બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / કમૂરતા ઉતર્યા બાદ ગમે ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની શક્યતા, તો મુખ્ય સચિવ પણ બદલાશે કે નહીં તેની ચર્ચા
Sanjay Vibhakar
Last Updated: 12:39 PM, 13 January 2025
બે સિનિયર IAS અધિકારીઓ સામસામે આવી ગયા
ADVERTISEMENT
ગુજરાત સરકારના કેટલાક ડિપાર્ટમેન્ટ અને ખાસ કરીને વિવિધ ટેન્ડરોની ફાળવણીમાં અનેક પ્રકારની ગેરરીતિ ચાલતી હોવાની ચર્ચા થતી હોય છે. જેના સંદર્ભમાં અવારનવાર ફરિયાદો પણ થતી આવી છે. એટલું જ નહી, કેટલાક રાજકીય વગ ધરાવતા માણસો પણ પોતાની માનીતી કંપનીને ટેન્ડર અપાવવા માટે તમામ તાકાત લગાડતા હોય છે. કેટલાક કિસ્સામાં તો ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં સામેલ થતા હોય છે. તાજેતરમાં જ બે જુદી જુદી કિંમતના ટેન્ડર બહાર પડ્યા હતા, જેર અલગ અલગ કંપનીને લાગ્યા હતા. પરંતુ પહેલું ટેન્ડર જેને લાગ્યુ છે તે કંપની રાજકીય રીતે સારી લાગવગ ધરાવે છે. આથી તેમણે બીજું ટેન્ડર જેને લાગ્યુ છે તેને રદ કરાવવાના પ્રયાસો શરુ કર્યા તેમજ આ ટેન્ડર પણ પોતાની કંપનીને જ મળે એ માટે એક સિનિયર આઈએએસ અધિકારીને પણ મેદાનમાં ઉતારી દીધા છે. આ અધિકારી અમદાવાદમાં સારી જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, ગત અઠવાડીયે રાજકીય વગ ધરાવતી કંપનીના માલિક અને આ અધિકારી વચ્ચે લાંબી બેઠક મળી હતી. ત્યાર બાદ બીજા જ દિવસે આ આઈએએસ અધિકારી ગાંધીનગરમાં પહોંચ્યા હતા. તેમજ જે વિભાગમાંથી ટેન્ડરો નીકળ્યા છે તે મહિલા આઈએએસ અધિકારીને મળ્યા હતા. તેઓએ એવી રજૂઆત કરી છે કે, તમે બીજું કરોડનુ ટેન્ડર જે કંપનીને આપ્યુ છે તે યોગ્ય નથી. આ કંપનીની કામગીરી સારી નથી માટે તેમને વર્કઓર્ડર આપશો નહી. ત્યાર બાદ આ અધિકારીએ પોતાના વિભાગના અધિકારીઓને આ સંદર્ભમાં કશુ ખોટું થયુ છે કે કેમ તેની તપાસ કરાવડાવી હતી. તેમજ નીચેના અધિકારીઓએ સારો રિપોર્ટ આપ્યો કે, આપણે કશુ ખોટું કર્યુ નથી. જો આ ટેન્ડરને રદ કરીશું અને કંપની હાઈકોર્ટમાં જશે તો સરકારને જવાબ આપવાનો ભારે પડી જશે. જો કે, હજુ સુધી આ સંદર્ભમાં કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.
