ગજરાજોનું મહત્વ

June 27, 2025 04:07

રથયાત્રામાં સૌ પ્રથમ ગજરાજો જોડાય છે

ગણેશજીનું પ્રતિક ગજરાજની આગેવાનીમાં યાત્રા પ્રારંભ થાય છે

પ્રથમ પૂજ્ય ગણેશજીના પ્રતિકથી થાય છે રથયાત્રાની શરૂઆત

ગજરાજોને સુંદર શણગાર કરાવામાં આવે છે

ગજરાજોનું શાસ્ત્રોક્ત વિધિથી થાય છે પ્રથમ પૂજન

સરજુપ્રસાદ નામના હાથીની સમાધિએ રથયાત્રાનું અપાય છે નિમંત્રણ

ગજરાજ રથયાત્રાનું છે અભિન્ન અંગ

ઈન્દૌરના રાજાએ સરજુપ્રસાદ નામનો હાથી આપ્યો હતો ભેટમાં

રથમાં બિરાજેલ જગન્નાથના સૌ પ્રથમ દર્શન કરે છે ગજરાજ

ગજરાજ રથયાત્રાની કરે છે શરૂઆત

રથને કોણ ખેંચે છે ?

June 27, 2025 04:07

અમદાવાદમાં 1878માં મંહતે રથયાત્રાની પ્રગટ કરી ઈચ્છા

ભરૂચના ખલાસી ભાઈઓને ઈચ્છાની જાણ થાય છે

147 વર્ષ અગાઉ નીકળી હતી અમદાવાદમાં પ્રથમ રથયાત્રા

નાળીયેરના લાકડામાંથી તૈયાર કરાયા હતા પ્રથમ વખત રથ

ભરૂચના ખલાસી ભાઈઓએ ભગવાનના પ્રથમ રથ બનાવ્યા હતા

ભરૂચના ખલાસી ભાઈઓ ત્રણ રથને ખેંચીને કરાવે છે નગરચર્યા

અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ

June 27, 2025 04:07

ભારતમાં જગન્નાથપુરીની સૌથી મોટી રથયાત્રા

દેશમાં અમદાવાદની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા

અષાઢ સુદ બીજનો પાવનકારી દિવસ

ભગવાન પોતે ભક્તોની સ્થિતિ જાણવા નિકળે છે

1878માં શરૂ કરાયેલ રથયાત્રા છે અમદાવાદની ઓળખ

મહંત નરસિંહદાસજીને ભગવાને સ્વપ્નમાં આપ્યા દર્શન

મંદિર નિર્માણનો ભગવાને આપ્યો સંકેત

પુરીના જગન્નાથની અમદાવાદમાં થઈ પધરામણી

આજનું મંદિર મહંત નરસિંહદાસજીની ભક્તિનું છે પ્રતિક

મગના પ્રસાદનું મહત્વ

June 27, 2025 04:07

ત્રણેય ભાઈ બહેન મોસાળમાં હતા

મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાય છે

કેરી અને જાંબુ ખૂબ ખાવાથી ભગવાનને આંખો આવે છે

આંખો આવવાને કારણે પ્રભુને ધરાવાય છે મગ

મગ શરીરને બળ આપે છે

રથયાત્રા એ લાંબી પદયાત્રા છે

રથ ખેંચતા ખલાસીઓ અને પદયાત્રીઓ માટે શક્તિવર્ધક પ્રસાદ

મગના પ્રસાદથી ભક્તોને નથી લાગતો થાક

વર્ષોથી રથયાત્રાના ભગવાનને ધરાવાય છે સૂકા મેવા યુક્ત ખીચડી

બ્રહ્મ મૂહુર્તમાં ધરાવાય છે ખીચડીનો પ્રસાદ

ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો વહેંચાય છે પ્રસાદ

માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને છે પ્રિય

મંગળા આરતીનું મહત્વ

June 27, 2025 04:05

રથયાત્રા અગાઉ ભગવાન જગન્નાથની મંગળા આરતી

આરતી વિના ભગવાનની ભક્તિ અધૂરી

સનાતન ધર્મમાં આરતીનું અનેરુ મહત્વ

મંગળા આરતીના પાવન દર્શન VTV પર લાઈવ

ભગવાન જગન્નાથના મંગળા દર્શન

પરમાત્માની ભક્તિમાં લીન થવાનું માધ્યમ

ભગવાનની મંગળા આરતીના દર્શન છે પાવનકારી

મંગળા આરતીથી તન અને મન ભક્તિમય, ઉત્સાહથી ભરાય છે

વ્યક્તિત્વને ઉજ્જવળ કરે છે મંગળા આરતી

સ્કંદપુરાણમાં છે મંગળા આરતીનું મહત્વ

મંગળા આરતીથી મનમાં થાય શક્તિનો સંચાર

તન અને મનને શાંતિ આપે છે મંગળા આરતી

શું છે આ પહિંદ વિધિ?

