પેપરકાંડને લઇને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ભાજપ-આપ વચ્ચે ઘર્ષણ થયું હતું, તો પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ત્યારે હવે મામલે કાર્યવાહી હાથ ધરાઇ છે.
ગાંધીનગર કમલમ ખાતે BJP-AAP તકરારનો મામલો
ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલીય પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરીયાદ
બિન જામીનપાત્ર કલમો ઉમેરવામા આવી
તમામને આવતીકાલે કોર્ટમાં કરાશે રજુ
પેપરકાંડને લઇને ભાજપ અને AAP પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયું છે. ભાજપ કાર્યાલય પર AAP દ્વારા વિરોઘ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન AAPના નેતા ઈસુદાન ગઢવીએ નશાની હાલતમાં ભાજપના નેતા શ્રદ્ધા રાજપૂત સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આક્ષેપ કરાયો છે. શ્રદ્ધા રાજપૂતે AAP નેતા ઈસુદાન ગઢવી સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો સમગ્ર વિરોધ પ્રદર્શન મામલે અલગ અલગ ફરિયાદો નોંધાઇ છે.
અનેક કલમો સાથે ગુનો નોંધાયો, બિન જામીનપાત્ર કલમો પણ ઉમેરાઇ
ગાંધીનગર પોલીસે AAP કાર્યકર ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને પ્રવીણ રામ સહિત ટોળા સામે ફરિયાદો દાખલ કરી છે. આ ફરિયાદમાં અલગ અલગ IPC હેઠળ કલમો દાખલ કરાઇ છે. જેમાં કલમ 452, 353,353 A , 341, 323, 143,144,145, 147, 148,149, 151, 152, 269, 188, 429, 504, 120B, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી, સેક્શન 37, એપેડેમિક એક્ટ 37, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 135 સહિતની કલમો સાથે ફરિયાદ નોંધાઇ છે. બિન જામીનપાત્ર કલમો ઉમેરવામાં આવી છે. તમામને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે.
ગાંધીનગર પોલીસ દ્વારા 400-500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધીઃ SP મયુર ચાવડા
કમલમમાં BJP-AAPની બબાલ અંગે SP મયુર ચાવડાએ કહ્યું કે, કમલમમાં ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી. AAPના કાર્યકર્તાઓમાંથી કેટલાકની અટકાયત કરી હતી. ગાંધીનગર પોલીસ દ્વારા 400-500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. રાયોટિંગના ગુનો દાખલ કરવામાં આવ્યો છે. BJP તરફથી ફરિયાદીએ 6ના નામ સાથે ફરિયાદ આપી છે. 70 લોકોની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. પોલીસના કેટલાક કર્મચારીઓને પણ ઘટના સમયે ઈજા પહોંચી છે. ફરિયાદી પક્ષના કેટલાક લોકોને ઘટનામાં ઈજાઓ થઈ છે, એક આરોપીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ઈસુદાન ગઢવી, શિવકુમાર, ગોપાલ ઈટાલિયા, પ્રવિણ રામ, નિખિલ સવાણી અને હસમુખ પટેલ સહિત ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. 3 દિવસમાં FSLનો રિપોર્ટ મળશે.
આપના નેતાઓએ કમલમનો કર્યો હતો ઘેરાવો
AAPના નેતાઓ અને કાર્યકરો આજે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હાત અને ભારે વિરોધ પ્રદર્શન કરી સુત્રોચ્ચાર કર્યો હતો. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી તેમની ઉપર લાઠીચાર્જ કર્યો હતો જેમાં આપના કેટકાલ નેતાઓને ઈજા થઈ હતી.પોલીસ લાઠી ચાર્જમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાની પીઠમાં સોળ ઉઠી ગયા હતા.જ્યારે અન્ય કેટલાક કાર્યકરોના માથા પણ ફૂટ્યાં હતા. આપના ઉગ્ર વિરોધ વચ્ચે પોલીસે ઇસુદાન ગઢવી સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માત્ર એટલું જ નહીં પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી હતી.