ADVERTISEMENT
કેટલાકમંત્રીઓ માટે ફેબ્રુઆરીમાં રજૂ થનારું બજેટ કદાચ છેલ્લુ બજેટ રહેશે
છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે. 15મી જાન્યુઆરીએ કમુરતા ઉતરી ગયા બાદ ગમે ત્યારે વિસ્તરણ થઈ શકે છે. ચર્ચા મુજબ હાલના મંત્રીમંડળમાંથી ચારથી પાંચ મંત્રીઓને પડતા મુકાઈ શકે છે તેમજ ત્રણથી ચાર મંત્રીઓના ખાતાની ઉલટ ફેર થઈ શકે છે. બીજી બાજુ 20મી ફેબ્રુઆરીની આસપાસ વિધાનસભાનુ સવાથી દોઢ મહિનાનુ લાંબુ બજેટ સત્ર ચાલુ થવાનુ છે. આ બજેટ સત્ર કેટલાક મંત્રીઓ માટે છેલ્લુ બજેટ સત્ર પણ હોઈ શકે છે. આ બાબતનો અણસાર આવી ગયા બાદ જેમને પડતા મુકાવાનો ડર છે તેવા મંત્રીઓએ દિલ્હી દરબાર સુધી પોતાનુ લોબીંગ તેજ કરી દીધુ છે. મોટા સાહેબોની આંખોમાં વસવા માટે નીતનવા ગતકડા પણ શરૂ કરી દીધા છે. જ્યારે બેથી ત્રણ મંત્રી તો દિલ્હી દરબારમાં જઈને પોતાના તરફથી સામેથી સ્પષ્ટતા પણ કરી આવ્યા છે. ભાજપ હાઈકમાન્ડને તેઓ કેટલુ સમજાવી શક્યા છે તે સમય બતાવશે. દિલ્હી મોટા નેતાઓ આવા મંત્રીઓની હકાલપટ્ટી કરે છે કે એક છેલ્લી તક આપે છે તે જોવું પણ રસપ્રદ બનશે. પણ 2026ના બજેટ વખતે અનેક સિનિયર મંત્રીઓ વિધાનસભા ગૃહમાં જોવા મળશે નહી એ બાબત નિશ્ચિત મનાઈ રહી છે.
કેટલાક મંત્રીઓની નેમપ્લેટના સ્ક્રૂ નીકળ્યા, લોકોની મજાક હવે મંત્રીઓ પણ નીકળશે
સચિવાલયમાં સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2માં કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓની ઓફિસો છે. સોમવારે મંત્રીઓ જાહેર જનતાને મળતા હોય છે. જ્યારે મંગળવારે ધારાસભ્યો-સાંસદોને મળતા હોય છે. જો કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઘણી વખત પોતાની સાથે લોકોના ટોળા લઈને આવતા હોય છે. ગત અઠવાડિયા દરમિયાન કેટલાક મંત્રીઓની નેમપ્લેટ થોડી લટકી ગયેલી હાલતમાં દેખાતી હતી. જેના પર તુરંત જ લોકોનુ ધ્યાન ખેંચાયુ હતુ. નેમપ્લેટની અંદરથી સ્ક્રૂ નીકળી જતા ગમે તે ક્ષણે આખી નેમ નીકળી જાય એવી સંભાવનાઓ છે. જેને લઈને નાગરિકો મજાક કરી રહ્યા છે કે, ટૂંક સમયમાં જ મંત્રીમંડળનુ વિસ્તરણ થવાનુ હોઈ, નેમપ્લેટ જ નહી પરંતુ કેટલાય મંત્રીઓને મંત્રીપદ ગુમાવવુ પડે એવી સ્થિતિ છે. અમુક મંત્રીનો સ્ટાફ પણ મજાક કરતો હોય છે કે, હવે નેમ પ્લેટની સાથે અમારા સાહેબ પણ બદલાવાના છે
કમૂરતા ઉતરતા જ IAS-IPS અધિકારીઓની બદલીનો દોર,કેટલાકને સાઈડલાઈન કરાશે
સામાન્ય રીતે આઈએએસ અધિકારીઓની બદલી જાન્યુઆરીમાં થતી હોય છે. આ વખતે હજુ આઈપીએસ અધિકારીઓની બદલીઓ પણ બાકી રહી ગઈ છે. જેથી સચિવાલયમાં ચર્ચા એવી છે કે, કમૂરતા ઉતર્યા બાદ IAS-IPS અધિકારીઓની બદલીનો દોર શરૂ થઈ જશે. જેમાં સૌ પ્રથમ કલેક્ટરો-ડીડીઓની બદલીઓની જાહેરાત આવી શકે છે. સાથોસાથ સચિવાલયમાં ફરજ બજાવતા કેટલાક સેક્રટેરીઓ અને પ્રિન્સિપલ સેક્રટેરીઓની બદલીઓ પણ થઈ શકે છે. લાંબો સમયથી વધુ હવાલા સંભાળી રહેલા આઈએએસ અધિકારીઓ પાસેથી વધારાનો હવાલો પાછો લઈને રેગ્યુલર પોસ્ટિંગમાં કોઈ અધિકારીને મુકી શકાય છે. આ બદલીઓમાં કેટલીક બદલીઓ આશ્ચર્યજનક હોઈ શકે છે. આ જ રીતે પોલીસ ખાતામાં ઘણા અધિકારીઓ બદલીઓની રાહ જોઈને બેઠા છે. આઈપીએસ અધિકારીઓ પણ ચર્ચા કરી રહ્યા છે કે, હવે આપણી ધીરજનો અંત આવશે. સારી કામગીરી નહી કરનારા અને વિવાદાસ્પદ નિર્ણયો લેનારા અમુક આઈએએસ તેમજ આઈપીએસ અધિકારીને સાઈડલાઈનમાં કરી દેવાશે.