June 27, 2025 04:05

ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ થાય છે

પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ

પરંપરા પ્રમાણે રાજા કરે છે ભગવાનની પહિંદ વિધિ

સોનાની સાવરણીથી કરવામાં આવે છે પહિંદ વિધિ

પહિંદ વિધિમાં રથને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે

રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરાઇ છે

ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ કરે છે પહિંદ વિધિ

મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે

1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે

પુરી રથયાત્રામાં પુરીના રાજા કરે છે પહિંદ વિધિ

ભગવાનના રથના નામ

June 27, 2025 04:05

ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે

જગન્નાથજીને ભગવાન ઇન્દ્રએ આપ્યો હતો રથ

પીળા વસ્ત્રોથી ભગવાનના રથનો થાય છે શણગાર

ભગવાનના રથને નંદીઘોષ તરીકે ઓળખાય છે

અન્ય 2 રથોની સરખામણીએ ભગવાનનો રથ મોટો રખાય છે

ભગવાનના પરંપરાગત રથમાં 16 પૈડા રાખવામાં આવે છે

બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે

તાલવાન દેવતાઓએ બલભદ્રને રથ આપ્યો હતો

બલભદ્રનો રથ 14 પૈડા વાળો અને બહેનના રથથી મોટો બનાવાય છે

સુભદ્રાજીના રથનું નામ દેવદલન અને પદ્માધ્વજ રખાયુ છે

બહેન સુભદ્રાના પરંપરાગત રથમાં 12 પૈડા હોય છે

30 હજાર કિલો મગનો પ્રસાદ નગરજનોને વહેચાશે

June 27, 2025 04:02

રથયાત્રામાં 30 હજાર કિલો મગનો પ્રસાદ નગરજનોને વહેચાશે તો 500 કિલો જાંબુ, 500 કીલો કેરી, 400 કીલો કાકડીનો પ્રસાદ પણ વહેચવામાં આવશે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજીની મંગળા આરતી થશે તો આ મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે.

જગન્નાથ મંદિરનો ઇતિહાસ

June 27, 2025 04:02

અમદાવાદનું જગન્નાથ મંદિર આશરે 400 વર્ષથી વધુ જુનુ છે. સાબરમતી નદી નજીક જમાલપુરમાં જગન્નાથ મંદિર સ્થિત છે. અહીં 400 વર્ષ પહેલા હનુમાનદાસજીએ મંદિરની સ્થાપના કરી હતી. હનુમાનજીદાસ બાદ સારંગદાસજીએ ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપી અને જગન્નાથ સાથે બલભદ્ર અને બહેન સુભદ્રાનું પણ મંદિરમાં સ્થાપન થયું હતું. 147 વર્ષ પહેલા નૃસિંહદાસજી રથયાત્રાની પરંપરા આરંભી હતી. હાલ વર્તમાન સમયમાં દિલિપદાસજી જગન્નાથ મંદિરના મુખ્યમહંત છે.

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

June 27, 2025 04:02

Rath Yatra : આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળશે. અષાઢી બીજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ રથયાત્રા દરમિયાન પરંપરાગત રૂટ પર ફરશે. આજની આ રથયાત્રા માં 18 ગજરાજ, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રાનુ આકર્ષણ બનશે. આ સાથે 3 બેન્ડવાજા, મોટી સંખ્યામાં સાધુ-સંતો પણ રથયાત્રામાં જોડાશે.

રથયાત્રા કેવી રીતે નિકળે છે ?

June 27, 2025 04:02

દરવર્ષે અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળે છે

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્ર કરે છે નગરચર્યા

3 અલગ અલગ રથમાં ભગવાન પોતે ભાઈ અને બહેન સાથે નીકળે છે

રથયાત્રામાં સૌથી આગળ ભાઇ બલભદ્ર રથમાં થાય છે સવાર

ત્રીજો રથ ભગવાન જગન્નાથના રથને રાખવામાં આવે છે

બંને ભાઈના રથની વચ્ચે બહેન સુભદ્રાના રથને શહેરમાં ફેરવવામાં આવે છે

નગરચર્યાએ નીકળતા અગાઉ ભગવાનની મંગળા આરતી થાય છે

મંગળા આરતી બાદ ભાગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે

પાટા ખોલ્યા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરવામા આવે છે

ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા પહિંદ વિધિ યોજાય છે

ભગવાનની પહિંદવિધીમાં ગુજરાતના CM પરંપરા મુજબ ભાગ લે છે

પહિંદ વિધિ બાદ ગજરાજની આગેવાનીમાં રથયાત્રા નીકળે છે

રથયાત્રામાં હાથી, અખાડા, ભજન મંડળી અને કરતબબાજો હોય છે

ભક્તોને દર્શન આપ્યા બાદ ભગવાન મામાના ઘરે સરસપુર પહોંચે છે

સરસપુરમાં ભગવાન બપોરે આરામ કર્યા બાદ નીજમંદિર જાય છે

ત્રણેય રથ ખલાસીઓ દ્વારા ખેંચીને શહેરમાં ફેરવવામાં આવે છે

સંધ્યા બાદ ભગવાન જગન્નાથ નીજ મંદીરે પરત ફરે છે

લાઇવ ટીવી

logo લાઇવ ટીવી
વધુ જુઓ log

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