Rain In Gujarat: બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબક્યો, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ
24 કલાકમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં નોંધાયો
ગાંધીધામમાં 7 ઈંચ, ભુજમાં સવા 5 ઈંચ વરસાદ
બિપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયા બાદ જખૌ બંદરથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. બિપોરજોય વાવાઝોડાની હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં અતિભારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મુશળધાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં છે. લોકો હેરાન પરેશાન બન્યા છે તેમજ ઘરવખરી પણ પલળી ગઈ છે. આપને જણાવી દઈએ કે, વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમા 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હજુ આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, અમેરેલી, મોરબી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે.
વૃક્ષો અને વીજ થાંભલાઓ થયા ધરાશાયી
શક્તિશાળી વાવાઝોડું મોડી રાત્રે કચ્છના જખૌ પોર્ટ નજીક ટકરાયું. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થતા જ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ પડ્યો. ભુજ-માંડવી સહિત કચ્છના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. અતિભારે પવન ફૂંકાતા માંડવીનોના દરિયો ગાંડોતૂર બન્યો હતો. વાવાઝોડાની અસરને પરિણામે વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે.
મોટાભાગની શાળાઓમાં રજા
રાજ્યની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે. અમદાવાદ,રાજકોટ,ગાંધીનગર,ખેડા,સાબરકાંઠા સહીત મોટા ભાગના જિલ્લાઓની શાળા કોલેજોમાં રજા લંબાવાઈ છે. આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. ગઈકાલે અમદાવાદ DEO દ્વારા 16 જૂને અમદાવાદ શહેર અને ગ્રામ્યની તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં બિપોરજોય વાવાઝોડાને પગલે સાવચેતીનાં ભાગરૂપે સ્કૂલ, કોલેજો તેમજ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.