હવે ગમે તે ક્ષણે ભાજપ સંગઠનના નવા શહેર પ્રમુખોની તેમજ પ્રદેશ પ્રમુખની વરણી
મંત્રી મંડળના વિસ્તરણની સાથોસાથ ભાજપના સંગઠનની નિમણૂકોની વાતો પણ શરૂ થઈ રહી છે. જો કે નાના સ્તર પણ ડિસેમ્બર જ નિમણૂકો શરૂ કરાઈ હતી પરંતુ શહેર પ્રમુખોની તેમજ પ્રદેશ પ્રમુખની મહત્વની નિમણૂકો બાકી છે. ભાજપ હાઈકમાન્ડે ગુજરાતની નેતાગીરીને એવો આદેશ આપ્યો હતો કે, 15મી જાન્યુઆરી સુધીમાં તમામ નિમણૂકો પૂરી કરી દેવાની રહેશે.એટલે હવે ભાજપના અમદાવાદના શહેર પ્રમુખ સહિતના શહેર પ્રમુખોની તેમજ પ્રદેશ પ્રમુખની નિયુક્તિની જાહેરાત પણ ગમે તે ક્ષણે થઈ શકશે. જેને લઈને પણ ભાજપના લાખો કાર્યકરોમાં ચર્ચા છે. ભાજપના નાના મોટા નેતાઓ તેમજ કાર્યકરો પ્રમુખના નામો અંગે જાતજાતની ચર્ચા કરી રહ્યા છે. જ્યારે ભાજપના સિનિયર નેતાઓ માને છે કે, હાલની સ્થિતિમાં કોઈપણ નામની ચર્ચા કરવી અસ્થાને છે. કેમકે, આપણે જે નામો વિચારતા હોઈએ તેનાથી જૂદા જ નામો આવતા હોય છે. ભૂતકાળમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટિલને મુકાયા ત્યાર પણ સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા હતા. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ વખતે પણ પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ નવા નેતાની જ નિમણૂક કરીને ફરીથી સૌને ચોંકાવી દે તો નવાઈ નહી.
31મી જાન્યુઆરીએ નિવૃત્ત થનારા સીએસ રાજકુમારને એક્સ્ટેન્શન મળશે કે નહી?
