બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Asalli police arrested four bootlegger ahmedabad gujarat

ક્રાઈમ / અમદાવાદનો આ શખ્સ 100 કરોડથી વધુનો માલિક છતા દારૂની હેરાફેરી કરવા લાગ્યો, કારણ ચોંકાવનારું

Hiren

Last Updated: 08:33 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

150 વીઘાનો ખાતેદાર દારૂ પીવાના શોખના કારણે બુટલેગર બની ગયો હતો. અસલાલી પોલીસે રેડ દરમિયાન ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં આ બુટલેગર પણ ઝડપાયો છે.

  • અસલાલી પોલીસે ૧૮ લાખ રૂપિયાના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી
  • ખાતેદાર સહિત છ શખ્સો ફરાર
  • મફતમાં દારૂ પીવા મળી જાય અને લાખો રૂપિયાનો ધંધો થાય તે વિચારીને ખાતેદાર બુટલેગર બની ગયો

કોરોનાકાળમાં લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે, જેના કારણે સંખ્યાબંધ લોકો ગુનાઇત પ્રવૃતિ તરફ વળ્યા હતા, પરંતુ અમદાવાદ ‌જિલ્લાના સનાથલ ગામમાં રહેતો અને દોઢસો વીઘાનો ખાતેદાર કે જેની સાત પેઢી એશઆરામની ‌જિંદગી જીવી શકે છે તેને દારૂ પીવાનો શોખ ભારે પડી ગયો છે. દારૂ પીવાના શોખે ખાતેદારને બુટલેગર બનાવી દીધો છે, જેના કારણે તેને હવે જેલમાં જવાના દિવસો આવી ગયા છે. અસલાલી પોલીસે ખાતેદારની જમીનમાં બનાવેલા એક રૂમમાંથી ૧૮ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

અસલાલી પોલીસે ૧૮ લાખ રૂપિયાના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી

અસલાલી પોલીસને બાતમી મળી હતી કે ફતેહવાડી કેનાલની બાજુમાં આવેલા ‌વીસલપુર ગામની સીમની એક જગ્યામાં જંગી વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે અસલાલી પોલીસે વોચ શરૂ કરી હતી, જેમાં તેમને પાકી મા‌હિતી મળી ગઇ હતી કે સનાથલ ગામનો રહેવાસી રામચંદ્રસિંહ ગણપતસિંહ રાજપૂત, જેની અસલાલી ગામમાં જમીન આવેલી છે ત્યાં દારૂનો જથ્થો પડ્યો છે. અસલાલી પોલીસની ટીમે બાતમીવાળી જમીન પર રેડ કરી હતી, જેમાં એક ઓરડીમાંથી પોલીસે ૧૮ લાખ રૂપિયાની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂ સાથે જયપાલસિંહ (રહે. સનાથલ ગામ), ગોરધનસિંહ રાજપૂત (રહે. રાજસ્થાન), મહેન્દ્રસિંહ રાજપૂત (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર રામચંદ્રસિંહ ચૌહાણ, રુદ્રવતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, કનુભાઇ પટેલ અને કુલદીપસિંહ વોન્ટેડ છે. પોલીસે ઘટનાસ્થળ પરથી ૩૭૮ પેટી દારૂ તેમજ ૮૮પ૬ દારૂની બોટલો, ત્રણ વાહનો અને પાંચ મોબાઇલ સહિત કુલ ર૦.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

અસલાલીમાં 150 વિઘા જમીનના ભાવ અંદાજિત 100 કરોડથી વધુ

અમદાવાદ ‌જિલ્લાના ડીવાયએસપી કે.ટી. કામ‌િરયાએ જણાવ્યું છે કે અસલાલી પોલીસે રેડ દરમિયાન ચાર શખ્સોની ધરપકડ કરી છે, જે રામચંદ્રસિંહ ચૌહાણ માટે કામ કરતા હતા. રામચંદ્રસિંહ ચૌહાણ દારૂ પીવાનો શોખીન હતો અને અવારનવાર તેની જગ્યા પર દારૂની પાર્ટીનું આયોજન કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સનાથલ સહિત અલગ અલગ વિસ્તારમાં રામચંદ્રસિંહની પોતાની મા‌લિકીની દોઢસો વીઘા જમીન આવેલી છે, જેના કારણે રામચંદ્રસિંહ કોઇ કામધંધો કરે નહી તો પણ તેની સાત પેઢીઓ એશઆરામનું જીવન જીવી શકે. અસલાલી તરફ જે રીતે જમીનના ભાવ ટોચ પર છે તે જોતાં દોઢસો વીઘા જમીનની ‌કિંમત પણ અંદા‌જિત ૧૦૦ કરોડ રૂપિયા ઉપર જાય છે. 

દારૂ પીવાનો શોખ હોવાથી તેણે શોખને બનાવ્યો ધંધો

રામચંદ્રસિંહને દારૂ પીવાનો શોખ છે, જેથી તેણે તે શોખને ધંધો બનાવી દીધો હતો. રુદ્રવતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, કનુભાઇ પટેલ અને કુલદીપસિંહે સાથે મળીને દારૂનો ધંધો કરવા માટેનું આયોજન કર્યું હતું, જેમાં રાજસ્થાનથી તેણે એક સાથે ૧૮ લાખ રૂપિયાનો દારૂ મંગાવી લીધો હતો. મફતમાં દારૂની મહે‌ફિલ થાય અને સાથોસાથ તેના માણસો દારૂનો ધંધો કરીને રૂપિયા કમાય તેવી આશા રામચંદ્રસિંહને હતી, જોકે તેનો ઇરાદો પાર પડે તે પહેલાં પોલીસે સમગ્ર હકીકતનો પર્દાફાશ કરી દીધો હતો. 

એક ઓરડી દારૂથી ભરી અને બીજી ઓરડીમાં દારૂની મહેફિલ

ડીવાયએસપી કે.ટી. કામ‌િરયાએ વધુમાં જણાવ્યું છે કે પોલીસ રેડ માટે પહોંચી ત્યારે તે જમીનમાં બે ઓરડી હતી, જેમાં એક ઓરડીમાં દારૂનો જથ્થો પડ્યો હતો, જ્યારે બીજી ઓરડી કે જે એસીવાળી હતી તેમાં રામચંદ્રસિંહ તેના સાગરીતો અને મિત્રો સાથે દારૂની મહે‌ફિલ માણતો હતો. દારૂની સાથે-સાથે જમવાની પાર્ટી પણ ત્યાં જ થતી હતી, કારણ કે તેનું પોતાનું અલગથી એક રસોડું પણ હતું. દારૂની સાથે નોન વેજ પણ આ જમીન પર પીરસાતું હતું. પોલીસે હાલ ચાર શખ્સોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે રામચંદ્રસિંહ સહિતના છ લોકોને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ પહેલાં પણ રામચંદ્રસિંહે દારૂનો જથ્થો ઉતાર્યો હોવાનું સામે આવે તેવી શક્યતા છે. 

અમદાવાદ જિલ્લા ક્રાઈમ બ્રાંચે 485 પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

અસલાલી પોલીસે ક્વો‌લિટી કેસ કર્યો છે ત્યારે અમદાવાદ ‌જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચે પણ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચે વટામણ-ધોલેરા હાઇવે પરના ભોળાદ ગામના પા‌ટિયા પાસેથી બાતમીના આધારે ૪૮પ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીની ટીમે ટેન્કરમાંથી રર લાખના દારૂ સાથે રપ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આ દારૂ કોને મોકલવાનો હતો તેની પણ તપાસ શરૂ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