આધારભૂત પરિયોજનાઓમાં સદા અગ્રેસર રહેનારા ચીને એક નવો વિક્રમ પોતાના નામે કર્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે એક નવું એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટ ફૂટબૉલના 100 મેદાન ભેગા કરીએ એટલું વિશાળ છે. વિશાળકાય સ્ટારફિશ માછલી જેવું દેખાતું આ એરપોર્ટ (બીજિંગ ડેક્સિંગ આંતરરાષ્ટ્રીય વિમાનમથક) થ્યેનઆનમન ચોકથી 46 કિલોમીટર દક્ષિણમાં ડેક્સિંગ જિલ્લા અને લાંગફાંગની બોર્ડર પર આવેલું છે.
દર વર્ષે 10 કરોડ મુસાફરો અહીંથી મુસાફરી કરી શકશે
ટર્મિનલની નીચે એક રેલ્વે સ્ટેશન અને મેટ્રો લાઇન પણ છે
હાલ અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ
ચીનમાં કમ્યુનિસ્ટ (સામ્યવાદી) શાસનના 70 વર્ષ પૂરા થયાના થોડા દિવસો પહેલા જ આ વિમાનમથકનું લોકાર્પણ સરકારની મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ એરપોર્ટ વર્ષ 2040 સુધીમાં પૂરી ક્ષમતા સાથે કાર્યરત થઈ જશે અને આઠ રનવે હશે. દર વર્ષે 10 કરોડ મુસાફરો અહીંથી મુસાફરી કરી શકશે. નવા એરપોર્ટનું કૉડનેમ પીકેએક્સ છે, જે રાષ્ટ્રપતિ શીના નામ સાથે જોડાયેલું છે.
એરપોર્ટના પ્રારંભ સાથે જ કેટલીક મુસીબતો પણ શરૂ થઈ હતી. તેની પ્રથમ કમર્શિયલ ફ્લાઈટ 380 સુપરજમ્બો ચીનના દક્ષિણમાં આવેલા ગ્વાંગડૉગ શહેર જઇ રહી હતી, તે લગભગ 30 મિનિટ મોડી રવાના થઈ. પ્રથમ ઉડાનનું લાઇવ કવરેજ કરનારા સરકારી પ્રસારણકર્તા સીસીટીવીએ વિલંબ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.
173 એકરમાં પથરાયેલું આ એરપોર્ટ અધધધ ખર્ચે તૈયાર થયું
આ સમગ્ર એરપોર્ટ 7,00,000 ચોરસ મીટર (અંદાજે 173 એકર)માં પથરાયેલું છે. તે ફૂટબૉલના 100 મેદાન ભેગા કરીએ તેટલું વિશાળ છે. બિલ્ડિંગની રચના જાણીતા ઇરાકી-બ્રિટીશ આર્કિટેક્ટ જાહા હદીદે ડિઝાઈન કરી હતી, જેમનું વર્ષ 2016માં અવસાન થયું હતું. આ પ્રોજેક્ટ પર એક લાખ 24 હજાર કરોડ રૂપિયા (લગભગ 120 અબજ યુઆન અથવા 17.5 અબજ ડૉલર)નો ખર્ચ થયો છે.
ટર્મિનલની નીચે એક રેલ્વે સ્ટેશન અને મેટ્રો લાઇન પણ છે
જોકે, જો રેલવે અને રસ્તા પર ખર્ચવામાં આવેલા નાણાં પણ જોડવામાં આવે તો તેની કિંમત લગભગ ચાર લાખ કરોડ રૂપિયા થાય છે. ટર્મિનલની નીચે એક રેલ્વે સ્ટેશન અને મેટ્રો લાઇન પણ છે, જે મુસાફરોને ફક્ત 20 મિનિટમાં બીજિંગની મધ્યમાં પહોંચાડી દેશે.
હાલ અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ
આર્કિટેક્ટ્સના જણાવ્યા અનુસાર, જ્યારે આ એરપોર્ટ તેની પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરવાનું શરૂ કરશે ત્યારે તે વિશ્વનું એકમાત્ર ટર્મિનલ સાથેનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. અમેરિકાનું એટલાન્ટા એરપોર્ટ હાલમાં વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જ્યાં દરવર્ષે 10 કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે, પરંતુ તેના બે ટર્મિનલ છે.