હાલના ગુજરાતના મુખ્યસચિવ રાજકુમાર 31મી જાન્યુઆરીના દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. જેને લઈને ગાંધીનગરના બ્યુરોક્રેટ્સમાં ચર્ચા થઈ રહી છે કે, રાજકુમારને એક્સ્ટેન્શન મળશે કે કેમકે, રાજકુમાર પણ વડાપ્રધાન મોદીની ગુડબુકમાં આવે છે. તેમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ સારુ ટ્યુનીંગ છે. અન્ય અધિકારીઓમાં પણ મુખ્ય સચિવનો ડર છે. જેને કારણે રૂટીન કામો ફટોફટ થઈ રહ્યાં છે. મુખ્ય સચિવના પોતાના કાર્યકાળ દરમિયાન રાજકુમાર ક્યારેય કોઈ વિવાદમાં સપડાયા નથી. ઉપરાંત તેમની ઈમેજ પણ ક્લિયર છે. કેબિનેટની સેક્રેટરીઓની મીટીંગમાં તેઓ જુદા જુદા ડિપાર્ટમેન્ટ પ્રેઝન્ટેશનમાં પૂરતો રસ લઈને યોગ્ય માર્ગદર્શન આપે છે. અન્ય એડિશનલ ચીફ સેક્રેટરીઓ સાથે પણ તેમને સારુ ભળે છે. વાઈબ્રન્ટ સમિટ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્રારા યોજાયેલા આ પ્રકારની જ કેટલાક મોટી ઈવેન્ટોને તેઓએ સફળતાપૂર્વક સંપન્ન કરી છે. જેથી તેમને છ મહિનાનું એક એક્સ્ટેન્શન મળી શકે છે. જો કે, બીજી બાજુ અધિકારીઓ એવી ચર્ચા પણ કરી રહ્યા છે કે, રાજકુમાર પછી સૌથી સિનિયર ગણાતા પંકજ જોશીનો સેવા કાર્યકાળ આ વર્ષના ઓક્ટોબર મહીનામાં જ પૂરો થાય છે. જો રાજકુમારને એક્સ્ટેન્શન મળે તો પછી જોશી સીએસ બની શકે નહી. તેઓની પણ ઈમેજ ચોખ્ખી છે. તેઓ બધાને સાથે લઈને ચાલનારા છે. સરકાર માટે તેઓ સારા કામો કરે છે. કોઈ વિવાદમાં તેઓ નથી. એટલું જ નહી, વડાપ્રધાનના પણ તેઓ વિશ્વાસુ ગણાય છે. આ સ્થિતિમાં 1લી ફેબ્રુઆરીથી તેઓને જ ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સોંપી દેવાશે.
IAS મહિલા અધિકારીનો બળાપો, નાની નાની બાબતો માટે અમારે મંત્રી સુધી આવવાનુ ?
ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટાભાગના મંત્રીઓને તમામ પાવર પોતાની પાસે જ રાખ્યા છે. નવા મંત્રી આવે ત્યારે તેને જે વિભાગનો હવાલો સોંપાયો હોય તે વિભાગના સેક્રેટરી દ્રારા ડેલિગેશન ઓફ પાવરની પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એટેલે કે, છાપેલુ ફોર્મ મંત્રીને અપાતુ હોય છે. જેમાં કયા વર્ગ સુધીના કર્માચારીની બદલી કરવી, કેટલી રકમ સુધીના ટેન્ડરની મંજૂરી વિભાગે મંત્રી પાસેથી લેવી વગેરે જેવા અનેક મુદ્દાઓ હોય છે. ભુતકાળમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોતાના વિભાગના તમામ પાવર પોતાની પાસે જ રાખ્યા હતા. જ્યારે કેટલાક મંત્રીઓ વર્ગઃ3ની બદલીના પાવર સેક્રેટરીઓને પણ આપતા હોય છે. જ્યારે હાલની સરકારના એક વિભાગના મહિલા IAS અધિકારી ડેલીગેશન ઓફ પાવરથી ત્રાસી ગયા છે. તેઓ ગત અઠવાડિયે પોતાના વિભાગના મંત્રી સમક્ષ આવ્યા હતા. તેઓ મંત્રીના પીએ પાસે બેઠા હતા. એ સમયે વાતચીત દરમિયાન આ મહિલા અધિકારીએ એવો બળાપો કાઢ્યો કે, આટલી નાની નાની બાબતો પણ મંત્રીના પાવરમાં આવે છે તો પછી અમારે આના માટે પણ મંત્રીની મંજૂરી લેવા માટે ધક્કા ખાવાના ? આવી મંજૂરી માટે વધુ સમય જતો હોવાથી વહીવટી કામો ખોરંભે પડે છે. તેમજ ઘણી મુશ્કેલીઓ આવે છે. મહિલા અધિકારીને પણ ખબર હતી કે પીએ પાસે ઉકળાટ કાઢવાનો કોઈ જ અર્થ નહોતો. પરંતુ તેઓએ જાણી જોઈને મંત્રી સુધી મેસેજ પહોંડવા માટે આ ઉકળાટ ઠાલવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.