ઈસુદાન, ગોપાલ ઈટાલિયા સહિતની નેતાઓની અટકાયત
મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયા સહિતના કાર્યકરોને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે બાકીના આપના કાર્યકરોને સેક્ટર 27 એસપી ઓફિસ લઈ જવામાં આવ્યા છે. આજની આ ઘટના બાદ ગુજરાત આપના પ્રવક્તા મિહિર પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા પર ગુજરાતના યુવાનો માટે અવાજ ઉઠાવવા બદલ પોલીસ અને ભાજપના ગુંડાઓ દ્વારા અમાનુષી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આથી ફરિયાદના આધારે ઈસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાન ગઢવીનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે. જ્યારે બ્લડ રિપોર્ટ FSLમાં મોકલવામાં આવ્યો છે. જે રિપોર્ટ 24 કલાક બાદ ઉપલબ્ધ થશે, જેના રિપોર્ટ બાદ ગાંધીનગર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. ત્યારે હવે કમલમ ખાતે થયેલા ઘર્ષણ અને ઘર્ષણ બાદના આરોપ મામલે આપ અને ભાજપના નેતાઓ આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે.
આપના હુમલા અંગે ભાજપ નેતા યગ્નેશ દવેનુ નિવેદન
યજ્ઞેશ દવેએ કહ્યું કે, લોકશાહીમા વિરોધ કરવો જોઇએ. વિરોધ કરવા માટે પણ ગરિમા જાળવવી જોઇએ. આજે આપના આસમાજિક તત્ત્વોએ ગેરવર્તુક કરી છે. આપ લોકશાહી ખોટી વાતો કરે છે. કોઇના પ્રાઇવેટ પ્રોપટીમા ઘુસીને વિરોધ કરવો અયોગ્ય છે. આ પ્રકારનો વિરોધ આપ શું સાબિત કરવા માંગે છે? આપ આ પ્રકારના વર્તણ ગુજરાત જનતા જવાબ આપશે.
AAP નેતા મહેશ સવાણીએ આપી સમગ્ર મામલે પ્રતિક્રિયા
મહેશ સવાણીએ કહ્યું કે, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં થયા તેનો વિરોધ હતો. અમારે AAPની મિટિંગ હતી તેને રોકવા તમામ બસો ડિટેન કરી. કમલમમાં જે થયું તેના CCTV ફુટેજ ભાજપ જાહેર કરે. ભાજપ આંદોલનોને કચડી નાખવા તંત્રનો ઉપયોગ કરે છે. ઇસુદાને નશો કર્યો કે નહીં તેની મેડિકલ તપાસ થશે.
ઇસુદાન ગઢવી કોઈપણ પ્રકારનો નશો કરતા નથી.
કમલમ ખાતે AAP દ્વારા વિરોધ પ્રદર્શન બાદ થયેલા આક્ષેપ મામલે AAP નેતા યોગેશ જાદવાણીએ કહ્યું કે, AAP નેતા કમલમ ખાતે પહોચ્યા હતા. ભાજપના નેતાઓએ આપ નેતાઓ પર જુઠ્ઠા આક્ષેપ લગાવ્યા છે. ઈસુદાન ભાઈ નશાની હાલતમાં હોય તેવા આક્ષેપ કરાયા છે. ઈસુદાનભાઈ ક્યારેય નશો કરી શકે નહીં. ગુજરાતમાં તાનાશાહીની રાજનીતિ ભાજપે કરી છે. અમારા પ્રદેશ કક્ષાઓના નેતાઓએ કમલમમાં રજૂઆત માટે પહોચ્યા હતા.
નિંદનીય હુમલોઃ CM અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ભાજપ-આપના કાર્યકર્તા વચ્ચે થયેલ ઘમાસાણ મામલે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલનું ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, નિંદનીય હુમલો, લાકડીઓ કે સરમુખત્યારશાહીથી પ્રજાના અધિકારનો અવાજ દબાવી ન શકાય
गुजरात में आम आदमी पार्टी के नेताओं और कार्यकर्ताओं पर ये बर्बरतापूर्ण हमला बेहद निंदनीय है। जनता के हक़ की आवाज़ को ऐसे किसी लाठी-डंडों या तानाशाही से नहीं दबाया जा सकता। https://t.co/GCxW4wqMfa
આપ નેતાઓ નશાની હાલતમાં હતા અને મહિલા સાથે ગેરવ્યવહાર કર્યોઃ શ્રદ્ધા રાજપૂત
શ્રદ્ધા રાજપુતે કહ્યું કે, AAP નેતાઓ નશાની હાલતમાં હતા. AAP નેતાએ મહિલા સાથે ગેરવ્યવહાર કર્યો હતો. મહિલા નેતાની અરજી પર પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. પેપરલીક કાંડ મામલે વિરોધ કરવા કમલમ પર AAPના નેતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી અને પ્રવિણ રામ સહિત કાર્યકરો પહોંચ્યા હતા.