અમદાવાદમાં 29 અને 30મી મે ના રોજ યોજાનાર દિવ્ય દરબાર મામલે AMC દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના જાહેરાતના બોર્ડ લગાવવા અને પ્રાથમિક સુવિધા મામલે મંજૂરી અપાઈ છે.
AMC દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના જાહેરાત બોર્ડ લગાવવા આપી મંજુરી
AMC દિવ્ય દરબારના સ્થળે જનરલ સુવિધાઓ પૂરી પડાશે
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં 29મી અને 30મી મે ના રોજ દિવ્ય દરબાર યોજાશે. ભારે વિરોધ વચ્ચે પણ દિવ્ય દરબારની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે AMC દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના જાહેરાતના બોર્ડ લગાવવા સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામા આવી છે. વધુમાં દિવ્ય દરબારના સ્થળે જનરલ સુવિધાઓ પણ AMC પુરી પાડશે. તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનું નિવેદન સામે આવ્યું છે.
અમદાવાદમાં 29 અને 30 મેના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર
અમદાવાદમાં 2 દિવસ માટે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે, આગામી 29 અને 30 મેના રોજ ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. જેનું આયોજન રાધિકા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં અંદાજે સવા લાખ લોકો માટે વ્યવસ્થા કરાશે. આ માટે અમે મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ આમંત્રણ આપીશું. સાથે જ ધારાસભ્ય, કાઉન્સિલર, ચેરમેન, મેયરને પણ આમંત્રણ આપવામાં આવશે.
સુરતના નિલગીરી મેદાન ખાતે યોજાશે કાર્યક્રમ
26 અને 27 મેના રોજ સુરત ખાતે પણ બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. શહેરના લિંબાયતના નિલગીરી મેદાન ખાતે બાબા બાગેશ્વરનો કાર્યક્રમ યોજવાનો છે. નિલગીરી મેદાનમાં સાંજે 5થી રાતના 10 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાશે. આ પહેલા સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનો વિરોધ થઈ રહ્યો છે. સુરતમાં અંધશ્રદ્ધા નિવારણ શાખાએ કાર્યક્રમનો વિરોધ કર્યો છે. અંધશ્રદ્ધા નિવારણ શાખાએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રદ કરવાની માંગણી કરી છે. આ માટે સુરત કલેક્ટર અને પોલીસ કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં કાર્યક્રમથી અંધશ્રદ્ધા ફેલાતી હોવાથી મંજૂરી ન આપવા માંગ કરી છે.
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે.